For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ફ્લોરીની ગ્લોરી .

Updated: Sep 16th, 2022

Article Content Image

- 'હું સામે કિનારે તરીને જઈશ. મારી હિંમત  પર જઈશ.'

- 'ઓ... અરેરે... ઉપાડી લો અને, ઉપાડી લો મને, ઉપાડી લો.'

- ફ્લોરીએ જ્યારે જાણ્યું કે એ તરીને દરિયો ઓળંગવાનું સાહસ પાર પાડી શકે છે, એટલે તે બીજી વખત તૈયાર થઈ. બે મહિના પછી જ. મહત્ત્વ આ બીજી વખતનું છે. પહેલી પરીક્ષામાં નિષ્ફળ જતાં કંઈ બધું હારી જવાતું નથી. જીવન તો નહીં જ.

- 'બીજી વખતનું મહત્વ છે. પહેલી હાર ઘણી નવી વાતો શીખવે છે. બીજી વખત આપણને ધક્કો મારી આગળ ધકેલે છે, આગળ... આગળ... આગળ...'

- આ જ ઠંડા બરફનાં પાણી, શાર્ક માછલીઓ, ગાઢાં ધુમ્મસ તેને પહેલીવાર પછાડી ચૂક્યા હતા, પણ ફ્લોરીની આ બીજી પાળી હતી...

આ કિનારાથી તે કિનારાનું અંતર ચોત્રીસ કિલોમીટર હતું. એ છોકરી રોજ કિનારે ફરવા આવતી. પણ તેને તો સામે પાર પહોંચી જવું હતું. હોડીમાં નહીં, બોટમાં નહીં, તરાપામાં નહીં. વિમાન કે હેલિકોપ્ટરમાં તો નહીં જ નહીં.

એ છોકરીને તરીને સામે કિનારે જવું હતું. પોતાના બાવડાંના બળે સાગર વીંઝવો હતો. તરવામાં તે નિપૂણ બની ગઈ હતી. સવાલ હતો ઠંડા પાણીથી ટેવાવાનો, સહનશીલતાનો, ટકી રહેવાનો.

ક્યારેક કોઈક પુરૂષ તરવૈયા હિંમત કરતાં. ફાવી જતાં. નામ મેળવતાં. નામ નોંધાવતાં. વાહવાહી મેળવી લેતાં.

જે કામ પુરૂષ કરે એ છોકરીએ કરવું હતું. કરવું જ હતું.

તે લાંબો સમય રિયાઝ કરતી રહી. થોડે વધારે, થોડે વધુ વધારે જતી રહી અને એક દિવસ જાહેરાત કરી દીધી: 'હું સામે કિનારે જઈશ. તરીને જઈશ. મારી હિંમત પર જઈશ. મારા જોખમે જઈશ.'

તારીખ નક્કી થઈ ચોથી જુલાઈ. ભેગા કર્યા લોકોને. પત્રકારો, લેખકો, તરવૈયાઓ, સાહસિકો, હોડીવાળાઓ, મોટરબોટવાળાઓ અને હેલિકોપ્ટરો.

પાણીમાં કૂદવાની ઘડી આવી.

પત્રકારોએ પૂછ્યું: 'તમને લાગે છે કે તમે સામે કિનારે પહોંચી શકશો?'

'મને ખાત્રી છે.'

'અંતર ચોત્રીસ કિલોમીટરથી 

વધારે છે.'

'મને ખબર છે.'

'પાણી વિચિત્ર પ્રકારે શાંત છે.'

'મને માહિતી છે.'

'કિનારે, મધદરિયે કે સામેની બાજુ બીજા દરિયાઈ જીવ...'

'હું તૈયાર છું.'

ધ્વજ ફરક્યો. સિસોટી વાગી. ફ્લોરીએ ઝંપલાવી દીધું. તે દરેક રીતે સજ્જ હતી. પૂરેપૂરી તૈયારી કરી ચૂકી હતી. શરૂઆતમાં સાહસિકોમાં જોશ અને ઉત્સાહ હોય છે. ઉત્તેજના અને ઉશ્કેરાટ હોય છે. તમન્ના અને પડકાર હોય છે. સાથીઓ સાથ આપે છે. બોટવાળાઓ પ્રોત્સાહન આપે છે. જોનારાઓ જુસ્સો ચઢાવે છે.

એક કિલોમીટર... બે... ત્રણ... વાહ, હવે વળી કેટલું દૂર?

પણ પ્રારંભનાં પાણી મપાયા બાદ જ શરત અને કસરત શરૂ થાય છે.

તેમાંય પ્રશાંત મહાસાગરના પાણી જેટલા શાંત તેટલા જ ભેદી હોય છે. ઠંડા તો એટલાં કે બરફ થવાની જ વાર.

અને... આ પાણીમાં માનવભક્ષી શાર્ક માછલીઓ ખરી જ.

અગાઉ તરનારા કેવી રીતે તરી ગયા હશે! કેવી રીતે પાર પહોંચ્યા હશે! એનો વારંવાર વિચાર આવ્યા જ કરે.

એક બાજુથી કિનારો દૂર થઈ ગયો હોય અને બીજો કિનારો તો ઘણો દૂર છે, ઘણો ઘણો દૂર.

ઉપરથી છવાઈ રહ્યું છે ધુમ્મસ. ગાઢું જાડું ધુમ્મરિયું ધુમ્મસ. બાજુની બોટ ન દેખાય અને દિશા તથા અંતર તો પરખાય જ નહીં.

