ગુજરાતની નવી સ્કાયલાઈન .


આપણા ગુજરાતના વિકાસને દેશ-દુનિયા સમક્ષ દ્રષ્ટાંત બનાવીને નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બન્યા. આખા રાજ્યને 'મોડેલ' બનાવીને દેશ સમક્ષ પ્રસ્તુત કરવાના તેમના આઈડિયાને મૌલિકતાના ગુણ આપવા પડે. નહીતર બહુધા ભારતીય નાગરિકો મોડેલ એટલે અભિનેતા કે અભિનેત્રી એવી સીમિત સમજ ધરાવતા હતા. ભારતનાં રાજ્યોમાં સુપર-મોડેલ ગણાતા ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી અંગેની તૈયારીઓથી રાજકીય પક્ષોનાં કાર્યાલયો ધમધમવા લાગ્યાં છે. ગુજરાત હમણાં સુધી વરસાદી પાણીનો સામનો કરી રહ્યું હતું અને અતિવૃષ્ટિની દહેશત માથા પર ઝળુંબી રહી હતી, જે ભય હવે દૂર થયો છે. ગુજરાતીઓ પણ જેના વખાણ કરતા થાકતા નથી તેવા ગુજરાતના રસ્તાઓની હાલત કોરોના પેશન્ટના ફેફસાં કરતા પણ વધુ ખરાબ થઇ ગઈ છે. આ દરમિયાન જાહેરાત થઇ છે કે ગુજરાતના પાંચ શહેરોમાં સિત્તેર માળ ઊંચી બહુમાળી ઈમારત ચણી શકાશે. અત્યાર સુધી મહત્તમ ત્રેવીસ માળની છૂટ આપવામાં આવતી. હવે સીધી પોણા ત્રણ ગણી વધુ છૂટ મળી છે.

રિયલ એસ્ટેટના માર્કેટમાં આવેલી ભયંકર મંદીને હળવી કરવાનો સરકારનો આ પ્રયાસ છે. રાજકોટ, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા અને સુરત શહેરોમાં આવનારાં વર્ષોમાં સિત્તેર માળ ઊંચી બિલ્ડીંગો જોઈ શકાશે. આમ પણ ગાંધીનગર સિવાયનાં બાકીના ચારે શહેરો ધીમે ધીમે પોતાની બોર્ડર ઉપર રહેલાં ગામડાઓને પોતાની અંદર ઓહિયા કરતાં જાય છે. શહેરોનો પથારો ચારે દિશામાં વધ્યો છે. ગુજરાતે એક સમયે 'ત્રણ માળિયા' તરીકે ઓળખાતા હાઉસિંગ બોર્ડનો જમાનો જોયેલો છે. આવનારા બે દસકમાં સિત્તેર માળિયા હરોળબંધ જોવા મળશે. ગુજરાતી પ્રજા હવે ફ્લેટપ્રેમી થઇ ગઈ છે. રમણીય આંગણા પ્રત્યેનો મોહ હવે ફક્ત જૂના કાવ્યોમાં જોવા મળે છે. પંખીઓ પણ હવે એ કાવ્યોમાં જ દાણા ચણે છે.

ગુજરાતને ગગનચુંબી રાજ્ય બનાવવાનો જાણે પ્રોજેક્ટ ઉપરથી પાસ કરવામાં આવ્યો હોય એવું લાગે છે. વિશ્વનું સૌથી ઊંચું શિલ્પ - સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ કરોડોના ખર્ચે, ચાઇનીઝ કંપનીની મદદથી નર્મદાના કિનારે ખડું કરવામાં આવ્યું. હવે સિત્તેર માળ સુધી બાંધકામ કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. સામાન્ય પ્રજા આમ પણ ઊંચી બિલ્ડીંગો જોવા માટે વિદેશ જતી હોય છે. હવે દુબઈ કે સિંગાપોર જેવી સ્કાયલાઈન ગુજરાતમાં જોવા મળશે. બહુમાળી ઈમારત રચવાના નિયમો જીડીસીઆર- જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ હેઠળ રચવામાં આવતા હોય છે. સરકારે તાજેતરમાં સિત્તેર માળને છૂટ આપતી જાહેરાત કરી. તેમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ ઉપરથી તેમણે ટ્વિટ કર્યું જેમાં 'સ્કાયલાઈન' શબ્દ નોંધવા જેવો હતો. સિત્તેર માળની ઈમારતો બને તો ફ્લેટના ભાવ ઘટે એવો અમુક નિષ્ણાતોનો અંદાજ છે.

