રાજ્ય વિધાનસભાની ચૂંટણીઃ નાત-જાત અને વગ આધારિત ઉમેદવારોનાં લેખાંજોખાં...


- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું છે. બરાબર પંદર દિવસ પછી પહેલી ડિસેમ્બરે ચૂંટણીનો પહેલો તબક્કો યોજાશે. એવા સમયે પ્રસ્તુત છે કેટલાક મુક્ત વિચારો. 

-હતા ત્યાંના ત્યાં. દેશી ઘાણી જોઇ છે ક્યારેક? કાળા ચામડાના ચશ્માં પહેરેલો બળદ એકના એક વર્તુળમાં ગોળાકાર પ્રદક્ષિણા કરતો રહે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે જે-તે પક્ષે પસંદ કરેલા ઉમેદવારોની યાદી પર નજર કરો. આટલા પટેલ,  આટલા બ્રાહ્મણ, આટલા ક્ષત્રિય, આટલા કોળી, આટલા ઠાકોર... ઇતિહાસનાં પાનાં પર દ્રષ્ટિપાત કરો તો સમજાય કે વિધર્મી આક્રમણો ટાણે આવા વાડા અને ફિરકાઓને કારણે ભારતીય પ્રજા કદી સંગઠિત થઇને લડી નહીં એટલે વારંવાર ગુલામી વહોરવી પડી.

-કમ સે કમ હાલના શાસક પક્ષ પાસે એેવી અપેક્ષા હતી કે એ નાત-જાતના વાડા નાબૂદ કરશે. આઝાદી આવ્યાને આજે ૭૨-૭૩ વર્ષ થયાં. હજુ એ જ નાત... જાત... ફિરકા... વાડા. ભારતીય નાગરિક આજે પણ ઘાણીના બેલની જેમ ગોળ ગોળ ફર્યા કરે છે. હું સર્વપ્રથમ ભારતીય છું એવું કહેનારા કેટલા લોકો આજે આપણી સમક્ષ આવે છે?

-સબ કા સાથ સબ કા વિકાસ સૂત્ર બોલવા અને સાંભળવામાં બહુ સરસ લાગે છે, પરંતુ વિકાસ કોનો કેટલો થયો એ તો જુઓ. પહેલીવાર ચૂંટણી લડનાર સાઇકલ પર આવે છે અને એની કાઉન્સેલર કે ધારાસભ્ય તરીકેની મુદત પૂરી થાય ત્યારે મર્સિડીઝ જેવી કારમાં પાછા ફરે છે. એક જ વાર ચૂંટાયા છતાં મારા તમારા પરસેવાના પૈસે આજીવન પેન્શન મેળવે છે.

-વિકાસ ક્યાં, કોનો અને કેટલો થયો એ પણ જોવાનું છે. ગુજરાતના કેટલાય વિસ્તારોમાં આજે પણ બહેન-દીકરીઓ એક ગાગર પાણી માટે ઊઘાડા પગે બબ્બે ત્રણ કિલોમીટર રઝળપાટ કરે છે. શહેરોમાં વગર વરસાદે ગમે ત્યારે ભુવા પડે છે, સડકો ઊબડખાબડ થઇ ગાય છે, જીવનજરૂરી ચીજોના ભાવ ગમે ત્યારે આસમાને પહોંચી જાય છે. આમ આદમીને ઘર ચલાવતાં પગે પરસેવો ઊતરે છે.

-ઉમેદવાર પોતે પાળી શકે એેવાં વચન આપે છે કે પછી નર્યો વાણીવિલાસ કરે છે એની તકેદારી દરેક મતદારે રાખવી જોઇએ. જાહેર સભામાં તમે વાહ વાહ બોલી ઊઠો એવાં ભાષણ કરનારા લોકો ભ્રષ્ટાચારવિહોણો વહીવટ આપવા કેટલા કાર્યક્ષમ છે એની પણ મનોમન નોંધ રાખવી જોઇએ.

-ેઆગલી રાત સુધી કોંગ્રેસ કે અન્ય પક્ષમાં રહેલા કહેવાતા નેતાઓ રાતોરાત શાસક પક્ષમાં જોડાઇ ગયા અને ચૂંટણી લડવાની ટિકિટ મેળવી લીધી એમની પક્ષ તેમજ પ્રજા પ્રત્યેની વફાદારી પર કેટલો વિશ્વાસ મૂકવો?

 -એક અહેવાલ પ્રમાણે જે તે રાજકીય પક્ષો અને નેતાઓ ચાર્ટર્ડ વિમાનો અને હેલિકોપ્ટરોમાં ઊડાઊડ કરવા પાછળ ૧૦૦ કરોડ રૂપિયા ઊડાવી દેશે. એ ખર્ચ કરવાનાં નાણાં ક્યાંથી આવ્યા એનો હિસાબ મતદારોને કદી  મળશે ખરો? 

-ગુજરાતની ચૂંટણી માટે કેન્દ્રના કેટલાક પ્રધાનો ગુજરાતના કેટલાક વિસ્તારોની મુલાકાત લેવાના છે. એમની ગેરહાજરીમાં એમનું કામકાજ કોણ સંભાળવાનું છે એવો સવાલ પણ મતદારો પૂછી શકે. 

-ચૂંટણી ટાણે મધમીઠાં વચનો આપતા ઉમેદવાર ત્યાર પછી પાંચ વર્ષમાં પાંચ વખત પણ પોતાના મતવિભાગની મુલાકાત લઇને મતદારો સાથે વાતો કરવા આવતા નથી. લોકનાયક જયપ્રકાશ નારાયણે એટલે જ હાકલ કરેલી કે મતદારોને પોતાના વિસ્તારના ધારાસભ્ય કે સંસદસભ્યને પાછો બોલાવવાનો અધિકાર હોવો જોઇએ. એવો અધિકાર કોઇ સરકારે કદી મતદારોને આપ્યો નથી. નીત નવાં સૂત્રો આપવામાં અને ભાષણો દ્વારા તાળીનો ગડગડાટ મેળવવામાં આપણા કહેવાતા નેતાઓ અવ્વલ દરજ્જાના છે.

સૌથી મહત્ત્વની વાત એ છે કે અત્યારે બહુમતી પ્રજાને નાત-જાત ભૂલાવી દઇને સંગઠિત કરવાની તાતી જરૂર છે. જ્યાં સુધી બહુમતી પ્રજા સંગઠિત નહીં થાય ત્યાં સુધી વિધર્મી જૂથો સ્વચ્છંદ બનીને હિંસા કરતા રહેવાના. આજની તિથિમાં સૌથી મહત્ત્વની વાત સંગઠિત થવાની છે. સંગઠિત સમાજ ગમે તે પડકાર ઝીલી લેવા સક્ષમ હોય છે.        

આ તો છૂટાછવાયા મુક્ત વિચારો છે. વાંચીને વિચારવાની છૂટ છે.

City News

Sports

RECENT NEWS