Get The App

પોલિયોની રસીનો શોધક જોનાસ સોલ્ક

Updated: Jan 10th, 2025


Google NewsGoogle News
પોલિયોની રસીનો શોધક જોનાસ સોલ્ક 1 - image


- વિશ્વના વિજ્ઞાનીઓ

પોલિયો નાના બાળકોને થતો ભયંકર રોગ છે. તેમાં  બાળકના પગ ખોટા પડી જઈ બાળક કાયમ માટે અપંગ થતાં. પોલિયો વાયરસથી થતો રોગ છે. પરંતુ હવે પોલિયોની રસી આપી હોય તેવા બાળકોને આ રોગ થતો નથી. હવે વિશ્વભરમાં બાળકોમાં આ રોગ જોવા મળતો નથી. બાળકો માટે રસીકરણની યોજનામાં પોલિયોની રસી મુખ્ય છે. આ રસી બાળકને મોં વાટે પિવડાવવામાં આવે છે. આ મહત્ત્વની અને જીવન રક્ષક શોધ અમેરિકાના વિજ્ઞાની જોનાસ સોલ્કે  કરી હતી.

જોનાસ સોલ્કનો જન્મ ઈ.સ. ૧૯૧૪ના ઓક્ટોબરની ૨૮ તારીખે ન્યૂયોર્કમાં થયો  હતો. તેના માતાપિતા અભણ  અને ગરીબ હતા પરંતુ તેમણે જોનાસને ખૂબ જ ખંતથી ભણાવેલો. ન્યૂયોર્કની યુનિવર્સિટી ઓફ મેડિસીનમાં અભ્યાસ કરી જોનાસ પિટ્સબર્ગ યુનિવર્સિટીમાં સંશોધક તરીકે જોડાયા. ઈ.સ. ૧૯૫૫માં તેણે પોલિયોની રસીની શોધ કરી. તેણે ઈન્જેક્શન દ્વારા અપાતી રસી શોધેલી. હાલમાં ટીપાં દ્વારા પિવડાવાતી રસીની શોધ આલ્બર્ટ સાબિન નામના વિજ્ઞાનીએ કરી હતી. બંને તેની પેટન્ટ મેળવી જંગી કમાણી કરી શક્યા હોત, જોકે બંનેએ પોતાની શોધ પેટન્ટ કરાવી નહોતી પરંતુ વિશ્વને દાનમાં આપી દીધી હતી. 

રસીની શોધ કર્યા પછી જોનાસે પોતાના પરિવારના સભ્યો પર જ પરીક્ષણો કરીને તે સફળ હોવાનું સાબિત કર્યું હતું. જોનાસે રસીની શોધ ઉપરાંત મેડિકલ ક્ષેત્રે ઘણા પુસ્તકો પણ લખ્યા હતા. ઈ.સ. ૧૯૯૫ના જૂનની ૨૩ તારીખે તેનું અવસાન થયું હતું.


Google NewsGoogle News