સાયરસ મિસ્ત્રી ઘટનાબોધ .


આધુનિક ટેકનોલોજીએ મનુષ્યની જિંદગી બહુ આસાન બનાવી દીધી છે, પરંતુ આ જ ટેક્નોલોજીમાં રહેલી ક્ષતિઓ અને નાનકડી માનવીય ભૂલ ભયંકર હોનારત સર્જે છે. ટાટા જૂથના ભૂતપૂર્વ વડા અને જેમણે વરસો સુધી હજુ કોર્પોરેટ જાયન્ટ જહાજનું નેવિગેશન કરવાનું હતું તેવા વિખ્યાત સાયરસ મિસ્ત્રી એકાએક જ કાર દુર્ઘટનામાં સ્વર્ગસ્થ થઈ ગયા. ભારતીય કોર્પોરેટ જગતને એનો આઘાત હજુ શમ્યો નથી. અગાઉ પાટનગર નવી દિલ્હીમાં અક્ષરધામ મંદિર પાસેથી પસાર થતી એક દોડતી કારમાં એકાએક જ આગ ભડકી ઉઠી. એમાં બે પુત્રીઓ સહિત એક માતા જીવતાં સળગી ગયાં. આ બધી એવી દુર્ઘટના છે, જેણે દેશમાં ફરી રહેલાં કરોડો અસલામત વાહનો તરફ સાવચેતીની ઘંટડી વગાડી છે. અગાઉ ઇથિયોપિયાની બે બોઇંગ દુર્ઘટનાઓથી ડઘાઈ ગયેલા જગતે લીધેલા વિવિધ સલામતીના 'ગ્રાઉન્ડેડ' પગલાં ચર્ચામાં છે ત્યારે જ ભારતમાં માર્ગ દુર્ઘટનાઓ અને ટેકનિકલ ક્ષતિથી સર્જાતી જીવલેણ ઘટનાઓ નવેસરથી વિવાદના વંટોળ સર્જી રહી છે.

અક્ષરધામ નજીકની કારમાં આગ એટલી ઝડપથી ફેલાઈ કે કારચાલક ઉપેન્દ્ર પોતાની એક પુત્રીને લઈ બહાર કૂદવામાં તો કામયાબ નીવડયા, પરંતુ પોતાની પત્ની અને અન્ય બે પુત્રીઓને બહાર લાવી ન શક્યા. ચારે તરફ ઘેરાયેલા ટોળાની વચ્ચે એ ત્રણેય રાખ થઈ ગયા. દેશમાં જેટલી પણ મોટરકારો ફરે છે તેમાં અગ્નિશમનની કોઈ વ્યવસ્થા નથી. મોટા ભાગની કારના બધા દરવાજા સિંગલ કમાન્ડ એટલે કે ડ્રાઇવિંગ કરનારથી લોક-ઓપન થાય છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં દર વરસે દોઢ લાખથી વધુ લોકો સડક દુર્ઘટનાઓમાં મોતનો શિકાર બને છે. એમાં અરધાથી વધુ લોકો તો બાઇક, સ્કુટર, કાર, ટેક્સી અને વાન સંબંધિત અકસ્માતોમાં જિંદગી ગુમાવે છે. ગુજરાતમાં તો ટેન્કર, છકડો અને ટ્રેક્ટર પણ આ આંકડાઓને અભિવૃદ્ધ કરી આપનારા છે.

