ગુજરાતમાં નવી પાંચ સરકારી મેડિકલ કોલેજને મંજૂરી: MBBSની વધુ 500 બેઠકો વધશે
- નવસારી પોરબંદર તથા રાજપીપળાની પસંદગી: બે કોલેજ માટેના અન્ય બે જિલ્લાની પસંદગી હવે પછી કરાશે
ગાંધીનગર, તા. 11 ઓક્ટોબર 2019, શુક્રવાર
આજે સાંજે ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલે એક મોટી જાહેરાત કરી છે. તેઓએ જણાવ્યું કે કેન્દ્ર સરકારે ગુજરાતની પાંચ મેડિકલ કોલેજોને મંજૂરી આપી દીધી છે જેને પગલે આગામી સમયમાં જે જિલ્લાઓમાં સરકારી મેડિકલ કોલેજ નથી તેવા જિલ્લાઓમાં સરકારી મેડિકલ કોલેજ બનાવવામાં આવશે.
નીતિન પટેલે જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા ક્યાં જિલ્લાઓમાં મેડિકલ કોલેજ બનાવવાની છે તેની દરખાસ્ત માગવામાં આવી છે જેને પગલે ગુજરાત સરકારે પણ હોમવર્ક કરી લીધું છે અને ત્રણ જિલ્લાની પસંદગી પણ કરી લીધી છે. આ ત્રણ જિલ્લાઓમાં નવસારી પોરબંદર તથા રાજપીપળાનો સમાવેશ થાય છે આપણે જિલ્લાઓમાં અત્યારે જે હયાત સરકારી હોસ્પિટલો છે તેનું અપગ્રેડેશન કરીને નવી મેડિકલ કોલેજ અને હોસ્પીટલ બનાવવામાં આવશે.
બાકીના બે જિલ્લામાં બે નવી મેડિકલ કોલેજ બનાવાશે. આ જિલ્લાની પસંદગી પણ હવે પછી કરાશે હાલમાં જે જિલ્લાઓમાં સરકારી મેડિકલ કોલેજ નથી તેવા જિલ્લાઓમાં ડાંગ, તાપી, ભરૂચ, પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર, અરવલ્લી તથા મોરબી જિલ્લાનો સમાવેશ થાય છે.
પ્રત્યેક મેડિકલ કોલેજ બનાવવા માટેનો ખર્ચ 325 કરોડ થશે જેમાંથી 60 ટકા રકમ એટલે કે 195 કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર આપશે જ્યારે બાકીની 40 ટકા રકમ એટલે કે 130 કરોડનો ખર્ચ ગુજરાત સરકાર ભોગવશે.
ગુજરાતમાં હાલમાં 19 જિલ્લામાં 33 મેડિકલ કોલેજ કાર્યરત છે જેમાં કુલ MBBSની 5,500 બેઠકો છે હવે પાંચ નવી મેડિકલ કોલેજને મંજૂરી મળતા આગામી સમયમાં MBBSની વધુ 500 બેઠકો વધશે જેને કારણે ગુજરાતના વિદ્યાર્થીઓને MBBSમાં એડમિશન લેવાનું પણ સરળ બનશે.