FOLLOW US

વગડો ખિલ્યો કેસૂડે .

Updated: Mar 11th, 2023


ગીરના જંગલમાં ચોતરફ હરિયાળી છવાઈ ગઈ છે. એનું નેતૃત્વ પલાશરાજ પાસે એટલે કે કેસૂડાં પાસે છે. વસંતઋતુના રથનો સારથિ કેસૂડો છે. એની પાસે ન તો અવાજ છે અને ન તો સુગંધ છે. માત્ર રંગ છે. પણ એવો રંગ છે કે દૂર દૂરથી એ રથના ઘૂઘરા આપણને 'દેખાય' છે. ખાખરો ખિલે ત્યારે એવો ખિલે કે પોતે જ પોતાના હરખથી ઘેલો ઘેલો થઈ જાય. પોતે જ પોતાના ફાલથી એવો રાજી રાજી હોય કે જેની એના પર નજર પડે એય પ્રફુલ્લિત થઈ જાય. એટલે જ એને કુદરતે લાંબી તરંગ લંબાઈ ધરાવતાં ફૂલો આપ્યાં છે. ગુજરાતમાં એક જમાનામાં આ ખાખરાનાં પાંદડાં સર્વત્ર છવાયેલાં હતાં. દરેક માંગલિક પ્રસંગમાં ખાખરાનાં પાન હાજર હોય. ભોજનની પતરાવળી એટલે કે પર્ણથાળ આપણે ખાખરાનાં પાંદડાંના જ બનાવતા. બરફના ગોળા માટે વાંસની સળી તો બહુ મોડી આવી. એ પહેલા તો પલાશનાં પાંદડાંમાં જ રંગરંગીન બરફ લેતાં શિશુઓની આંખોમાં કૌતુક નિતરતું.

પાન ખાયે સૈંયામાં તો હજુય એના લીલાં-સૂકાં પાન ક્યાંક ક્યાંક દેખાય છે. કેસૂડાના જળનો અંઘોળ તો અભિનવ જીવન આપે છે. રોજ થોડા થોડા કેસૂડા પલાળીને પછી એ જળથી સ્નાન કરો તો ખબર પડે કે કેસૂડાને કામણગારો કેમ કહ્યો છે! વસંતઋતુ પ્રકૃતિનો શૃંગાર છે. આ સંસારમાં સૌન્દર્યના બે પ્રકાર છે. રૂપ સૌન્દર્ય અને ગુણ સૌન્દર્ય. એમાંય ગુણનું સૌન્દર્ય તો રૂપના સૌન્દર્યને વટી જાય. વસંતઋતુ રૂપના સૌન્દર્યની મોસમ છે. વસંત વાટિકાના કુંવર-કુંવરી જેવા કોકિલ અને કોકિલામાં રૂપ સૌન્દર્ય નથી, પણ મીઠા મધુરા સ્વરગુણનો વૈભવ છે એટલે એ સહુને બહુ પ્રિય છે.

વસંતઋતુની બીજી એક મઝા રખડપટ્ટીની છે. પવનમાં એટલી બધી તાજગી હોય કે તમે જોજનના જોજન ચાલ્યા જાઓ તો પણ તમને થાક ન લાગે. પગ એવા ઉપડે કે ઓહોહો જાણે જણનારી જનેતાએ પગમાં ઘોડા ન બાંધી દીધા હોય. ઉનાળાના આરંભે સીમમાં રખડવું એ તો સોનાની ટાંકે વિધાતાએ જેના લેખ લખ્યા હોય એને જ મળે. ગામની સીમ ઉલ્લંઘીને વગડામાં પગલાં પાડો કે ચારેબાજુ ક્ષિતિજ ઢાંકીને બેઠેલા ડુંગરાઓ તો સાદ કરતા સંભળાય. ક્યાંથી ક્યાં જવું એ નક્કી જ નહીં. ઘડીક આમ અને ઘડીક તેમ. જંગલ જેવું રમતિયાળ કોઈ નથી. જંગલ તમારી સાથે રમત કરે એટલે સાક્ષાત્ મોત પણ બતાવી દે. પશ્ચિમના અનેક દિગ્દર્શકોએ જંગલની દિલધડક વિશિષ્ટતા બતાવતી કથાઓને કચકડે કંડારેલી છે. આપણા ગીરના જંગલમાં, વાંસદામાં અને સાપુતારા પાછળના ઘેરાવામાં હજુ જંગલ એના આદિમ સ્વરૂપમાં ધબકે છે. 

