For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભ્રષ્ટાચારી નેતાઓની બોલબાલા .

Updated: Nov 25th, 2022

Article Content Image

આજકાલ ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં આપણા દેશમાં જે જે રાજકીય લોકો વાતો કરે છે કે જાહેરમાં બોલે છે, કમ સે કમ તેઓ તો ભ્રષ્ટાચારી નથી ને? - એની ખાતરી કરવા અલગ પંચ રચવાની જરૂર છે. કોઈ પણ રાજ્યમાં જે ધારાસભ્ય પહેલીવાર ચૂંટાઈને વિધાનસભામાં જાય ત્યારે એનું નાણાકીય સ્તર અને પાંચ વરસ પછી એની પાસેની જમીન, મકાન, મિલકત... બધું છલકછલક થઈ જાય છે એનું શું? જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના હોદ્દેદારો અને સભ્યો પણ મલાઈ તારવતા શીખી જાય છે. સરપંચ પણ એમને મળતી ગ્રાન્ટમાંથી દીકરા-વહુ માટે નવા ઘરેણાં ઘડાવતા થયા છે. આ બધા ગ્રાન્ટખાઉં પ્રાણીઓ છે. સરકારમાં કોઈ પણ કામ કરાવવા માટેની બે નંબરની ચેનલો જગજાહેર છે. આપણા ગુજરાતના નવા, જે હવે જૂના કહેવાશે, એવા મુખ્યમંત્રીને ક્યારેક શૂરાતન ચડે ત્યારે ભ્રષ્ટાચાર વિરુદ્ધની વાતો કરે છે, પરંતુ તેમના ટૂંકા સત્તાકાળમાં ભ્રષ્ટાચાર સબબ કેટલા અધિકારીઓ કે કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા ?

ભ્રષ્ટાચાર વિષય આપણે ત્યાં પર્યાવરણ જેવો બની ગયો છે. પ્રાથમિક શાળાની નિબંધમાળાથી શરૂ કરીને પાટનગર નવી દિલ્હીના પરિસંવાદો સુધી એની ચર્ચા અને મંથન છવાયેલા છે, પરંતુ પર્યાવરણની જેમ જ કોઈ સકારાત્મક પરિણામ આવતું નથી અને દિન-બ-દિન પરિસ્થિતિ વિકરાળ થતી જાય છે. ભ્રષ્ટ આચરણ જેઓ કરે છે તેમની પોતાની જિંદગી તો કર્મફળના સિદ્ધાન્તો પ્રમાણે તબાહ થાય છે, પરંતુ સમાજમાં ઘેરી નિરાશા પ્રસરે છે. કોરોનાકાળ પહેલા બિન સચિવાલય ક્લાર્કની એક પરીક્ષામાં ઝાલાવાડમાં જે કૌભાંડ ઝડપાયું અને એના પર ધુમ્મસની ચાદર ઢાંકી દેવા માટે રાજ્ય સરકારે પરીક્ષા રદ કરવાનો સીધો હુકમ કરવાને બદલે જે ચકરડી ચડાવી એનાથી ઉમેદવાર વિદ્યાર્થીઓમાં સમગ્ર પરીક્ષા પ્રક્રિયા પરત્વે અશ્રદ્ધાની ભાવના પ્રવાહિત થઈ. છેવટે તો ગુજરાત સરકારે એ પરીક્ષા રદ કરી પણ એ પહેલાં ભ્રષ્ટતાને છાવરવાના બહુ ધમપછાડા કર્યા હતા. ઝૂલતા પુલ પ્રકરણમાં પણ એમ જ છે.

