માતૃભાષાનો મહિમા કરીએ .

Updated: Mar 12th, 2022


- વિચાર વિહાર-યાસીન દલાલ

- ગુજરાત સરકારે બજેટની સાથે પોતાની નવી ભાષાનીતિ જાહેર કરી છે. હવેથી બધા વિદ્યાર્થીઓ માટે શિક્ષણના માધ્યમ તરીકે ગુજરાતી રહેશે વરસોથી ગુજરાતમાં આ બાબતે અસ્પષ્ટતા રહી છે.

ગુજરાત સરકારે બજેટની સાથે પોતાની નવી ભાષાનીતિ જાહેર કરી છે. હવેથી બધા વિદ્યાર્થીઓ માટે શિક્ષણના માધ્યમ તરીકે ગુજરાતી રહેશે વરસોથી ગુજરાતમાં આ બાબતે અસ્પષ્ટતા રહી છે. કયારે મગન માધ્યમ તરીકે ઓળખાતી નીતિ અમલમાં રહી હતી. આ દરમ્યાન કેટલીક શાળાઓમાં ૮માં ધોરણથી અંગ્રેજી માધ્યમ દાખલ થતું હતું. તો કયાંક સાતમાંથી અંગ્રેજી ભણાવાતું. ટુંકમાં ભાષાની બાબતમાં આપણે ચોક્કસ નહોતા. કયાંક અંગ્રેજી અને કયાંક ગુજરાતી એવી ખીચડી તરીકે ઓળખાતી નીતિ હતી. પણ હવે નવીન નીતિથી એનો અંત આવે એમ ઈચ્છીએ. ભાષાની બાબતમા ગુજરાત હંમેશા પછાત રહ્યું છે. આનું એક પરિણામ એ આવ્યું છે કે, ગુજરાતમાં બધી જગ્યા ઉપર બિન ગુજરાતી ગોઠવાઈ ગયા છે. આમાં કલેકટર હોય કે કમિશ્નર હોય કે પછી કુલપતિ હોય, ઉપરાંત બીજા પણ ઘણા ગેરલાભ ગુજરાતને થયા છે. આ બધી અસ્પષ્ટતાઓનો હવે અંત આવશે. જો કે અમદાવાદ જેવા મોટા શહેરોમાં મોટા ભાગની શાળાઓ અંગ્રેજી માધ્યમમાં ચાલે છે. એમને એમ ચાલે તો વાંધો નહીં. જયાં ગુજરાતી માધ્યમ હોય ત્યાં ગુજરાતી અને જયાં અંગ્રેજી માધ્યમ હોય ત્યાં અંગ્રેજી ભલે રહ્યું. જો કે સરકારે નીતિમાં આવો કોઈ ખુલાસો કર્યો નથી. પણ આ નીતિનો આ અર્થ એમ સમજીએ. ઉપરાંત હજારો ગામડાઓમાં જે શાળાઓ ચાલે છે એનું શું કરવું. જો કે હાલ પુરતું આ નીતિ ત્યાં પણ લાગું કરી શકાય.

ફ્રાંસમાં કયુબેક પ્રાંતમાં વસ્તી ઈચ્છે છે. કે અમારૂ માધ્યમ ફ્રેંચ હોવું જોઈએ. લોકમતમાં આ વલણ જીતી ગયું. તેથી ત્યાં શિક્ષણનું માધ્યમ ફ્રેચ છે. આપણી જેમ ત્યાં પણ વૈચારિક વૈવિધ્ય છે. ત્યાં સંકુચિત્ત વાતાવરણ નથી. પરિણામે આવું બન્યું છે. આપણે ત્યાં તામિલનાડુમાં તમિલ માધ્યમ હોય અને કર્ણાટકમાં મલ્યાલમ માધ્યમ હોય એવું ત્યાં બન્યું છે. દક્ષિણ ભારતમાં ચારે ચાર પ્રાંતની ભાષા અલગ છે. પરિણામે આવું બન્યું છે. આજની તારીખમાં ફ્રાંસ કે જર્મનીમાં અંગ્રેજીમાં પૂછીએ તો જવાબ મળતો નથી. આનું કારણ ભાષાકીય સંકુચિતતા છે. આપણે દુભાષિયો રાખવો પડે. હું જર્મની અને ફ્રાંસ બંનેમાં જઈ આવ્યો છું. પરિણામ અમારો પ્રત્યક્ષ અનુભવ છે. ફિલિપાઈન્સ અને હોંગકોંગ તથા શિંગાપુર જેવા દેશોમાં આવું નથી. અંગ્રેજી બોલીએ તો અંગ્રેજીમાં જ જવાબ મળે. આપણી સંસદ અંગ્રેજી અને હિન્દીમાં કામ કરે છે. એકવાર જયલલિતાએ વડાપ્રધાનને પત્ર લખ્યો. વડાપ્રધાને એનો જવાબ એને હિન્દીમાં આપ્યો. સંસદમાં ધમાલ થઈ ગઈ. સરકારે ખાત્રી આપવી પડી કે કોઈ પણ સાંસદ જે ભાષામાં પત્ર લખશે એ ભાષામાં એને જવાબ મળશે મને ગુજરાતી પ્રિય છે. પણ કોઈ ભાષા પ્રત્યે ધિક્કાર ભાવ નથી. કોઈ ભાષા મરે ત્યારે કરુણ દૃષ્ય સર્જાય છે. ભાષા વિષેની આ ફિલોસુફી અપનાવવા જેવી છે.