તેમ છતાં ફ્લોરી તરતી રહી, તરતી રહી, હાથ મારતી રહી, પગ ઉછાળતી રહી, દરિયો પાર કરતી રહી.

ઘણું અંતર કાપી નાખ્યું હતું, પાણીનું અને સમયનું. ઘણે દૂર સુધી આવી લાગી હતી ફ્લોરી. પણ... હવે પગ અકડાવા લાગ્યા હતાં, હાથ ભારે થવા લાગ્યા હતાં. શરીરને ઊંચકવું-ખેંચવું પડતું.

નિર્ણય છોડવો ન હતો. મક્કમતાને મચક આપવી ન હતી. પણ શરૂ થયું ધૂંધ. તનનું અને મનનું. બધું જ ભારે વજનદાર લાગવા માંડયું. દરિયામાં જાણે પહાડ ઊંચકવો પડતો હતો. એ તો એનું પોતાનું શરીર જ હતું. જે સામાન્ય રૂપે ચપળ હતું, તે જ પહાડ બની ગયું હતું.

ખેંચાય ત્યાં સુધી ખેંચે રાખ્યું. પહોંચાય ત્યાં સુધી પહોંચે રાખ્યું. પછી : 'ઓ... અરેરે... ઉપાડી લો અને, ઉપાડી લો મને, ઉપાડી લો.'

થીજી ગયેલા પથ્થરિયા દેહને ઉપાડી લીધો સુરક્ષકોએ. લઈ લીધી તેને હોડીમાં. કહો કે બચાવી લીધી. કેટલું અંતર બાકી હતું, જાણો છો? માત્ર એક કિલોમીટરનું. અરે, તેથી ય ઓછું. તે લગભગ તેત્રીસ કિલોમીટર પાર કરી ચુકી હતી. બાર કલાકથી વધુ તરીને તે મંઝિલ સુધી પહોંચી જ ગઈ હતી. પણ કહે છે ને કે સાગર તરી, ખાબોચિયે...

ડૂબી...? જી ના. તેણે જ્યારે જાણ્યું કે તે આ સાહસ પાર પાડી શકે છે, એટલે તે બીજી વખત તૈયાર થઈ. બે મહિના પછી જ. મહત્ત્વ આ બીજી વખતનું છે. પહેલી પરીક્ષામાં નિષ્ફળ જતાં કંઈ બધું હારી જવાતું નથી. જીવન તો નહીં જ.

બીજી કસોટી વધુ મહત્વની હોય છે. ફ્લોરીએ આ વખતે વધુ પ્રચાર કર્યો. તેણે પૂરા આત્મવિશ્વાસથી લોકોને કહ્યું, 'હું આ વખતે ખાડી પાર કરીશ. પાર કરીશ જ.' 

તે કૂદી પાણીમાં.

ઘણાંને લાગતું હતું કે નાહક શા માટે ઝઝૂમે છે? કંઈ હાથ લાગવાનું નથી! પાણીમાં બાચકાં ભરવાથી પાણી જીતાતાં નથી, પણ ફ્લોરીનો આ વખતનો નિર્ણય પાકો હતો. ગઈ નિષ્ફળતાનો તમામ અનુભવ તેને આ વખતે કામમાં આવતો હતો.

'હવે થોડુંક જ અંતર બાકી છે, હવે થોડાક સ્ટ્રોકસ! અને આ... આવ્યો કિનારો, હાથ લાગ્યો જ સમજો.'

હાથ લાગ્યો જ. હા, હા૨ હાથ લાગ્યો જ.

કેટેલીના જેવી કષ્ટદાયક ખાડી તરીને પાર કરનારી ફ્લોરેન્સ ચેડવીક પહેલી મહિલા તરણવીરાંગના બની રહી, તેર કલાક અને સત્તર મિનિટનો તેનો સમય હતો. પુરૂષ તરવૈયાના વિક્રમથી તેણે બે કલાક જેટલો ઓછો સમય લીધો હતો.

કેટેલીના ટાપુ પરથી દક્ષિણ કેલિફોર્નિયાની વિકટ ખાડી વિક્રમ સમયમાં પાર કરનાર ફ્લોરી પહેલી સ્ત્રી હતી. હજી આજ સુધી તે પહેલી છે.

અગાઉનું ધુમ્મસ, અગાઉની શાર્ક માછલીઓ, અગાઉનાં ઠંડા પાણી, અગાઉની તમામ મુસિબતો આ વખતેય આવી જ હતી.

ચારે બાજુ ઝબકતા પત્રકારોના કેમેરાની વચમાં ફ્લોરીને પૂછાયું : 'તમે કેવી રીતે આ સાહસ આટલા આત્મવિશ્વાસ સાથે પાર પાડી શક્યા?' ફ્લોરીનો જવાબ હતો : 'બીજી વખતનું મહત્વ છે. પહેલી હાર ઘણી નવી વાતો શીખવે છે. બીજી વખત આપણને ધક્કો મારી આગળ ધકેલે છે, આગળ... આગળ... આગળ...'

એ વાત છે બરાબર ૬૯ વર્ષ પહેલાંની, ૧૯૫૩ના સપ્ટેમ્બરની ચોથી તારીખની. હજી આજેય ફ્લોરેન્સ ચેડવિકની ગ્લોરીને કોઈ ટપી શક્યું નથી. સાહસની દુનિયામાં સ્ત્રી પુરૂષથી ચઢિયાતી સાબિત થઈ શકે છે, થઈ શકી છે. 

Gujarat