લગ્નસરા શરૂ થઇ ચૂક્યા છે, શુકન જોઇ સંચરજો રે જેવી લોકવાણી સંભારો
- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ
- 'અઠવાડિયું' સાત વારનું થાય. કહેવાય 'અઠ'વાડિયું પણ વાર સાત છે
લગ્નસરા શરૂ થઇ ચૂક્યા છે. કર્મકાંડી ભૂદેવો બિઝી થઇ ગયા છે. એક દિવસમાં જેટલાં લગ્ન કરાવી શકાય એટલાં કરાવી દેવાનો ભૂદેવોનો કાર્યક્રમ છે. જ્યોતિષીઓ પણ કામે લાગ્યા છે. આપણે ત્યાં શુભ-અશુભ ચોઘડિયાંનો અને શુકન-અપશુકનનો અનેરો મહિમા છે. ચોઘડિયાં તો પોકેટ પંચાંગમાં પણ મળી જાય. શુકન-અપશુકનની વાત ન્યારી છે. દીકરો નોકરીનો ઇન્ટરવ્યુ આપવા જતો હોય કે સ્કૂલ-કોલેજની પરીક્ષા આપવા જતો હોય, માતા દહીં ખવડાવીને કે પછી સામે દેખાતી ગાયનું વદન નિહાળીને દીકરાને આગળ જવાની સૂચના આપતી હોય છે. સાથોસાથ કહે પણ ખરી, ઠાકોરજીનું નામ લેતો જાજે, સાચવજે કોઇ ગંગાસ્વરૂપ (કે રામજણી) ભટકાઇ ન જાય.
બિલખાવાળા જ્ઞાાની પુરુષ પંડિત નથુરામ શર્માને કેટલીક અદ્ભુત લોકકવિતા કંઠસ્થ હતી. ક્યારેક વાતવાતમાં એકાદી એવી કવિતા સંભળાવીને એનો ગૂઢાર્થ પણ સ્પષ્ટ કરતા. દાખલા તરીકે રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, ચોથો બુધ, ગુરુ પાંચમો, છઠ્ઠો શુક્રવાર, શનિવાર છે સાતમો છેલ્લો વાર ગણાય... હવે વાંચો ધ્યાનથી. એ રીતે 'અઠવાડિયું' સાત વારનું થાય. કહેવાય અઠવાડિયું પણ વાર સાત છે. એમ કહીને નથુરામજી આ સાત વારનો મર્મ એમની આગવી બોલીમાં સમજાવતા.
એવું જ એક લોકકવિત તાજેતરમાં આ લેખકડાના હાથમાં આવી ગયું. ટચૂકડું પણ સરસ કવિત છે. એમાં સાતે વારના શુકન અત્યંત લાઘવથી સ્પષ્ટ કર્યા છે. માણો તમે પણ - રવિવારે જો નીકળો, ચાવી લેજો પાન, સોમે દર્પણ દેખજો, સંભારી ભગવાન (દર્પણ દેખજો એટલે કે તમારું પોતાનું મોઢું અરીસામાં જોઇ લેજો), મંગળે ધાણા ચાવજો, બુધવારે લો ગોળ, ગુરુએ દહીં ચાખવું, શુક્રે સરસવ ગોળ, શનિવારે વાવડિંગને ચાવી નીકળો બહાર, સઘળાં કાર્ય કરી તમે ઘરે આવશો સાર... પ્રયોગ કરવા જેવો છે.
અગાઉ તો વરવધૂ બંને પક્ષની જાનડિયું લગ્નગીતો ગાતી. હવે ધંધાદારી ગાયકોને તેડાવાય છે. નાનકડું ઓરકેસ્ટ્રા અને ગાયક સાથે પાછા વૈદિક વિવાહ સંસ્કાર સમજાવે એવા નિવૃત્ત અધ્યાપકો હોય. ગાયકે શિયાળાની ઠંડી ધ્યાનમાં રાખીને ખાવાપીવાની પરેજી પાળવી પડે નહીંતર ખરે ટાણે સાદ બેસી જાય. એવા ગાયકો માટે પણ એકાદ-બે કવિતા છે. દૂધ સાકર ને એલચી, વરિયાળીને દ્રાખ, જો ગાવાનો ખપ પડે તો પાંચે સાથે રાખ... જોડે ચેતવણી પણ આપે છે - હિંગ મરચું ને આમલી, સોપારીને તેલ, જો ગાવાનો શોખ હોય તો પાંચે આઘાં મેલ...
એક અહેવાલ મુજબ ગુજરાત રાજ્યમાં ગૂટકા તમાકુને કારણે કેન્સરના કેસ વધતા ચાલ્યા છે. એવા તમાકુ શોખીનો માટે પણ એક બે કવિતા છે - છેલ વ્યસન છીંકણી, (છેલછબીલો કે ફેશનેબલ ગણાતો યુવાન), રાજા વ્યસન હુક્કો, ગાંડું વ્યસન તમાકુ તમે જ્યાં ત્યાં થૂંકો... સો ટકા સાચી વાત. મકાનની સીડી પર નજર કરજો, પાન તમાકુની પિચકારી મારેલી દેખાશે. અન્ય એક કવિતમાં કહ્યું, (તમાકુ) ખાય તેનો ખૂણો (પડખેના ખૂણામાં ઘડી ઘડી થૂંકે), સૂંઘે તેના કપડાં, પીએ તેનું ઘર, એ ત્રણે બરાબર. આ કવિત રચનારે અફલાતૂન નિરીક્ષણ કર્યું છે. ખાનારનો ખૂણો બોલે, સૂ્ંઘનારના શર્ટના કોલર પર તપખીરના બ્રાઉન ડાઘ દેખાય, બીડી-સિગારેટ પીએ એ ઘર કે ઓફિસમાં ઠેર ઠેર રાખ ખંખેરે.
ઘણું કરીને ભીખુદાન ગઢવીના મુખે એક રમૂજી વાત સાંભળેલી. તમાકુનો બંધાણી કદી ઘરડો થાય નહીં, એને ત્યાં ચોર આવે નહીં... એવું કહીને પછી કંઠ-કહેણીનો આ રાજા કહેતો કે જુવાનીમાં જ કેન્સર જેવો કોઇ રોગ આભડી જાય એટલે રામ બોલો ભાઇ રામ. પછી ઘરડો ક્યાંથી થાય? ચોર આવે નહીં, કારણ કે પેલો રાતભર ખોં ખોં કરતો હોય એટલે ચોરને એમ લાગે કે આ માળો જાગે છે. અહીં હાથ નહીં મારી શકાય. લગ્નસરાની અને શુકન-અપશુકનની વાત પરથી તમાકુના બંધાણ સુધી વાત પહોંચી ગઇ. આજે આટલું બસ.