ટેલિકોમ કંપનીઓની દાનત .

Updated: Jan 24th, 2023


ટેલિકોમ કંપનીઓની દાનત

આમ તો કનૈયાલાલ મુનશીની નવલકથાને પોકેટ થિયેટર કહેવામાં આવતી. કારણ કે એ કથાઓ નાટયાત્મકતાથી ભરપૂર છે. કાક અને મુંજાલના સંવાદોએ એક જમાનામાં ગુજરાતી પ્રજાને ઘેલી કીધી હતી! હવે તો મોબાઇલ ફોન પણ પોકેટ થિયેટર છે. ભારતીય પ્રજાને આ મોબાઈલ ફોને સારો એવો મનોરંજનનો નશો ચડાવેલો છે. દેશમાં અત્યારે સો કરોડથી વધુ લોકો મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે, તેમાંના મોટાભાગના ઇન્ટરનેટ કનેક્શન પણ ધરાવે છે. એક જમાનામાં મહિને કે પંદર દિવસે એકવાર ભારતીયો ફિલ્મ જોવા જતા અને એકવાર બહાર ખાણીપીણી માટે જતા. મોબાઇલ ફોન આવ્યા પછી તો રેસ્ટોરન્ટ પણ ઘર આંગણે આવી ગઈ છે અને ફોન એક પોકેટ થિયેટર બની ગયો છે. આમાં સૌથી આઘાતજનક વાત એ છે કે દેશના લાખો પેરેન્ટસ પોતાનાં સંતાનોને આપવાનો સમય મોબાઇલ ફોનને આપી રહ્યા છે. ક્યારેક તો સંતાનોને આપવાના સમયના વિકલ્પમાં તેઓ મોબાઈલ ફોન જ સંતાનોને આપી રહ્યા છે.

ચિત્ર સાવ બદલાઈ ગયું છે અને એને કારણે આવનારી પેઢીઓના મનમાં તેમની જિંદગીમાં મુખ્ય ભૂમિકા અદા કરનારા પરિબળ તરીકે માતા-પિતા કે શિક્ષકને બદલે હવે મોબાઇલ ફોન આવી જશે. આની વધારાની ગંભીર અસર બાળકોના સંવેદનતંત્ર ઉપર પણ પડી રહી છે. લોકડાઉનના જમાનામાં મોબાઈલ ફોન અને શૈશવ વચ્ચેના સંબંધો વધુ ગાઢ થઈ ગયા છે. માતા બાળકથી દૂર જાય તો બાળક રડતું નથી, પરંતુ તેના હાથમાં રહેલો મોબાઇલ ફોન લઈ લેવામાં આવે તો બાળક બૂમાબૂમ કરી મૂકે છે. આ ઘટનાનો અર્થ જો કે હજુ નવા જમાનાના પેરેન્ટસ્ સમજતા નથી એ વળી એક બીજો વધારાનો આઘાત છે. રોટી, કપડાં, મકાન અને મોબાઇલ ફોન - આટલી વસ્તુ આપણી જીવન જરૂરિયાતની વસ્તુ બની ગઈ છે. જીવનની અનિવાર્યતાઓમાં આપણે એક સ્ટેપ આગળ વધી ગયા છીએ. એની આપણને જ નહીં, ખુદ મોબાઇલ કંપનીઓને પણ ખબર છે.