કરોડોની કોચિંગ ઈન્ડસ્ટ્રીમાં આજે કાગડા ઉડે છે. એનું કારણ એ પણ છે કે યુવા વર્ગ સરકારી પરીક્ષાઓ માટે તૈયારી કરતો હતો તે વિમુખ થઈ ગયો. સગી આંખે આધાર પુરાવાઓ સહિતના ભ્રષ્ટાચાર સામે પગલાં લેવામાં જો આ સ્થિતિ હોય તો ગુપ્તગંગા જેમ ભીતર વહેતી મેલી નદીઓ પર અંકુશ મેળવવાની વાત તો બહુ દૂરની છે. જે જે ક્ષેત્રોમાં ભ્રષ્ટાચાર ચાલે છે તે તમામમાં અસલ અને હકદાર એવો લાયક વર્ગ હતાશામાં સરી પડે છે. ભ્રષ્ટાચાર પર લગામ ખેંચવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર ભલે ગમે તેટલી વાતો કરે, હકીકત એ છે કે ભ્રષ્ટાચાર ઘટવાને બદલે વધી રહ્યો છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમના મંચ પરથી દુનિયાના સૌથી વધુ ભ્રષ્ટ દેશોની ઓળખ છતી કરવા માટે જે યાદી જાહેર કરવામાં આવી છે એમાં ભારત અગાઉ કરતાં વધુ બે પગથિયાં નીચે ઉતરતો અધિક ભ્રષ્ટ દેશ બતાવવામાં આવ્યો છે. આ અધોગતિ છેલ્લાં ઘણાં વરસોથી ચાલુ છે અને હવે એમાં ગતિ આવતા એક વરસમાં બબ્બે પગથિયાનું પતન દુનિયાને જોવા મળી રહ્યું છે.

ભારતમાં ભ્રષ્ટાચાર વ્યાપક છે એ કોઈ નવી વાત નથી. સરકારના અનેક વરિષ્ઠ અધિકારીઓ હવે તો ઔદ્યોગિક ક્ષેત્રોમાં રોકાણ કરતા થઈ ગયા છે. કેટલાક પાસે બ્યુટી પાર્લરની ચેઈન છે, તો કોઈએ ફેક્ટરીઓમાં ભાગીદારી કરી છે. કેટલાક અધિકારીઓ જમીનમાં પડયા છે તો કોઈએ બિલ્ડિંગ ડેવલપરોને કરોડો રૂપિયા બિઝનેસ માટે આપ્યા છે. હોટેલ અને ટુરિઝમમાં પણ ગવર્ન્મેન્ટ ઓફિસર આન્ત્રોપ્રિન્યોર કેટેગરી દેખાય છે. ભ્રષ્ટ ઉધઈ ચોતરફ ફરી વળી છે. ભ્રષ્ટ આચરણની બાબતમાં ભારતના સમકક્ષ દેશોમાં ચીન, ઘાના અને મોરક્કો છે. ઘાના અને મોરક્કો તો સાવ નાના અને થર્ડ ક્લાસ આફ્રિકી દેશો છે. એની પંગતમાં ભારતે બેસવું પડે એ બહુ શરમજનક સ્થિતિ છે. ભારત દુનિયાનું સહુથી પરિપક્વ અને વિરાટ લોકતંત્ર છે. આર્થિક મહાસત્તા બનવાનાં સપનાં તો જોઈ શકે છે. ભારત માટે દાવોસે જાહેર કરેલી યાદી અને એમાં ભારતનું સ્થાન લાંછનરૂપ છે.

ફિનલેન્ડ, સ્વીડન, સિંગાપોર, સ્વિટઝરલેન્ડ... આ બધા દેશો ભ્રષ્ટાચારમુક્ત જેવી સ્થિતિમાં છે. યાદીમાં તેઓ ટોચના ક્રમે છે. ત્યાં ભ્રષ્ટાચાર નહિવત્ છે અને જેઓ એમ કરતા ઝડપાય છે એને પ્રજા ખૂબ ધિક્કારે છે. એવા અપરાધીઓ માટે આકરી સજાની જોગવાઈઓ છે. જેઓ ભ્રષ્ટાચારમાં ઝડપાય છે એનો સામાજિક બહિષ્કાર પણ થાય છે. એટલે કે કોઈ એક અધિકારી લાંચ લેતા ઝડપાય તો એ પોતે તો જેલમાં જાય છે પરંતુ એના બાળકોની શાળમાંય એડમિશન રદ થઈ જાય છે. એની પત્નીને કોઈ નોકરી આપતું નથી અને પરિવાર વેરવિખેર થઈ જાય છે.

Gujarat