ભાજપનો નવો અવતાર : ભાજપે આ વખતની ટિકિટ વહેચણીમાં ભલભલાને કાપી નાખ્યા છે

આખરે ટિકિટનો ખેલ મહત્ અંશે તો પૂરો થયો છે. એના પરથી એક વાત સ્પષ્ટ છે કે સત્તાધારી પક્ષે ગુજરાતમાં પણ હિમાચલ પ્રદેશની જેમ જીતે એવા લોકોને ટિકિટ આપવાનો નિર્ણય કરેલો છે. જે કેટલાક નવા યુવા ચહેરાઓને તક આપવામાં આવી છે એ એવી જગ્યાએ આપવામાં આવી છે જે ભાજપના નિશ્ચિત વિજયના મતવિસ્તારો છે. ભાજપે આ વખતની ટિકિટ વહેચણીમાં ભલભલાને કાપી નાખ્યા છે એમ કહેવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં ભાજપનો આ નવો અવતાર છે. ભાજપના હાઈ કમાન્ડે બહુ મોટું જોખમ લઈને ભલભલાને હાંસિયામાં ધકેલી દીધા છે, જે બતાવે છે કે અગાઉના મોદીના અભ્યુદયનાં પ્રારંભિક વર્ષોમાં મુરલી મનોહર જોશી અને અડવાણી જેવા લોકોને રાજકીય વૃદ્ધાશ્રમમાં ધકેલી દેવામાં આવ્યા હતા એ નિર્ણય એની રીતે સાચો હતો.

એ જ રીતે હવે રાજ્યના સ્તરે પણ એક નવો રાજકીય વૃદ્ધાશ્રમ આકાર લઇ રહ્યો છે. જો કે ટિકિટ નહીં આપીને સાઈડમાં કે અભરાઈ પર મૂકી દેવાયેલા દરેકની કોણીએ એવો ઓર્ગેનિક ગોળ તો લાગેલો છે કે તેમને આવનારી સંસદની ચૂંટણીમાં કે બોર્ડ-નિગમમાં ક્યાંક તક આપવામાં આવશે. ભાજપના હાઇ કમાન્ડે બહુ લાંબો વિચાર કરીને પક્ષમાં નવા પાણી દાખલ કર્યા છે અને જેને છાપેલા કાટલા કહેવાય અને છતાં સજ્જન હોય તેવા લોકોને પણ ટિકિટ આપી નથી. એક સાથે આટલા બધા દિગ્ગજોને અને અન્ય અનેક પ્રવર્તમાન પ્રધાનો અને ધારાસભ્યોને પણ ટિકિટ નહીં આપીને ભાજપે પક્ષની શિસ્તનું એક નવું દ્રષ્ટાંત આપ્યું છે કે આટલા બધા લોકોની કારકિર્દીની ઉપર સામુદાયિક રીતે છરી ફેરવવામાં આવી હોવા છતાં બળવો થવાના કોઈ ચાન્સ નથી. અરે, એવો દુર્વિચાર પણ કોઈને આવતો નથી, કારણ કે ભાજપે પહેલેથી જ પોતાના સર્વ નેતાઓમાં એક આજ્ઞાાંકિતતાનો સોફ્ટવેર ઇન્સ્ટોલ કરેલો છે.

