રાક્ષસી કળા છે હેકિંગ .


અમેરિકાના ડ્રોને ઈરાનના સેના પ્રમુખ કાસીમ સુલેમાનીને પોતાનો શિકાર બનાવ્યો હતો ત્યારે બંને દેશો અલગ અલગ અંતિમો ઉપર પહોંચી ગયા હતા. ઈરાનમાં તંગદિલી છવાઈ ગઈ હતી અને ઈરાની શાસકોની બદલો લેવાની ભાવના એકાએક જ પ્રજ્વલિત થઈ ગઈ હતી. ઈરાનના નાગરિકો પણ તડ અને ફડ કરવાના આવેગમાં આવી ગયા હતા. જ્યારે બીજી તરફ અમેરિકાના સંરક્ષણ ક્ષેત્રના જે સલાહકારો છે એમને બીજી જ ચિંતા સતાવી રહી હતી. એક ધરપત એ હતી કે લશ્કરી તાકાતમાં ઈરાન અમેરિકાને ટક્કર ન આપી શકે. ઈરાનની પાસે પરમાણુ બૉમ્બ છે કે નહીં એની પાકે પાયે માહિતી કોઈ પાસે નથી, ઈરાનના શહેનશાહ સિવાય. જો તેની પાસે હોય તો પણ અમેરિકા સામે એની શું વિસાત? અમેરિકાના સંરક્ષણ સલાહકારોની બીક કંઈક બીજી હતી. તેમને એ ભય હતો કે ઈરાને જો સાયબર હુમલો કર્યો તો? અમેરિકા ઉપર ઇરાને હેકિંગનું શસ્ત્ર અજમાવ્યું તો? 

આજે પણ અમેરિકા હેકિંગપ્રૂફ નથી. અમેરિકા તો શું, દુનિયાનો કોઈ દેશ હેકિંગપ્રૂફ નથી. હેકિંગ એક રાક્ષસી વિદ્યા છે. કોમ્પ્યુટરની સંપર્કસૂત્ર જાળ એવી બિછાવાયેલી છે કે એ રસ્તે કોઈ પણ હાઈટેક સિસ્ટમનો ઘૂંઘટ ઉઠાવી શકાય છે. પરદા પાછળ જોઈ શકાય છે. જે ગુપ્ત છે એને પ્રગટ કરી શકાય છે. હેકિંગ એક પ્રકારની માયાવી વિદ્યા પણ છે અને એ રાક્ષસી પ્રવૃત્તિ છે. છેલ્લા થોડા વરસોમાં સાયબર સિક્યોરિટી બહુ મહત્ત્વનો શબ્દ છે. જેમ સેનાની ત્રણ પાંખના વડા છે એમ ચોથી પાંખ સાયબર છે અને ભવિષ્યમાં દુનિયાના દરેક દેશે એને એડમિરલ કક્ષાના એક વડાને સાયબર કમાન સોંપવાની રહેશે. એ ભવિષ્ય કંઈ બહુ દૂર નથી. અત્યારે જ દરેક સૈન્ય પાસે સાયબર હુમલા સામેની સાવધાની અને વળતા હુમલાનું વ્યવસ્થાતંત્ર ગોઠવાયેલું છે જ. અમેરિકાને ઈરાન તરફથી ખતરનાક સાયબર હૂમલાનો ડર હતો. આ ડર ગેરવ્યાજબી નથી. ઈરાન અને અમેરિકા વચ્ચે સાયબર યુદ્ધ ઘણા સમયથી ચાલ્યે રાખે છે, અલબત્ત નાના પાયે. પણ એની શરૂઆત અમેરિકાએ કરી હતી.