જો વાહનોમાં એડવાન્સ સેફ્ટી ફિચર્સ હોત તો અનેક લોકોની જિંદગીના દીપ બુઝાઈ ગયા ન હોત. આપણા દેશના રસ્તાઓ પર દોડતા વિવિધ પ્રકારના દ્વિચક્રી અને ચતુર્ચક્રી વાહનોમાં સલામતી માટે અનિવાર્ય એવી મહત્ જોગવાઈઓ તો છે જ નહીં. ટેક્નોલોજી છે, પરંતુ જાગૃતિનો અભાવ છે. એમ કહો કે લોકોનું ધ્યાન વાહનનો ઉપયોગ કરવામાં છે. તેઓ જાણતા જ નથી કે તેમની સફર મોતના કૂવાથી જરાય દૂર નથી. ગ્લોબલ ન્યૂ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત ઇ.સ. ૨૦૧૪થી ઇ.સ. ૨૦૨૧ વચ્ચે ભારતમાં બનેલી મોટરકારોના ક્રેશ ટેસ્ટ દ્વારા બહાર આવેલા રિપોર્ટ હવે જાહેર થયા છે અને એમાં આપણી અનેક મોટરકારોને ઝીરો રેટિંગ મળ્યું છે. એવી કારમાં સવારી એટલે સ્વયં યમદૂતના ખભે બેસીને ફરવાનું સાહસ! આવું સાહસ દેશમાં નિત્ય લાખો નહિ, કરોડો લોકો કરે છે. દેશના સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે જાહેર કરેલા અહેવાલમાં ગત વર્ષે દોઢ લાખ લોકોએ રસ્તામાં જ છેલ્લા શ્વાસ લીધા એટલા અકસ્માતો થયા અને અંદાજે પાંચ લાખ લોકો ઘાયલ થયા. જેમાંના અનેકાનેક લોકોને કાયમી ક્ષતિ કે અપંગતા ભોગવવાની આવી.

આપણા દેશમાં હેલ્મેટની ઉપેક્ષા છે એવી જ સીટબેલ્ટની પણ છે. ચાર રસ્તે ટ્રાફિક પોલીસને દૂરથી જોઈને થોડી વાર માટે સીલ્ટબેટ બાંધી લેતા કારચાલકોને આપણે સુજ્ઞા કહીએ કે અજ્ઞા? એ સિવાય પણ આપણે ત્યાં સ્ટાઇલિશ કારચાલકો ક્યાં ઓછા છે? એક્ઝિક્યુટિવ ડ્રાઇવિંગ તો ઠરેલી શ્રીમંતાઈની નિશાની છે, પરંતુ ગુજરાત અને મહારાષ્ટ્રમાં તો રૂપિયો છલકાઈ જાય છે ને કાર ભટકાઈ પણ જાય છે. કાર એક લક્ઝરી છે, જે એના ચાલકમાં પણ કેટલીક ઉપલા સ્તરની અપેક્ષા રાખે છે. રાતોરાત શ્રીમંત થયેલા લોકો કાર અને છકડો એક સમાન રીતે ચલાવે છે અને ગુજરાતના રસ્તાઓ પર તેઓ પોતાની અનોખી અદામાં સહુને દર્શન આપે છે! જે વાસ્તવમાં તો નરી મૂર્ખતાનું પ્રદર્શન પૂરવાર થાય છે.

ભારતમાં ઉત્પાદિત કાર કંપનીઓનું કેટલું ફોકસ સેફ્ટી પર છે એ ગ્રાહકે કે વાહનચાલકે ચકાસી લેવું જરૂરી છે. કોઈ પણ કાર કંપનીના ક્રેશ ટેસ્ટનો રિપોર્ટ જાણ્યા વિના એવી ચાવી ખિસ્સામાં મૂકવી જોખમી છે. પાંચ વરસના અંતે પણ એનડીએ સરકારનું સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય એમ કહે છે કે અમે ભારતીય ઉત્પાદક કંપનીઓ માટે સેફ્ટીનાં નવાં ધારાધોરણો તૈયાર કરી 'રહ્યા' છીએ. એટલે કે કામ હજુ બાકી છે. ભારતીય કાર ગ્રાહકોની માનસિકતા પણ થોડી જવાબદાર તો છે. આપણું ધ્યાન કારની ઓછી કિંમત અને વધુ માઇલેજ પર છે. એટલે ઉત્પાદક કંપનીઓએ અનેક સેફ્ટી ફિચર્સ ઉડાડી દીધા છે. ગ્રાહકનું જ ધ્યાન સેફ્ટી પર ન હોય તો ઉત્પાદકોને શી પડી છે ?

City News

Sports

RECENT NEWS