For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આઝાદીનો બોધ .

Updated: Nov 18th, 2022


- ગલિયો પછી પાંજરાં પાસે ગયો અને બંને કડીઓ ખોલી નાખી. બધાં જ પક્ષીઓને આઝાદ કરી દીધાં. ગલિયો બોલ્યો, 'આજે હું તમને પાંજરામાંથી મુક્તિ આપું છું.' 

માધવી આશરા

એ ક નાનું એવું ગામ, ગોમતીપુર એનું નામ. ગામમાં જીવન જરૂરી બધી વસ્તુઓ મળી રહે. લોકો સંપીને રહે. ગોમતીપુરમાં શિવજીનું એક ખૂબ મોટું, ભવ્ય અને સુંદર મંદિર હતું. લોકો સવાર-સાંજ શિવજીના દર્શને જાય. પૂજા, પ્રાર્થના કરે. સવાર-સાંજ આરતી થાય. 

આ મંદિરમાં એક મહાજ્ઞાાની મહંત બેસે. નામ તેમનું શ્યામ સાધુ બાપુ. તેઓ ખૂબ જ તપસ્વી, માયાળુ અને પ્રેમાળ. લોકોને જીવનની સાચી દિશા દેખાડે. જીવદયા પ્રેમી. બધા મનુષ્યો અને જીવો માટે તેમના મનમાં સદા પ્રેમ. 

લોકો શ્યામ સાધુ બાપુને બહુ માને. મંદિરે તેમના દર્શન માટે પણ આવે. લોકો બાપુનું કહ્યું માને. બાપુની સેવા કરે. પશુ-પક્ષીઓની સેવા કરે. ગાયોની સેવા કરે. દૂર-દૂરથી લોકો તેમના દર્શને આવે. તેમને ભેટ-સોગાત પણ આપે. 

વર્ષમાં જયારે ગુરુપૂણમા આવે ત્યારે તેમના અનુયાયીઓ અને સેવકો, ભક્તો ખૂબ ભાવ સાથે ગુરુનું પૂજન કરે. બાપુનું સમ્માન કરે. આમ ગુરુપૂણમા અને શિવરાત્રી જેવા મોટા તહેવારમાં મંદિરના પ્રાંગણમાં મોટો ઉત્સવ ઉજવવામાં આવે. મંદિરમાં માનવ મેરામણ ઊમટી પડે. લોકોનો ભવ્ય લોકમેળો ભરાય. આ લોકમેળા દૂર દૂરથી જાતજાતના લોકો આવે. 

બાપુના દર્શન માટે દર શનિવારે એક ભક્ત આવે. નામ તેનું ભલો, પણ આ ભલાના નામ પ્રમાણે ગુણ નહીં. ભલાઈના કોઈ ગુણ તેમાં દેખાય નહીં, પણ બાપુના દર્શને આવે, બાપુને વંદન કરે, બાપુને બહુ માન આપે, પ્રેમ કરે. બાપુ તેની પીઠ થાબડીને કહે : જા, તારું કલ્યાણ થાય. ભલો બાપુના આશીર્વાદ મેળવી ખુશ થઈ જતો.  

આ જ મંદિરમાં એક છોકરો રહે. બાપુની સેવા-પૂજા કરે. નામ તેનું ગલિયો. ગલિયો બાપુની સાથે મંદિરમાં રહે. મંદિરની સાફ-સફાઈ કરે, નાનું-મોટું કામ કરે અને નિશાળે ભણવા પણ જાય. ગલિયો બહુ ડાહ્યો અને હોશિયાર. બાપુનું કહ્યું માને. 

એક દિવસની વાત છે. રવિવારનો દિવસ છે. ગલિયો બાપુના કહેવાથી ગોમતીપુરના બજારમાં ગયો. બજારમાં જાતજાતનાં પુસ્તકો વેચાય, કપડાં વેચાય, કરિયાણું વેચાય, ઘર વપરાશની નાની-મોટી બધી જ વસ્તુઓ વેચાય, વાસણ વેચાય, જૂનું-નવું ફનચર વેચાય, માટલાંથી માંડીને માટલાંના ઢાંકણાં સુધી બધું વેચાય. 

ગલિયો બાપુ માટે બે માટલાં લેવા આવેલો. બાપુની છકડા ગાડીમાં આ માટલાં લઈને જવાનાં હતાં. ગલિયો બજારમાં ફરતા-ફરતાં પક્ષી બજારમાં આવ્યો. પક્ષી બજારમાં તેણે પેલા ભલાને બેઠેલો જોયો. 

