મહારાષ્ટ્રમાં ઘુસણખોરોના પડાવ
ગેરકાયદે બાંગ્લાદેશીઓને બહાર હાંકી મૂકવાના મહારાષ્ટ્ર સરકારના અભિયાનની સફળતા વિશે કંઈ કહેવું મુશ્કેલ છે, કારણ કે દિલ્હીથી મુંબઈ સુધી આવી ઝુંબેશ ઘણી વખત ચલાવવામાં આવી હતી, પરંતુ પરિણામ એક જ હતું. પરિણામ આ પ્રમાણે આવ્યું, કારણ કે ગેરકાયદે બાંગ્લાદેશીઓને હાંકી કાઢવા એ ન તો રાષ્ટ્રીય પ્રતિબદ્ધતા બની કે ન તો રાષ્ટ્રીય હિતનો વિષય. નવા વર્ષની શરૂઆતમાં કોલકાતાથી મળેલા અહેવાલો અનુસાર માલદા, ઉત્તર ૨૪ પરગણા અને નાદિયા જિલ્લામાંથી ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓને પકડીને પાછા મોકલી દેવામાં આવ્યા હતા. તે સમયે બીએસએફના પ્રવક્તાએ કહ્યું હતું કે ઘુસણખોરોની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તેમાંથી મોટાભાગના ઘરકામ અને મજૂરી કામ માટે મુંબઈ, બેંગલુરુ અને હૈદરાબાદ જવા ચાહતા હતા.
બાંગ્લાદેશથી થતી ઘુસણખોરીના માર્ગોમાં બંગાળ ઉપરાંત ત્રિપુરા, આસામ અને મેઘાલયનો પણ સમાવેશ થાય છે. અભિનેતા સૈફ અલી ખાનને ચાકુ મારનાર મોહમ્મદ શરીફુલ ઇસ્લામ જળમાર્ગે ભારતમાં પ્રવેશ્યો હતો. મુંબઈ પોલીસે પુષ્ટિ આપી છે કે તે બાંગ્લાદેશી છે. તે લગભગ છ-સાત મહિના પહેલા ગુપ્ત રીતે ભારત આવ્યો હતો. સૈફ અલી ખાનના ઘરમાં છાને પગલે પ્રવેશીને તેના પર હુમલો કર્યો તે પહેલાં તે થોડા દિવસો સુધી થાણે અને વરલીમાં ઘરકામ કરતો હતો. આનો અર્થ એ થયો કે બીએસએફના પ્રવક્તાએ કહ્યું કે બાંગ્લાદેશી ઘુસણખોરો મજૂરી અને ઘરકામ કરવા ભારત આવે છે તે હકીકત છે. આ ઘુસણખોરોમાં ગુનાઈત વલણ ધરાવતા અપરાધીઓ અને આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલા દુર્જનો પણ હોઈ શકે છે.
ચિંતાજનક બાબત એ છે કે બાંગ્લાદેશથી ઘુસણખોરો નકલી નામો અને બે નંબરી ઓળખપત્રો મેળવીને દેશના વિવિધ ભાગોમાં અને બંગાળ તેમજ આસામ કે દિલ્હી, મુંબઈ, અમદાવાદ, હૈદરાબાદમાં પણ પોતાને આસાનીથી સ્થાપિત કરે છે. તેમને ઓળખવા અને પકડવા મુશ્કેલ છે. તેમને પાછા મોકલવાનું વધુ મુશ્કેલ છે. બીજી સમસ્યા એ છે કે મોટાભાગના રાજકીય પક્ષો અને તેમની રાજ્ય સરકારો બાંગ્લાદેશથી ગેરકાયદે આવેલા લોકોને સાભાર પરત તગેડવાની ક્યારેય તસ્દી લેતા નથી. તેનાથી વિપરીત, તે આવા દરેક કાનૂની પ્રયાસનો વિરોધ કરે છે. મોટાભાગના રાજકીય પક્ષો માને છે કે જો ગેરકાયદે બાંગ્લાદેશીઓને બહાર કાઢવાની પહેલ કરવામાં આવશે, તો ભારતના મુસ્લિમો ગુસ્સે થશે અને આનાથી તેમને રાજકીય રીતે નુકસાન થશે. તાજેતરમાં, જ્યારે દિલ્હીમાં બાંગ્લાદેશી નાગરિકોની ઓળખ માટે એક ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી, ત્યારે ઘણા પક્ષોએ જો અને તો સાથે કહેવાનો પ્રયાસ કર્યો કે આ ફક્ત ચૂંટણી સ્ટંટ છે.
ખાતરી રાખો કે જો સૈફ અલી ખાન પરના હુમલા પછી, મહારાષ્ટ્ર સરકાર બાંગ્લાદેશીઓને બહાર ધકેલવાની પહેલ કરે છે, તો તેનો એક યા બીજા બહાને વિરોધ કરવામાં આવશે. મુંબઈના વરલી વિસ્તારના લોકોએ ફરિયાદ કરી છે કે જ્યાં સૈફ અલી ખાનનો હુમલાખોર રહેતો હતો ત્યાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓની વસાહત જામી પડી છે અને તેઓ સ્થાનિકોની સુરક્ષા માટે ખતરો ઉભો કરી રહ્યા છે. અહીંના લોકોએ થોડા દિવસો પહેલા આવા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહીની રજૂઆત સાથે રેલી પણ કાઢી હતી. ૧૯૯૮માં, જ્યારે કેન્દ્રમાં વાજપેયી સરકાર હતી અને મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપ સરકાર હતી, ત્યારે મહારાષ્ટ્ર પોલીસે ગેરકાયદે બાંગ્લાદેશીઓને બહાર કાઢવા માટે ઝુંબેશ શરૂ કરી હતી. બંગાળની ડાબેરી મોરચાની સરકારે આ ઝુંબેશ પર હોબાળો મચાવ્યો હતો અને એમ પણ કહ્યું હતું કે બાંગ્લાદેશીઓના નામે બંગાળના લોકોને મુંબઈમાંથી હાંકી કાઢવામાં આવી રહ્યા છે.
તે સમયે, એટલે કે ૨૭ વર્ષ પહેલાં, વિવિધ સ્રોતોના આધારે એવું કહેવામાં આવી રહ્યું હતું કે લગભગ એક કરોડ બાંગ્લાદેશી ભારતમાં ગેરકાયદે વસે છે. આજે તેમની સંખ્યા કેટલી હશે તે કોઈને ખબર નથી, કારણ કે બાંગ્લાદેશથી ઘુસણખોરી ક્યારેય બંધ થઈ નથી. જે જાણીતું છે તે એ છે કે તેમણે બંગાળ અને આસામના ઘણા વિસ્તારોમાં વસ્તી સંતુલનને ખલેલ પહોંચાડી છે. તેઓ આ રાજ્યોના ઘણા વિધાનસભા મતવિસ્તારોમાં નિર્ણાયક ભૂમિકા ભજવવા લાગ્યા છે. એ સ્પષ્ટ છે કે બાંગ્લાદેશથી થતી ઘુસણખોરી માત્ર સામાજિક માળખાને નષ્ટ કરશે નહીં, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાને પણ જોખમમાં મૂકશે. આપણે એ વારતાઓથી સંતુષ્ટ થઈ શકતા નથી કે ભાજપ સરકારો વારંવાર કહે છે કે તેઓ ગેરકાયદે બાંગ્લાદેશીઓને બહાર કાઢવા માટે ઝુંબેશ શરૂ કરશે, કારણ કે અત્યાર સુધી આવી કોઈ ઝુંબેશ યોગ્ય રીતે ચલાવવામાં આવી નથી.