સ્વૈચ્છિક સંસ્થાઓ થોડી જાગૃતિ દેખાડે અને જાહેર હિતની અરજી કરે....
- ટુ ધ પોઇન્ટ - અજિત પોપટ
- લોકસભાનું સત્ર ચલાવવા દર મિનિટે અઢી લાખનો ખર્ચ થાય છે. ચોમાસુ સત્ર ૧૩૩.૬ કલાક ચલાવવાનું હતું, જે વિપક્ષોના ગોકીરાને કારણે ૪૫.૯ કલાક જ ચાલી શક્યું
કેન્દ્રમાં મોદી સરકારની ત્રીજી મુદતના શ્રી ગણેશ થઇ ચૂક્યા છે. દેશ સમક્ષ જે કેટલીક સળગતી સમસ્યાઓ છે એના નિરાકરણ માટે ભાજપને થમ્પીંગ મેજોરિટી જોઇતી હતી જે મળી નથી. સૌથી વધુ ચિંતાજનક સમસ્યા વસતિ વધારો રોકવાની છે. એ માટે કડક કાયદાની જરૂર છે. શાસક પક્ષે કરેલી કેટલીક જાહેરાત મુજબ સિટિઝન એેમેન્ડમેન્ટ એક્ટ, નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ, સમાન નાગરિક ધારો, હિન્દુ ધર્મસ્થાનોની આવક હિન્દુ સમાજના ઉત્કર્ષ માટે વપરાય વગેરે બાબતોના અમલ માટે જરૂરી બહુમતી ભાજપને મળી નથી.
આ પરિસ્થિતિનો લાભ લેતાં વિપક્ષો ઉપર જણાવેલા ખરડા રજૂ થાય ત્યારે ગોકીરો કરીને એ ખરડા અટકાવી દઇ શકે. વિપક્ષો ગમે ત્યારે હો-હા કરીને વોક-આઉટ કરી શકે અથવા સંસદનું કામ અટકાવી દઇ શકે. શાસક પક્ષે આમ આદમીને સાંકળતા જે મુદ્દા રજૂ કરવા હોય એ વિપક્ષ રજૂ કરવા ન દે. વિપક્ષોએ આમ પણ પોતે કંઇક કરે છે એવું દેખાડવાનું છે. એનું કારણ પણ સમજવા જેવું છે. ચૂંટણી પરિણામો આવ્યાં કે તરત ઉત્તરપ્રદેશના કેટલાક શહેરોમાં મુસ્લિમ મહિલાઓ કોંગ્રેસ કાર્યાલયો પર દોડી ગઇ હતી. કોંગ્રેસે વચન આપેલું કે અમે દર મહિને તમને રૂપિયા ૮૫૦૦ આપીશું. દર વરસે એક લાખ રૂપિયા મળે એવું ઓળખપત્ર આપીશું. કેટલીક મહિલાઓ બેંકોમાં દોડી ગઇ હતી એ જાણવા કે અમારા રૂપિયા જમા થયા કે નહીં. આવી જ પરિસ્થિતિ અખિલેશ યાદવના પક્ષની છે.
અહીં સ્વૈચ્છિક સંસ્થાઓ સક્રિય થઇ શકે. કેવી રીતે એ સમજવાની જરૂર છે. બરાબર એક વર્ષ પહેલાં ૨૦૨૩ના જુલાઇમાં વિપક્ષોએ ચોમાસું સત્ર શોરબકોર દ્વારા અને વોક-આઉટ દ્વારા અટકાવી દીધું હતું. લોકસભા સેક્રેટરિયેટે બહાર પાડેલા રિપોર્ટ મુજબ લોકસભાનું સત્ર ચલાવવા દર મિનિટે અઢી લાખ રૂપિયા ખર્ચ થાય છે. વાંચો ફરી. દર મિનિટે અઢી લાખ રૂપિયા. સરકારનું ટાર્ગેટ ૧૩૩.૬ કલાક ચોમાસું સત્ર ચલાવવાનું હતું. એને બદલે વિપક્ષોના ગોકીરાને કારણે માત્ર ૪૫.૯ કલાક આ સત્ર ચાલી શક્યું. રાજ્યસભાનું ટાર્ગેટ ૧૩૦ કલાક ચલાવવાનું હતું જે માત્ર ૩૨.૩ કલાક ચાલી શક્યું.
આ રીતે સત્ર વેડફાઇ જાય ત્યારે દર મિનિટના અઢી લાખ રૂપિયા લેખે એક દિવસના લાખો રૂપિયા પાણીમાં જાય છે. આ પૈસા કોઇ રાજકીય પક્ષ કે નેતાના હોતા નથી. આ પૈસા મારા તમારા જેવા પ્રમાણિક કરદાતા નાગરિકોના હોય છે. ગોકીરો કરનારા સાંસદોને એમનો પગાર પૂરો મળી જાય છે. શાસક પક્ષના સાંસદોને એમનો પગાર પૂરો મળી જાય છે. જે લાખો બલ્કે કરોડો રૂપિયા વેડફાય છે એ આપણા સૌ નાગરિકોના પરસેવાના પૈસા હોય છે.
સ્વૈચ્છિક સંસ્થાઓ શું કરી શકે એનું એક નમ્ર સૂચન અહીં પ્રસ્તુત છે.
દેશના હિતમાં જે તે ખરડો રજૂ થાય અને વિપક્ષો એના પર નિષ્પક્ષ ચર્ચા કરવાને બદલે હો-હા કે ધમાલ કરે અને જે-તે દિવસની બેઠક વ્યર્થ જવા દે કે તરત સ્વૈચ્છિક સંસ્થાઓએ સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરી દેવાની. એમાં જણાવવાનું કે આ રીતે નાગરિકોના પૈસા વેડફી નાખતા સાંસદોના પગાર કાપી લેવામાં આવે. કહેવાતા લોકપ્રતિનિધિને લોકોના પૈસા આ રીતે વેડફી નાખવાનો કોઇ અધિકાર નથી. આ સાંસદો આમ પણ પ્રજાના પૈસે તાગડધિન્ના કરે છે. સંસદની કેન્ટિનમાં એ લોકોને માત્ર પાંચ રૂપિયામાં મિષ્ટાન્ન અને ફરસાણ સહિત સ્વાદિષ્ટ ભોજન મળે છે, ફક્ત બે રૂપિયામાં મસાલા ડોસા મળે છે, માત્ર બે રૂપિયામાં મસાલેદાર ચા કોફી મળે છે. પ્રજાના પૈસે રહેવાનું આલીશાન ઘર મળે છે. મફત વીજળી અને મફત ટેલિફોન મળે છે. આટઆટલું મળવા છતાં લોકસભા કે રાજ્યસભાની બેઠકમાં પ્રજાના પૈસા વેડફી નાખનારા સાંસદોને સજા થવી ઘટે છે. એ સજા કેવી હોઇ શકે એનો નિર્ણય ભલે સુપ્રીમ કોર્ટ કરે. સ્વૈચ્છિક સંસ્થાઓ આટલું તો જરૂર કરી શકે. સમજને વાલે કો ઇશારા કાફી હૈ. ના સમજે વો અનાડી હૈ !