જેમ જેમ નવી ટેકનોલોજીને કારણે મોબાઇલ ફોન સાધનના ભાવ ઘટી રહ્યા છે તેમ તેમ હવે વિપરીત ક્રમે મોબાઇલ ટેલિફોન સેવાઓના ભાવ વધવાની દહેશત છે. મોબાઇલ ફોનમાં ઇન્ટરનેટ કનેક્શનની સુવિધા આવ્યા પછી તો કનેક્ટિવિટીએ અફીણનું કામ કર્યું છે. હવે એમાંથી મુક્ત થઈ શકાય એમ જ નથી. બહોળો સમાજ એન્ડ્રોઇડ સેવાઓ પર નિર્ભર થઇ ગયો છે. નિર્ભર થાય ત્યાં સુધી વાંધો નથી, પરંતુ નિર્બળ થઈ જાય તો ઉપાધિ રહેશે. ટેલિફોન કંપનીઓ હવે એવા મુકામની સાવ નજીક પહોંચી છે, જ્યાં મોબાઇલ ફોન સેવાઓને એ ભારતીય નાગરિકની નિર્બળતા સમજે છે અને પરિસ્થિતિ પણ એવી છે કે એણે આ નિર્બળતાનો હવે લાભ લેવાની ઘડી આવી ગઇ છે. જે રીતે ભાજપ સરકાર એ રહસ્ય જાણે છે કે ભાવ ગમે તેટલા વધે તોય પેટ્રોલિયમ પેદાશોની વપરાશ ઘટવાની નથી. લોકધનનું બેફામ દોહન કરવા માટે પેટ્રોલ પંપો સરકારી અડ્ડો છે. આ એક નવી નેશનલ ડી-ગેંગ છે.

દેશની ટોચની ખાનગી દૂરસંચાર કંપનીઓએ આવનારા દિવસોમાં ગ્રાહકોના ખિસ્સા વધુ હળવા કરવા પડે તેવી પરિસ્થિતિ છે. જે દેશના સામાન્ય નાગરિકો માટે આર્થિક મંદીના વાતાવરણમાં એક વધારાનો આઘાત નીવડી શકે છે. આજ સુધી તો ફોન કોલથી શરૂ કરીને ડેટા અને અન્ય મનોરંજક સેવાઓ તથા સોશિયલ મીડિયા લોકોને ઉપલબ્ધ કરાવવા માટે ખાનગી ટેલિફોન કંપનીઓ વચ્ચે જબરજસ્ત સ્પર્ધા હતી. પરંતુ સસ્તા ભાવે સેવાઓ આપી-આપીને આ કંપનીઓ હવે ખોટના મોટા ખાડામાં ધકેલાઇ ગઇ છે. આવા સંયોગો વચ્ચે દેશની સર્વોચ્ચ અદાલતે આ ટેલિકોમ કંપનીઓને આદેશ કર્યો છે કે એમની પાસે સરકારના જે લ્હેણાં છે એ તાત્કાલિક ચૂકવી આપે. કંપનીઓએ સરકારને આપવાની રકમ એટલી જંગી બાકી છે કે એણે ગ્રાહકો પાસેથી એ પૈસા વસૂલ કર્યા વિના હવે છૂટકો નથી.

છેલ્લા બે દાયકાઓમાં ભારતીય ટેલિકોમ કંપનીઓનો પ્રગતિનો આલેખ જે રીતે ઊંચા ને ઊંચા કૂદકા મારતો ગયો છે એ કંઈ ઓછા આશ્ચર્યની વાત નથી, પરંતુ હવે મોબાઇલ ટેલિફોન સેવાઓના દરો વધારવાની નોબત એટલે આવી કે સર્વોચ્ચ અદાલતે કંપનીઓ પાસે સરકારના જે બાકી લેણાં છે જે અંદાજે બાણુ હજાર કરોડ રૂપિયા જેવી રકમ છે તે તાત્કાલિક ચૂકવી દેવાનો આદેશ કર્યો છે. એક રીતે જુઓ તો મોબાઈલ કંપનીઓમાં ઈજારાશાહી જ છે. દેશના દૂરસંચાર વિભાગે કંપનીઓ પર કુલ એક લાખ તેત્રીસ હજાર કરોડ રૂપિયાની બાકી રકમ ભારત સરકારને ચૂકતે કરવાનો આદેશ કર્યો છે. આ રકમમાં બાણુ હજાર કરોડ રૂપિયા લાઇસન્સ ફી તરીકે અને એકતાલીસ હજાર કરોડ રૂપિયા સ્પેક્ટ્રમ ફી તરીકે કંપનીઓએ સરકારને ચૂકવવાના થાય છે.

    Sports

    RECENT NEWS