For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાતમાં ચંડીગઢ જેવો કાંડ: શાળામાં રસોઇયાએ વિદ્યાર્થિનીના ન્હાતા વિડીયો ઉતાર્યાના આક્ષેપ

Updated: Sep 22nd, 2022


- ત્રણ પુરૂષ રસોઇયાઓએ બિભત્સ ફોટા પાડી હેરાનગતિ કરતા હોવાની ફરિયાદ : વાલીઓએ શાળા પર ધસી જઇ હોબાળો મચાવ્યો

વલસાડ,તા.22 સપ્ટેમ્બર 2022,ગુરૂવાર

પંજાબના ચંદીગઢમાં આવેલી મહિલા કોલેજમાં બાથરૂમમાં ન્હાતી વિદ્યાર્થિનીઓના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોબાળો મચી ગયો હતો. એવી જ ઘટના વલસાડ જિલ્લાના ધરમપુરની ઓઝરપડા કન્યા શાળામાં બનતા ચકચાર મચી છે. આ શાળામાં રસોઇયાએ વિદ્યાર્થિનીઓના ન્હાતા સમયના બિભત્સ ફોટા અને વિડીયો ઉતાર્યો હોવાના આક્ષેપને પગલે વાલીઓએ સ્કૂલ ઉપર પહોંચી હોબાળો મચાવી દીધો હતો.

આચાર્ય, ગૃહમાતા અને રસોઇયાઓની બદલી કરવાની માંગ 

ધરમપુર તાલુકાના ઓઝરપાડા ગામે આવેલી કન્યા સાક્ષરતા નિવાસી શાળામાં 600 જેટલી વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે. આ શાળામાં ત્રણ પુરૂષ રસોઈયા ફરજ બજાવે છે. આ રસોઇયાઓએ વિદ્યાર્થિનીઓના ન્હાતી વખતના બિભત્સ ફોટા અને વિડિયો ઉતારી બિભત્સ માંગણીઓ શરૂ કરી હોવાના આક્ષેપ થઇ રહ્યા છે. વિદ્યાર્થિનીઓ સમક્ષ દ્રિ અર્થી કોમેન્ટ પાસ કરી રસોઇયાઓ ખોટી રીતે હેરાન કરતા હોવની ફરિયાદો ઉઠી છે.

આ ઘટનાની જાણ વાલીઓને થતાં ચંદીગઢમાં બનેલી ઘટનાનું પુનરાવર્તન નહીં થાય તે માટે મોટી સંખ્યામાં વાલીઓએ શાળા કેમ્પસમાં પહોંચી જઇ ભારે હોબાળો મચાવી આચાર્ય સામે નારાજગી વ્યક્ત કરી હતી. શાળામાં ભોજન પણ સારૂં આપવામાં આવતું ન હોવાની વિદ્યાર્થિનીઓની ફરિયાદ છે. વાલીઓએ શાળામાં પુરૂષ રસોઇયાને બદલે મહિલા રસોઈયા મુકવાની માંગ કરી હતી. જ્યારે વિદ્યાર્થિનીઓએ શાળાના આચાર્ય નિતાબેન, ગૃહમાતા અને રસોઈયાઓની તાત્કાલિક બદલી માટેની માંગ કરી હતી. શાળા પર પહોંચેલા અગ્રણીઓએ પણ બહારના રસોઇયાઓ સામે કાયદેસર કાર્યવાહી કરવા અને આદિવાસી વિદ્યાર્થિનીઓને હેરાન-પરેશાન કરનારાઓની ધરપકડ કરવાની માંગ ધરમપુર PSI સગર સમક્ષ કરી હતી.

Gujarat