પશ્ચિમ બંગાળમાં અને દક્ષિણનાં કેટલાક રાજ્યોમાં પક્ષ દ્વારા ટિકિટ ન મળે ત્યારે ઉમેદવાર અપક્ષ રીતે ચૂંટણી લડતો હોય છે અને પોતાના વ્યક્તિગત પ્રભુત્વ પર જીતતો હોય છે, પરંતુ ગુજરાતના મતદારોની મેન્ટાલિટી અ-પક્ષને બદલે પક્ષ તરફ જ ધ્યાન આપવાની હોવાથી એવી ઉમેદવારી કરીને બધું જ ગુમાવવાનું દુઃસાહસ કરવા કોઈ તૈયાર નથી. એના કરતા અતોભ્રષ્ટ તતોભ્રષ્ટ થયા પછી પણ પક્ષમાં સજીવન તો રહ્યા છીએ એનો દરેક ઉપેક્ષિતોએ આનંદ લેવાનો હોય છે. જો કે આ સ્થિતિ સંસારનો સાર સમજાવતા વૈરાગ્યની બહુ નજીકની સ્થિતિ છે - એ અર્થમાં પડતા મૂકાયેલા તમામનો આધ્યાત્મિક વિકાસ સંભવ છે! કેટલાક પોતાના જૂના જોગીઓ કે જે જીતે એવા છે એને પણ ભાજપે પડતા મૂક્યા એનું કારણ ભાજપની રહસ્યમય પોલિસી છે. ચોક્કસ ઊંચાઈ સુધીની મુક્તિ છે, પરંતુ પછીથી એક સેન્ટિમીટર પણ જો ઊંચાઈ 'વધે' તો એ રાજનેતાને 'વધ'સ્તંભ પર ચડાવવામાં આવે છે. એટલે કે એવા સફળ અને લોકપ્રિય રાજપુરુષ માટે મોટા કદનું પૂર્ણ વિરામ શોધવામાં આવે છે.

આ બધા આમ તો ડિક્ટેટરશિપ તરફ આગળ વધતાં અભિજાત લક્ષણો છે. ઇન્દિરાજીના જમાનામાં કોંગ્રેસ પક્ષ એમના નામની કમાણીથી જ મતપેટીઓ છલકાવી લેતો હતો. એ જ રીતે ભાજપ પાસે વાજપેયીનો અવાજ હતો, પછી અડવાણીની યાત્રા હતી ને આજે નરેન્દ્ર મોદીનો ચહેરો છે. કોંગ્રેસ પાસે પ્રિયંકાનો ઈન્દિરાજીની અણસાર ધરાવતો ચહેરો છે, પણ બુદ્ધિ ક્યાંથી લાવવી? પ્રિયંકાનો ઉપયોગ કરતા કોંગ્રેસને ન આવડયું. તો પણ એમાં દૂરના ભવિષ્યની સંભાવના છે. મોદીની જેમ પ્રિયંકાને જો આપડહાપણથી જાત શિક્ષણ લેતા આવડે તો ચમત્કાર થાય. વડાપ્રધાન મોદી દિલ્હી પર તખ્તેનશિન થયા પછી એમણે કેટલું બધું જાતે શીખીને પોતાના પાકે ઘડે કાંઠા ચડાવ્યા છે એનો પણ પ્રજાએ વિચાર કરવો ઘટે. એકાધિકારવાદ એ મિસ્ટર મોદીની સૌથી મોટી મર્યાદા છે. એ સિવાય તો તેઓ ખુદ લીડરશિપનો મનુષ્ય દેહ ધારણ કરેલો અજાયબ જ્ઞાાનકોશ છે.

ભાજપે હવે દરેક રાજ્યમાં ગુજરાત અને હિમાચલની જેમ જ બહુ બારીકાઈની વિજયશ્રીનો વણાટ કરવો પડશે, કારણ કે કોંગ્રેસ ઘણા વરસો પછી પોતાની તાકાત બતાવવાની મથામણમાં છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા એક ચોક્કસ ચમક બતાવ્યા વગર નહીં રહે, ભલે એ ચમક મર્યાદિત સમય માટે હોય. એ યાત્રા ભાજપ તરફ ઘા નહીં તો ઘસરકો તો કરશે જ. એટલે હવે ભાજપે પોતાના બધા જ વ્યૂહ બદલાવ્યા છે. વિચારધારા પણ અદ્ધર થાય તોય જીતે તેવાને જ ઘોડે ચડાવવા એ ભાજપનો નવો મંત્ર છે.

City News

Sports

RECENT NEWS