શિયાળા અને ચોમાસામાં જંગલમાં પગ ન ઉપડે. ઉનાળામાં તો વાયરો વનના પાંદડે પાંદડે અડતા અડતા તમને અડે એટલે તમને પોતાનેય કારણ ન સમજાય એવા લીલ્લાછમ થઈ જાઓ. આપણે બાર વરસ નિશાળમાં જઈએ એમાંથી કોણ અને કેટલા દિવસ આપણને જંગલ ઓળખાવે? એલા માસ્તરો, તમને એટલીય ભાન નથી કે આ છોકરાવને કુદરતના અપાર વૈભવના હિંડોળે હિંચકો તો ખવરાવીએ. એલા બાર બાર વરસ લગી તમારી શાળાના ફળિયે ઠેબા ખાધા તે ખાલી ચોપડાના પાનાં ફેંદવા ને તમને સાંભળવા જ? બાળકોનું નેતૃત્વ કરવાની તાકાત શિક્ષકોએ ગુમાવી દીધી છે. શાળાઓમાં હવે માત્ર પગારદાર નોકરિયાતો આવે છે અને જાય છે. આ એક વિચિત્ર માનવ પ્રજાતિ છે, જેને પહેલી તારીખ સિવાય કોઈ જ્ઞાન-વિજ્ઞાન કે કૃતિ-પ્રકૃતિમાં રસ નથી. દેશની ૯૯ ટકા શાળાઓમાં એવી ઉધઈ ચડી છે કે દેવના દીધેલા અને નિર્દોષ એવાં લાખો-કરોડો બાળકોના ભવિષ્યને ખોખલું કરી નાખે છે. 

કોઈ પણ બાળકને ઉત્તમ મનુષ્ય તરીકે ઘડવાનો એક જ ઉપાય છે કે એને વધુમાં વધુ પ્રકૃતિની નજીક રાખો. હજુ દેશમાં અનેક નદીઓ કમસે કમ ચોમાસા પછી તો વહેતી રહે છે. શરદ ઋતુ આવે ત્યારે એના જળ આછરીને નિર્મળ થાય છે. કોઈ એક મનુષ્ય નદીએ નાહ્યા વિના મોટો થાય તો એના વ્યક્તિત્વમાં સરળતા, પ્રવાહિતા અને શીતળતા ક્યાંથી આવશે? અને આવશે તો એ ફ્રિઝ, નળ કે મિનરલ બોટલમાંથી આવશે, જેના મૂળમાં તો આગ સિવાય કંઈ નથી. એ બાળકો મોટા થશે ને જે કંઇ બોલશે એનો તાપ એના ઘરમાં કોઈ જીરવી શકશે નહીં. સરોવરમાં નિંરાતે તરતા હંસ જેણે જોયા નથી ને ઊંચા અડગ-સ્થિર પહાડોની તળેટીમાં ઘાસ પર બેસી જેણે ટંક બે ટંક રોટલા ખાધા નથી એ એની જિંદગીમાં કદી સ્થિરતાને કેમ પામી શકે? અત્યારે વસંત ઋતુ પહેલા ચરણમાં છે. આ ફાગણની પૂનમથી એને રંગરંગીન પાંખો આવી ગઈ છે ને પછી હવે એ વસંત આખા વનવગડામાં ફરી વળી છે. જેને જિંદગીની પ્રત્યેક ક્ષણમાં ભરપુર ઉલ્લાસ અને તાજગી જોઈએ છે એણે આ સપરમા ટાણે જ વનવગડે પહોંચી જવું જોઈએ.

Gujarat
News
News
News
Magazines