આપણો દેશ એક વિચિત્ર દેશ છે. આપણે આપણા દેશના બીજા કોઈ પ્રાંતમાં જઈએ ત્યારે મુશ્કેલી સર્જાય છે. સામેનો માણસ અંગ્રેજી ન સમજતો હોય અને આપણે એની ભાષાને સમજતા હોઈએ ત્યારે આ મુશ્કેલી થાય છે. આઝાદી પછી આપણા દેશના ઘણા ભાગોમાં ભાષાકીય તોફાનો થયા હતાં. આંધ્રમાં રામુલું નામની નેતા ઉપવાસ ઉપર ઉતર્યા અને મરી ગયા. એમની માગણી હતી કે એ કહે એ ભાગ આંધ્રને આપી દેવો સરકારે એ માગણી સ્વીકારી નહીં. એમના મૃત્યું પછી દેશના એ ભાગમાં ભીષણ તોફાનો ફાટી નીકળ્યાં. અત્યારે પણ મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે વિખવાદ ચાલે છે. આ વિખવાદ બંને દેશોની સરહદ વિષે છે. વરસોથી આ વિખવાદ ચાલું છે. એવું જ ગુજરાતની સરહદે આવેલા સાપુતારા અંગે છે. ત્યાં બંને ભાષા બોલાય છે. આવું દેશમાં ઘણે ઠેકાણે છે. આવા વિખવાદો રાષ્ટ્રીય એકતાને નબળી પાડે છે. ભાષા એ આપણા વિચારોની અભિવ્યક્તિ માટેનું મોટું માધ્યમ છે. આપણા દેશમાં ગુજરાતમાં ઘણા ગુજરાતી ભાષા બોલાય છે. સૌરાષ્ટ્રમાં જુદી ગુજરાતી છે. પણ દક્ષિણ ગુજરાતમાં એવું નથી. એ જ રીતે ઉત્તર ગુજરાતમાં પણ આવું નથી. રાજકોટ કે જામનગરમાં બોલાવે છે. એને બદલે 'બરકે છે' એમ કહેવાય છે. આવા કેટલાય દાખલાઓ આપી શકાય. અમદાવાદમાં 'હમણાંજ' ને બદલે 'અબીહાલ' ગયા. એક કવિએ ગાયું છે. 'દેખ બિચારી બકરીનો કોઈ ન જાતાં પકડે કાન હરખ હવે તું હિન્દુસ્તાન.'

આલ્બર્ટ આઈન્સ્ટાઈને પોતાની થિયરી પોતાની માતૃભાષામાં લખી હતી. શું આને માટે આપણું અંગ્રેજી તરફી માનસ જવાબદાર હશે? નર્મદે પહેલીવાર ગુજરાતી ભાષા વિષે અભિમાન શબ્દ વાપર્યો હતો. દુનિયાના બધા દેશોમાં શિક્ષણનું માધ્યમ માતૃભાષા જ હોય છે. કોઈ પણ દેશમાં આ સિવાયની સ્થિતિ દેખાતી નથી. એમાં કેટલાક લેટીન અમેરિકન દેશો અપવાદ રૂપ હશે. સ્કેન્ડીનેવિયન દેશોમાં પણ અંગ્રેજી ચાલે છે. સ્વીડન પણ સ્કેન્ડી નેવિયન દેશ છે. ત્યાં કેટલાક ભારતીય કુટુંબો પણ છે. પણ ત્યાં પણ અંગ્રેજીનું ચલણ છે. યુરોપ આખામાં અંગ્રેજીમાં કોઈ સમાચાર પત્ર દેખાય જ નહીં. આપણી સંસદ પણ મોટે ભાગે અંગ્રેજીમાં જ ચાલે છે. એક વાતનો ખુલાસો કરી દઈએ કે અંગ્રેજીની હિમાયત એ ગુજરાતીનો વિરોધ નથી. દરેક પ્રજા પોતાની માતૃભાષામાં જ વહીવટ કરે છે. વિશ્વમાં જેટલા દેશો છે એમાંથી ડઝનબંધ દેશો બાદ કરતાં બધે માતૃભાષામાં વહીવટ થાય છે. એમાં આપણા જેવો દેશ અપવાદરૂપ હોય છે. આપણા દેશના જેટલાં રાજયો છે. એમાંથી દક્ષિણના ચાર રાજયોની ભાષા જ અલગ છે. ઉત્તરના ચાર રાજયોની ભાષા હિન્દી છે. બિહાર, યુ.પી. એમ.પી. તથા બીજા કેટલાક રાજયોની ભાષા જુદી હોઈ શકે. મહારાષ્ટ્રની ભાષા મરાઠી છે. ગુજરાતની ભાષા ગુજરાતી છે. પણ કચ્છની ભાષા કચ્છી છે. કચ્છી એક બોલી છે. એને કોઈ લિપિ નથી. આવી લિપિ વિકસાવવાના પ્રયત્નો ચાલે છે. અગાઉ કહ્યું તેમ ગુજરાતમાં ગુજરાતી ભાષા પણ અનેક રીતે બોલાય છે. આ પ્રશ્નનું શું કરવું એ વિચારવું જોઈએ. એક હ્સ્વ અને એક જ દિર્ઘ રાખવો એવી વિચારણા ચાલે છે.