ભલો પક્ષીઓને પાંજરામાં પકડીને બેઠો હતો. આ પક્ષીઓમાં ચકલીઓ, પોપટ, કાબર, મેના, કબૂતર વગેરે હતાં. ગલિયાએ જોયું કે પેલો ભલો પાંજરામાં પક્ષીઓને પૂરીને બેઠો હતો અને પોતે બીડી ફૂંકતો હતો. ગલિયાએ તેની પાસે જઈને કહ્યું, 'તમે દર શનિવારે બાપુના દર્શને આવો છો એ જ ભલાભાઈને?'

ભલો કહે, 'હા.' 

ગલિયાએ કહ્યું, 'તમે તો ખૂબ મોટી મોટી ભલાઈની વાતો કરો છો. દયાની વાતો કરો છો. ચાલો, આજે હું તમને એક નવો બોધ આપું.' 

ભલાએ થોડા અહમ્ સાથે કહ્યું, 'અલા છોકરા, તું મને શું બોધ આપીશ.' 

ગલિયો કહે, 'હું તમને મુક્તિનો બોધ આપીશ.' 

ભલાએ કહ્યું, 'જા, જા... છોકરા, તું મને શું મુક્તિનો બોધ આપવાનો.'

ગલિયો પછી તો બંને પાંજરાં પાસે ગયો અને પાંજરાંની બંને કડીઓ ખોલી નાખી. બધાં જ પક્ષીઓને આઝાદ કરી દીધાં. ગલિયો બોલ્યો, 'આજે હું તમને પાંજરામાંથી મુક્તિ આપું છું.' પછી ભલાને કહ્યું, 'ખબરદાર! આજ પછી ક્યારેય પક્ષીઓનો વેપાર કરતા નહીં. પક્ષીઓ માટે તો તેનું આકાશ જ તેનું ઘર છે. એ તો મુક્ત ગગનના રહેવાસી છે.' 

ભલાએ કહ્યું, 'હવે હું તને નહીં છોડું.' 

ગલિયો તો પોતાનાં બે માટલાં લઈને છકડામાં બેસી ગયો અને ભલાને કહેતો ગયો, 'હવે આપણે મંદિરે બાપુ પાસે વાત કરીશું.' અને ગલિયાએ પોતાનો છકડો દોડાવી મુક્યો. 

તેની પાછળ પાછળ પેલો ભલો પોતાની સાયકલ દોડાવી મંદિરે આવ્યો. ગલિયો તો તરત જ બાપુ પાસે ગયો અને બધી વાત કરી. ત્યાં તો ભલો પણ મંદિરે પહોંચી ગયો. 

ભલાએ બાપુને પગે લાગીને કહ્યું, 'તમારો આ છોકરો ખૂબ જ ખેપાની છે. તમારા આ છોકરાએ મારું પાંચ હજારનું નુક્સાન કર્યું.' મારાં પક્ષીઓને પાંજરામાંથી ઉડાડી દીધાં.' 

બાપુ કહે, 'એમાં શું ખોટું કર્યું ગલિયાએ? અરે પક્ષીઓ તો મુક્ત ગગનનાં જીવ છે. તેને તો સદા મુક્ત આકાશમાં ઉડવા જોઈએ. તેને તો બંધન વગરની હવા જોઈએ. તે તો મુક્ત મને આકાશમાં વિચરતાં હોય. મુક્ત આકાશે પોતાની ઉડાન ભરતા હોય. ગલિયાએ તો જીવદયાનું કામ કર્યું છે.'

ભલાએ કહ્યું, 'પણ તેણે મારું મોટું નુક્સાન કર્યું તેનંુ શું?' 

બાપુએ કહ્યું, 'આમ તો તું ખૂબ દયાની વાતો કરે છે, પક્ષીપ્રેમની વાતો કરે છે. હવે મને ખબર પડી કે તારામાં તો ભલાઈ જેવો કોઈ ગુણ નથી. હવે તું અહીં ક્યારેય નહીં આવતો.' 

ભલાને તો બાપુના આવા શબ્દોથી ડર લાગ્યો. તે કહેવા લાગ્યો, 'બાપુ, મારાથી ભૂલ થઈ ગઈ. હવે હું આવી ભૂલ ક્યારેય નહીં કરું.' 

ભલો તો કાલાવાલા કરવા લાગ્યો. 

બાપુએ કહ્યું, 'જા, તું પણ આજથી મુક્ત, પણ મારા ગલિયાને કંઈ ન કરતો.' 

...અને પછી ભલામાં ભલાઈના ગુણો વિકસવા લાગ્યા!    

Gujarat