ઓનલાઇન ટયુશનના જમાનામાં ગુરુમુખ વિદ્યા લેનારા સમર્પિત શિષ્યો વિરલા છે
- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
ગુજરાત રાજ્યમાં વસતા શાીય સંગીતના કરોડો ચાહકોએ ગયા સપ્તાહે એક જોરદાર આંચકો અનુભવ્યો. ટોચના સ્વરસાધક અને ઉમદા ગાયક પંડિત નીરજ પરીખ એક માર્ગ અકસ્માતમાં ગયા એ સમાચાર ખરા અર્થમાં આઘાતજનક બની રહ્યા. આ અકસ્માતના સમાચારે આવો જ એક બીજો અકસ્માત યાદ કરાવી દીધો. ખયાલ ગાયકીનું આખું સ્વરૂપ બદલી દેનારા અને શાીય ગાયનને અ્ધ્યાત્મ (ઇબાદત કે બંદગી) સમજનારા યુગસર્જક ગાયક ઉસ્તાદ અમીર ખાનનું પણ આ રીતે માર્ગ અકસ્માતમાં અવસાન થયેલું. ૧૯૭૪ના ફેબુ્રઆરીની ૧૩મીએ કોલકાતામાં થયેલા માર્ગ અકસ્માતમાં ઉસ્તાદજી જન્નતનશીન થયા.
પંડિત ભીમસેન જોશીએ એક મુલાકાતમાં કહ્યું હતું, શાીય સંગીતના વ્યાવસાયિક ગાયક બનવા માટે મિનિમમ બાર વર્ષ તપસ્યા કરવી પડે. પછી ગુરુ એને શિખામણ આપે કે મારી પાસે હતું એ મેં તને આપી દીધું. હવે બીજા ઘરાનાના કલાકારોને સાંભળી સાંભળીને તારી આગવી ગાયકી વિકસાવ. મારા તને આશીર્વાદ છે. હું તો (પંડિતજી પોતે) ચોર છું. દરેક ઘરાનાની ખૂબી મારી ગાયકીમાં આત્મસાત કરી લીધી છે.
પંડિત નીરજ પરીખને પણ આ વાત લાગુ પડે છે. મેવાતી ઘરાનાના દિગ્ગજ ગાયક પંડિત જસરાજજી સાથે નીરજે ત્રીસ વર્ષ વીતાવ્યાં હતાં. ઉપરાંત પંડિતજી સાથે સંખ્યાબંધ પ્રવાસો કર્યા હતા. પંડિતજીની ગાયકીમાં રહેલી લગભગ તમામ ખૂબી નીરજે સખત પુરુષાર્થ દ્વારા આત્મસાત કરી લીધેલી. નીરજના પિતા કૃષ્ણકાંત પરીખ પોતે મેવાતી ઘરાનાના સ્વરસાધક હોવાથી નીરજને સાવ કૂમળી વયથી ભારતીય સંગીતના દિગ્ગજ કલાકારોને સાંભળવાની પણ તક મળી હતી. એટલે માત્ર ગુરુની કોપી કે નકલ ન બની રહેતાં એણે પોતાની આગવી શૈલી વિકસાવી હતી. એટલે જ સંકટમોચન સંગીત મહોત્સવ (વારાણસી), પંડિત ભીમસેન જોશીના ગુરુની સ્મૃતિમાં પૂણેમાં યોજાતા સવાઇ ગંધર્વ સંગીત મહોત્સવ જેવાં સ્થળોએ એ પોતાની કલા રજૂ કરવાની તક મેળવી શક્યા હતા.
કલાકાર તરીકે ગુજરાત સંગીત નાટક એકેડેમીએ મોખરાના શાીય ગાયકનો એવોર્ડ નીરજને એનાયત કર્યો હતો. ઉપરાંત નવદીપ એવોર્ડ, ડિવાઇન લાઇફ મિશન તરફથી સંગીત રત્ન એવોર્ડ વગેરે એવોર્ડ પણ નીરજને મળ્યા હતા. અમદાવાદ આકાશવાણી પર નીરજ 'એ' ગ્રેડના કલાકાર હતા. અમદાવાદની જગપ્રસિદ્ધ સપ્તક સંગીત સંસ્થા સાથે એ નિકટથી સંકળાયેલા હતા. ગુજરાત યુનિવસટીના ઉપાસના વિભાગમાં નીરજ અવારનવાર સેવા આપતા રહ્યા. સ્વભાવે નમ્ર અને અંતર્મુખ એવા નીરજ વ્યક્તિ તરીકે પણ ઉમદા માનવી હતી. ઉદયપુર અને શ્રીનાથજીનો પ્રવાસ કરીને નીરજ અમદાવાદ પાછા ફરી રહ્યા હતા ત્યારે માર્ગ અકસ્માત એમને આપણી વચ્ચેથી આંચકી ગયો.
અત્યારે ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં આંગળીને વેઢે ગણી શકાય એવા જે શાીય ગાયકો છે એમાં નીરજ પ્રથમ શ્રેણીમાં આવતા. અન્ય કલાકારોમાં પંડિત અનુપ્રીત ખાંડેકર (કિરાણા ઘરાના), પંડિત મહેન્દ્ર ટોકે (ઇંદોર ઘરાના), નીરજ અને વિકાસ પરીખ (મેવાતી ઘરાના), વિદૂષી વિરાજ ભટ્ટ (બનારસ ઘરાના) અને મોનિકા શાહ (ફરી કિરાણા ઘરાના)નો સમાવેશ થાય છે. એમાંના નીરજે વિદાય લીધી એટલે એક શૂન્યાવકાશ સર્જાયો છે. અલબત્ત, છ સાડા છ કરોડની ગુજરાતની વસતિમાં બીજા સેંકડો હોનહાર કલાકારો સર્જાઈ રહ્યા છે, પરંતુ નીરજ જે સ્થાને પહોંચ્યા હતા ત્યાં પહોંચવા માટે પંડિત ભીમસેન જોશીએ કહ્યું એમ વરસો સુધી તપસ્યા કરવી પડે. આજના ટીનેજર્સમાં એટલી ધીરજ અને સમપતતા ઓછી દેખાય છે. ભારતીય સંગીત ગુરુમુખ વિદ્યા છે. આજે ઓનલાઇન ટયુશન અને ઇન્સ્ટન્ટ ટ્રેનિંગનો જમાનો છે. આવા સમયે તપસ્યા કરાવનારા ગુરુ અને એ કરવા સમપત શિષ્યો વિરલ જણસ ગણાય.
અન્ય દિગ્ગજ કલાકારો હવે વયોવૃદ્ધ થયા છે. પંડિત છન્નુલાલ મિશ્રા ૮૮ વર્ષના છે. પંડિત અજય ચક્રવર્તી ૭૨ના થયા. પંડિત ઉલ્હાસ કાશાલકર ૭૦ વટાવી ગયા. એવા સમયે નીરજ અકાળે આપણી વચ્ચેથી ચાલ્યા ગયા એ ખોટ સહેલાઇથી પૂરાય એવી નથી.