ચિંટુ અને મંગુમા .
- મંગુમાના હાથમાં છત્રી નહોતી! વરસાદને લીધે તેઓ આખાં ભીંજાઈ ગયાં હતાં અને પલળી જવાથી તેઓ ધૂ્રજી રહ્યાં હતાં. ચાલવું પણ મુશ્કેલ લાગી રહ્યું હતું.
- કિરણબેન પુરોહિત
ચોમાસુ આવતાં જ ચિન્ટુને બહુ મજા આવી ગઈ. તેને વરસાદમાં નહાવું બહુ ગમતું.
તે દિવસે રવિવાર હતો એટલે સ્કૂલે જવાનું નહોતું. હવામાં મીઠી ઠંડક હતી. ઝરમર વરસાદ વરસી રહ્યો હતો.
ચિન્ટુ, ભોલુ, પિન્ટુ, મીતા, સોનુ અને પરી બધાં મિત્રો વરસાદમાં રમવા નીકળ્યાં.
ધીમા ધીમા વરસાદમાં બધાને રમવાની ખૂબ મજા આવી. પરી તેની લાલ છત્રી લઈને આવી હતી. તેને વરસાદમાં છત્રી લઈને ચાલવાની બહુ મજા આવતી.
ચિંટુએ જોયું તો કે મંગુમા સામેથી આવી રહ્યાં હતાં. મંગુમા તેમની સોસાયટીમાં જ રહેતાં હતાં. એ બજારમાંથી વસ્તુ લઈને આવી રહ્યાં હતાં, પણ એમના હાથમાં છત્રી નહોતી! વરસાદને લીધે તેઓ આખાં ભીંજાઈ ગયાં હતાં અને પલળી જવાથી તેઓ ધૂ્રજી રહ્યાં હતાં. ચાલવું પણ મુશ્કેલ લાગી રહ્યું હતું.
આ જોઈને ચિન્ટુને મગુંમાની ખૂબ દયા આવી.
ચિંટુ બોલ્યો:
'દોસ્તો, ચાલો આપણે મંગુ માની મદદ કરીએ!'
સૌ મિત્રો તેમની પાસે ગયા.
પરીએકહ્યું:
'મંગુમા, તમે મારી છત્રીમાં આવી જાઓ. અમે તમને ઘર સુધી મૂકી જઈએ...'
પરીએ મંગુ માને પોતાની છત્રીની નીચે લઈ લીધીં.
રસ્તામાં મીતાએ મંગુ માનો થેલો પકડી લીધો. બધા મિત્રોએ મંગુમાને એમના ઘર સુધી પહોંચાડી દીધા.
મંગુમા ખુશ થઈ ગયાં અને બોલ્યાં:
'તમે બધા ખૂબ સારાં છો. હું તો વરસાદમાં ખૂબ પલળી ગઈ છું, એટલે ચાલી પણ શકતી નહોતી. આજે તમે બધાએ મારી ખૂબ મદદ કરી.'
ચિન્ટુએ જોયું તો મંગુમાનું ઘર બહુ જૂનું હતું. ઘરમાં ખૂબ પાણી પડતું હતું. એક ઓરડામાં કે જ્યાં પાણી ટપકતું નહોતું, ત્યાં મંગુમાને બેસાડયા. મંગુમા રસોઈ પણ કરી શકે તેમ ન હતાં.
ચિન્ટુને એક વિચાર આવ્યો. તેણે મંગુ માને કહ્યું:
'આજે તમે રસોઈ નહીં બનાવતાં. આજે હું મારી ઘરેથી જમવાનું લઇ આવીશ.'
ચિન્ટુ પોતાના ઘરેથી જમવાનું લઇ આવ્યો તે જોઈને બધા મિત્રો પણ તેમના ઘરેથી કંઈકને કંઈક ખાવાનું લઈ આવ્યા. પરી ભજીયા લઇ આવી, ભોલુ સેન્ડવિચ લઈ આવ્યો.
મંગુમાએ બધાં બાળકોને સાથે જમવા બેસાડી દીધાં. સૌને મંગુમાને ઘરે જમવાની મજા આવી ગઈ. બધા અલગ અલગ ખાવાનું લાવ્યા હોવાથી જાણે પિકનિકમાં આવ્યાં હોય તેવું લાગતું હતું.
જમી લીધા પછી મંગુમાએ બધાને એક સુંદર વાર્તા કહી સંભળાવી. ચિન્ટુને તેના દાદાએ કહેલી એક 'ટાઢા ટબૂકલા'વાળી ડોશીમાની વાર્તા યાદ આવી. ચિન્ટુએ તે વાર્તા બધાને કહી.
ચિન્ટુએ મંગુમાને કહ્યું:
'ચોમાસામાં બજારમાં વસ્તુ લેવા તમે ન જતાં. તમારે કંઈ લાવવું હોય તો અમને કહેજો અમે લાવી દઈશું.'
ચિન્ટુ અને તેના મિત્રોએ મંગુમાને ખૂબ મદદ કરી. તેમને શાકભાજી, દૂધ અને બીજી વસ્તુઓ લાવી આપતાં. મંગુમાનું ઘર સાફ કરવા લાગતા. ચિન્ટુના દાદા હંમેશા કહેતા કે વૃદ્ધ માણસની હંમેશા મદદ કરવી.
એકાદ મહિના પછી ચોમાસુ થંભી ગયું. ચિન્ટુએ અને તેનાં મિત્રોએ મંગુમાના ઘરને રીપેરીંગ કરી આપવાનું વિચાર્યું. ચિન્ટુએ તેનાં પપ્પની મદદ લઈને રીપેરીંગ કરનારાને બોલાવ્યા. મંગુમાનું આખું ઘર હવે વ્યવસ્થિત થઈ ગયું હતું.
એક વૃદ્વ દાદીની મદદ કરીને બધા છોકરાઓને ખૂબ આનંદ અને સંતોષ થયો.