અમદાવાદના શ્રી રામજીભાઇ પટેલ અને બીજા લોકો આવી ઝૂંબેશ ચલાવે છે. ત્યાં નવજીવન જેવી સંસ્થા પણ છે. સાહિત્ય પરિષદ પણ કાંઇક કરી શકે આખા ગુજરાતના સાક્ષરો ભેગા થઇને ચર્ચા વિચારણા કર્યા પછી કાંઇક નિર્ણય લઇ શકે. એકાદમી આના માટે નકામી છે. વિદ્યાપીઠ ધારે તો કાંઇક કરી શકે. ગાંધીજીના આગમન પહેલાં લગભગ અંધેર જેવી સ્થિતિ હતી. એમણે આવીને મોટું કામ આ કર્યું પહેલી વાર જોડાણ કોષ તૈયાર કરાવાયો અને જાહેર કર્યું હવે કોઇને ખોટી જોડણી કરવાનો અધિકાર નથી. 

કેટલાંક લોકો ઇરાદાપૂર્વક અઘરી ભાષામાં લખે છે. તો વળી કેટલાંક અત્યંત દુર્બોધ ભાષામાં લખે છે. તો વળી કેટલાંક શુદ્ધ સાહિત્યિક ભાષામાં લખે છે. આને લીધે સામાન્ય પ્રજા સાહિત્યિક સામાયિકોથી વિમુખ થઇ જાય છે. આનો કોઇ રસ્તો કાઢવો જોઇએ. કોઇ રસ્તો છે? ખરેખર હોય તો પ્રયત્ન કરવા જોઇએ. કોઇ કોઇ માણસો તો અતિશય લપોડશંખ હોય છે. એમને સાંભળીને આપણે ત્રાસી જઇએ. કોઇ કોઇ માણસો હાથમાં માઇક આવે એટલે ખલાસ. પોતે બોલીને થાકે જ નહીં. આપણે સાંભળીને થાકી જઇએ. આવા માણસોનું એક મ્યુઝીયમ બનાવવું જોઇએ. વિદેશોમાં આવા મ્યુઝીયમો ઠેર - ઠેર જોવા મળે છે. કોમ્યુનિકેશનના પ્રણેતા માર્શલ મેકલુહાનનું વતન એડમન્ટનમાં છે. જે કેનેડામાં આવેલું છે. એણે ૧૯૫૦માં એવી સચોટ આગાહીઓ કરી છે. જે આજે સાચી પડે છે. 

સ્ટેશનોમાં અને એરપોર્ટ ઉપર જાત - જાતની સુચનાઓ લખેલી હોય છે. આ સુચનાઓ અર્ધી હિન્દીમાં હોય છે. પણ ત્યાં માતૃભાષાને અવકાશ નથી. આપણે પણ વિચારવું જોઇએ કે આપણે અચાનક તામિલનાડુ જઇએ અને ત્યાં તમિલ ભાષામાં કાંઇક લખેલું હોય તો સમજવું - સોનાનું રાજ છે. શિવસેના એક પ્રાદેશિક પક્ષ છે. હમણાં એણે ફતવો કાઢ્યો છે કે, મુંબઇમાં બધા સાઇન બોર્ડ મરાઠીમાં હોવા જોઇએ. આ ફતવો કાઢનારને ખ્યાલ નહીં હોય કે આને સંકુચિતતા કહેવાય. પણ આપણે ગુજરાતમાં આવું અભિમાન ક્યારેય લાવીશું ખરા? ઉલટું આપણે બે ગુજરાતીઓ ભેગા થાય અને અંગ્રેજીમાં બોલે તો ઝડપથી કામ થઇ જાય. આવું કેમ થતું હશે? આપણે શું એટલી પણ બુધ્ધી ગુમાવી દીધી હશે? 

ભાષા એ એક પ્રકારનો સાંસ્કૃતિક આવિષ્કાર છે. એની સાથે ફાવે એવી રમત કરીએ એ ન ચાલે. અલબત્ત આપણે સંકુચિત્ત ન બનીએ કે ભદ્રંભદ્ર ન બનીએ પણ સાથે સાથે મધ્યમ માર્ગ અપનાવીએ અને એટલો પણ ખ્યાલ રાખીએ કે આપણી ભાષા બહુ દુર્બોધ ન થઇ જાય. નહીંતર કોઇ કોઇ આપણી ટીકા કરશે. અને આપણને ભદ્રંભદ્ર કહેશે. એને બદલે આપણે મધ્યમ માર્ગ અપનાવીને સાદી અને સરળ ભાષા અપનાવીએ. 

    Sports

    RECENT NEWS