ઈરાનના પરમાણુ કાર્યક્રમમાં ખલેલ પહોંચાડવા માટે અમેરિકાના સોફ્ટવેર નિષ્ણાતોએ એક જોરદાર વાયરસ તૈયાર કર્યો હતો. એ વાયરસ ઈરાનના સુરક્ષાના સર્વરો સુધી પહોચી જાય એ ગણતરી હતી. એવું પણ કહેવાય છે કે ઇરાને આનો જવાબ આપવાની પોતાની રીતે કોશિશ કરી હતી. ઈ. સ. ૨૦૧૮માં ઈરાને સાયબર હુમલો કરીને જ્યોર્જિયા અને એટલાન્ટાની સરકારને મુસીબતમાં નાખી દીધી હતી. એટલે અમેરિકન નિષ્ણાતોને ડર હતો કે એનાથી મોટો સાયબર હુમલો ઈરાન કરે તો? જો કે અમેરિકા સાયબર હુમલાને લઈને જે પ્રકારની ચિંતામાં ગરકાવ હતું એના પરથી એ બાબત સ્પષ્ટ થઈ ગઈ છે કે એ અમેરિકાની એક દુઃખતી નસ છે. સૌથી વધુ ચિંતા હજુ પણ સાયબર હુમલાની છે એ અમેરિકન નિષ્ણાતોના બયાન અને ચહેરા ઉપર દેખાઈ આવે છે. યુદ્ધના મેદાનમાં તો બંને લશ્કરના સૈનિકો એકબીજા તરફ શસ્ત્ર પ્રહાર કરે જ્યારે સાયબર હુમલામાં સામાન્ય માણસની જિંદગી ઉપર અસર થઈ શકે.

આખો દેશ અને દેશના તમામ નાગરિકોનું નિત્ય જીવન જ્યારે ઈન્ટરનેટ વડે જોડાયેલું હોય ત્યારે કોઈ સાયબર હુમલો થાય તો આખા દેશનું દૈનિક અને વ્યાવહારિક અર્થતંત્ર પડી ભાંગે. સંરક્ષણના સર્વરોને સુરક્ષા આપવા માટે સાવધાની રાખવામાં આવે છે, પણ નાગરિક સેવાઓને એટલું રક્ષણ પૂરું પાડી શકાતું નથી. અત્યારે અમેરિકાના સામાન્ય નાગરિકો વચ્ચે પણ જ્યારે આ વાત છેડાઈ છે ત્યારે અમેરિકન જનતામાં આ વાતની ચિંતા જોવા મળે છે. આમ પણ ડેટા પ્રાઇવસીની બાબતો અંગે ગૂગલ-ફેસબુક જેવી કંપનીઓના માલિકો સાથે અમેરિકન સંસદમાં ઘણી ચર્ચાઓ થઈ છે, વિવાદો ઊભા થયા છે અને કંપનીઓએ કરોડો ડોલરના દંડ પણ ભરવા પડયા છે. આપણે ત્યાં પણ આ કંપનીઓ વારંવાર સરકારના વાંકમાં આવે જ છે અને દંડ ભરે છે. પરંતુ એનાથીય અધિક ખતરો હોય તો એ ડેટા પ્રાઇવસીનો નહીં પણ પાણી અને વીજળીનો છે. વીજળીની ગ્રીડ કરપ્ટ થઈ જાય તો મોટા વિસ્તારમાં અંધારપટ છવાઈ જાય અને એ પાણી પહોંચતું બંધ થઈ જાય.

દેશ આખો ચોવીસ કલાકની અંદર રસ્તા પર આવી જાય. જનજીવન ઠપ્પ કરવા માટે દેશની વીજળી અને પાણી પરની એક તરાપ પૂરતી હોય છે. હમણાં મુંબઈએ વીજળી વેરણ થવાનો અનુભવ કર્યો, જે ગુજરાતના તો હજારો ગામડાઓ અવારનવાર અનુભવે છે. અમેરિકા એકદમ ટેકનોલોજિકલ દેશ બની ગયો છે તો એનો ગેરફાયદો પણ દુશ્મન દેશ ઉઠાવી શકે છે. 

City News

Sports

RECENT NEWS