રાજ્યો વચ્ચે વિકાસભેદ .
તમે ક્યા રાજ્યમાં વસો છો એના પર પણ તમારી સુખાકારીનો આધાર છે. હવે આપણે એક એવા યુગમાં પ્રવેશી ગયા છીએ જ્યાં સામુહિકતાનો પ્રભાવ અતિશય છે. યુક્રેન, લંકા, બાંગ્લા, મ્યાનમાર, નેપાળ, સિરિયા વગેરે દેશોના બહુમત શાંતિપ્રિય લોકો તેમનું જીવન આસાનીથી જીવી શકે એમ નથી કારણ કે સામુદાયિકતાના પ્રભાવથી તેઓ મુક્ત રહી શકે એમ નથી. આ સમયગાળામાં ભારતમાં ઝડપી આર્થિક પ્રગતિને કારણે અસંતુલિત વિકાસ થયો છે, અહીં ઝડપીનો એક અર્થ આડેધડ પણ થાય છે. અસમાનતા વધી છે અને વિકાસ પસંદગીના શહેરી વિસ્તારો પૂરતો મર્યાદિત છે. વડા પ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ દ્વારા પ્રકાશિત 'ભારતીય રાજ્યોની સાપેક્ષ આર્થિક કામગીરી : ૧૯૬૦-૬૧ થી ૨૦૨૩-૨૪' અહેવાલમાં આ વિષયની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી છે.
તેણે મેક્રો-ઈકોનોમિક સંદર્ભમાં અને લોકોની સુખાકારીના સંદર્ભમાં રાજ્યોની પ્રગતિની બારીકાઈથી સમીક્ષા કરીને એક વ્યવસ્થિત સંશોધનાત્મક અહેવાલ પ્રજા સમક્ષ રજૂ કર્યો છે. આ અહેવાલ વળી દેશના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)માં રાજ્યોના હિસ્સા અને તેની માથાદીઠ આવક પર ધ્યાન કેન્દ્રિત કરે છે. બંને પરિમાણો પર, પશ્ચિમ અને દક્ષિણ ભારતે છેલ્લા છ દાયકામાં દેશના અન્ય ભાગોને પાછળ છોડી દીધા છે. આંધ્ર પ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને તેલંગાણા, આ પાંચ દક્ષિણ ભારતીય રાજ્યો દેશના કુલ જીડીપીમાં લગભગ ૩૦ ટકા યોગદાન આપે છે. આ પાંચેય રાજ્યોની પ્રજાએ વ્યાપાર, ઉદ્યોગ અને વ્યવસાયમાં કૃષિક્ષેત્રની લગોલગ પરિશ્રમ કર્યો છે જેને કારણે આ રાજ્યો દેશમાં પ્રગતિની પ્રથમ પંગતમાં આસન પામ્યા છે.
એ જ રીતે ૧૯૬૦ના દાયકાથી મહારાષ્ટ્ર અને ગુજરાતે નોંધપાત્ર વૃદ્ધિ અને માથાદીઠ આવકમાં વધારો દર્શાવ્યો છે. બંને રાજ્યોની માથાદીઠ આવક ૧૯૬૦ના દાયકાથી રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ છે. વર્ષ ૨૦૨૩-૨૪માં ગુજરાતની માથાદીઠ આવક રાષ્ટ્રીય સરેરાશના ૧૬૦.૭ ટકા અને મહારાષ્ટ્રની ૧૫૦.૭ ટકા વધુ હશે જેના સત્તાવાર આંકડાઓ હજુ પ્રગટ થયા નથી. ઓડિશા, સિક્કિમ, હરિયાણા અને દક્ષિણના ઉક્ત રાજ્યોમાં ૧૯૯૦ના દાયકાથી નોંધપાત્ર સુધારો થયો છે. જો કે, આ જ સમયગાળા દરમિયાન, પશ્ચિમ બંગાળ, બિહાર, આસામ અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોની માથાદીઠ આવક ૧૯૬૦-૬૧ના સ્તરેથી ઘટી છે અને હવે તે રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ ઘણી નીચે છે.
પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશના ઘટનાક્રમો, એના રાજનેતાઓની સત્તાલોલુપતા અને પ્રજાહિત સિવાયનો જ ઉત્પાત જાણીતો છે જેણે એ રાજ્યોને માત્ર વિકાસની વ્યર્થ વાતો કરતા રાજ્યની નવી અધઃપતનોત્થ ઓળખ આપી છે. ખાસ કરીને, પશ્ચિમ બંગાળનો આર્થિક હિસ્સો દુઃખદ રીતે ઘટયો છે અને ૨૦૨૩-૨૪માં તેની માથાદીઠ આવક રાષ્ટ્રીય સરેરાશના ૮૩.૭ ટકા હતી, જ્યારે એક જમાનામાં એટલે કે ઈ. સ. ૧૯૬૦-૬૧માં તે વ્યક્તિદીઠ સૌથી વધુ આવક ધરાવતું રાજ્ય હતું. તે સમયે તેની માથાદીઠ આવક રાષ્ટ્રીય સરેરાશ કરતાં ૨૭.૫ ટકા વધુ હતી. આજે બંગાળી પ્રજા આડે પાટે ચડી ગઈ છે. તૃણમૂલ કોંગ્રેસના અરધા ઉપરાંતના કાર્યકરો અપરાધી થવાના રસ્તે છે. બિહારની માથાદીઠ આવક ઈ. સ. ૧૯૬૦ના દાયકાથી માત્ર રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછી નથી, પરંતુ ૧૯૬૦-૬૧માં તે રાષ્ટ્રીય સરેરાશના ૭૦.૩ ટકા હતી, પરંતુ હવે તે ઘટીને માત્ર ૩૨.૮ ટકા થઈ ગઈ છે. પ્રાદેશિક મતભેદો ઉપરાંત પડોશી રાજ્યોની કિસ્મત પણ સમયની સાથે બદલાઈ છે.
ઈ. સ. ૧૯૬૦ના દાયકામાં હરિત ક્રાંતિ પછી પંજાબ અને હરિયાણાની આવકનું સ્તર ઝડપથી વધ્યું, પરંતુ પંજાબ આ ગતિ જાળવી શક્યું નહીં અને તેની આર્થિક સ્થિતિ હરિયાણા કરતાં નબળી પડી ગઈ. વર્ષ ૨૦૨૩-૨૪માં પંજાબની માથાદીઠ આવક રાષ્ટ્રીય સરેરાશના ૧૦૬.૭ ટકા થઈ જશે, જ્યારે ૧૯૬૦-૬૧માં તે ૧૧૯.૬ ટકા હતી. બીજી તરફ, હરિયાણાની માથાદીઠ આવક ઈ. સ. ૨૦૨૩-૨૪માં ૧૭૬.૮ ટકા રહી. જે ૧૯૬૦-૬૧માં ૧૦૬.૯ ટકા કરતાં ઘણી વધારે હતી. એકંદરે, ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં તફાવત, શહેરીકરણના દર, વેપાર અને પરિવહન ખર્ચ અને રાજ્ય-સ્તરની નીતિ પ્રાદેશિક આવક અને વૃદ્ધિ દરમાં કેટલાક તફાવતોને સમજાવી શકે છે.રાજ્યો વચ્ચે વધતા જતા તફાવતો મહત્વપૂર્ણ નીતિ પડકારો ઉભા કરે છે. રાજ્યો વચ્ચે રાજકોષીય સંસાધનોની વહેંચણીને લઈને એક અલગ પ્રકારનો તણાવ પેદા થઈ રહ્યો છે. જો અમીર અને ગરીબ રાજ્યો વચ્ચેનું અંતર વધશે તો આ તણાવ વધુ વધશે.