તીવ્ર શહેરીકરણના અભાવે જમીનની અછત ઉભી થઇ ગઈ છે અને ટ્રાફિકની ગીચતા દિન પ્રતિદિન વધે છે. ગુજરાતનાં શહેરોમાં તો ટ્રાફિક સાથે બીજી એક વિકરાળ સમસ્યા ઉભરી રહી છે અને તે છે ગાડીઓના પાર્કિંગની. સિત્તેર માળના રેસિડેન્સિયલ કે કોમર્શિયલ કોમ્પ્લેક્સ જમીનની અછત અને ભાવવધારાના પ્રશ્નોનું કદાચ નિરાકરણ લાવી શકે, પણ ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા તેને કારણે વધે પણ ખરી. તેના કરતાં શહેરોનો પથારો ચારે દિશાઓમાં આડી રેખામાં વધતો હતો એ વધુ યોગ્ય હતો એવો પણ મત છે. એક રીતે જોઈએ તો ગુજરાત બહુમાળી ઈમારતના મામલે ઘણું પાછળ છે. કોલકાતા, મુંબઈ, કોચી, ચેન્નઈ, દિલ્હી, બેંગલોર જેવા શહેરોમાં ચાલીસ-પચાસ માળની ઈમારતો કોમન થઇ ગઈ છે. ગુજરાતમાં મેટ્રો ટ્રેનનો નિર્ણય પણ બહુ મોડો લેવામાં આવ્યો. હવે શહેરની વચ્ચોવચ્ચ મેટ્રો ઘુસાડવાના કામ છેલ્લા અઢી-ત્રણ વર્ષથી ચાલે છે. તેને કારણે વાહનચાલકોને ઘણી સંકડાશ અનુભવાય છે તે વાત જાણીતી છે.

તરસ લાગતી વખતે જ કૂવા ખોદવા માટે કોદાળી શોધવા જવાનો આ સરકારી અપ્રોચ જે-તે પ્રોજેક્ટનો હેતુ સંપૂર્ણપણે સાર્થક થવા દેતો નથી. પાંચ વર્ષે જે-તે પ્રોજેક્ટ બની રહે ત્યારે નવી સમસ્યાઓ ઊભી થઇ ગઈ હોય છે. વીસમી સદીના અંતમાં જ ગુજરાતમાં સિત્તેર માળની ઈમારતો હોવી જોઈતી હતી. આપણે ત્યાં શોપિંગ મોલ કલ્ચર પણ ત્યારે આવ્યું જયારે પશ્ચિમના વિકસિત દેશોમાં તે જૂનું થઇ ગયું. વિક્રમસર્જક મૂર્તિઓ બનાવવાની એક સમયે વિશ્વમાં હોડ લાગેલી, જે હવે પૂરી થઇ ગઈ છે. વિકસિત દેશો હવે વિકાસની બીજી દિશા તરફ વળ્યા છે. આપણે ત્યાં હવે છેક સૌથી ઊંચી પ્રતિમા બની અને સરદાર પટેલ કરતાં પણ ઊંચી પ્રતિમાઓ બીજા રાજ્યમાં બનશે તેની જાહેરાતો થઇ રહી છે.

City News

Sports

RECENT NEWS