For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

થાનગઢમાં રોડનું એક છેડે સાંસદે તો બીજા છેડે ધારાસભ્યએ કર્યુ ખાતમુહૂર્ત

- જશ ખાટવાની આક્ષેપબાજી વચ્ચે બે વખત કાર્યક્રમ યોજાયો

- નવો રોડ બનાવવા માટે રજૂઆતોનાં અંતે માંડ સરકારે ગ્રાન્ટ ફાળવતા ભાજપ મેદાને આવ્યું

Updated: Jul 5th, 2021

Article Content Image

કોંગી ધારાસભ્યએ વિરોધ સાથે પ્રતિક ખાતમુહૂર્ત ગોઠવ્યું

થાનગઢ,  : થાન-તરણેતર બાયપાસ રોડ છેલ્લા સાતેક વર્ષથી બિસમાર હોવાની ફરિયાદો ઉઠી રહી છે ત્યારે કોંગી ધારાસભ્ય દ્વારા નવો રસ્તો બનાવવા માટે વારંવાર વિધાનસભામાં રજુઆત કરવામાં આવી હતી, જેથી એસ. આર.ની ગ્રાન્ટમાંથી રૂપિયા બે કરોડ ફાળવી રોડ બનાવવાની કામગીરીનો આરંભ થતા ભાજપ દ્વારા લીંબડ જશ ખાટવા ત્રણ દિવસ પહેલા સંસદસભ્યને ઉતાવળે ઉતાવળે બોલાવી સુર્યા ચોકમાં રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેના પ્રતીક વિરોધરૂપે આજે રવિવારના રોજ ધારાસભ્ય દ્વારા ધોળેશ્વર ફાટકે આ જ રસ્તાનું ખાતમુહર્ત કરવામાં આવતા ચકચાર ફેલાઇ જવા પામી છે.

થાન પંથકમાં ભાજપના સંસદસભ્ય તથા કોંગ્રેસના ધારાસભ્ય હોય વારંવાર કોણે કામગીરી કરી તે બાબતે પ્રશ્ન ઉપસ્થિત થઇ રહ્યા છે ત્યારે થાન-તરણેતર બાયપાસ રોડ છેલ્લા સાતેક વર્ષથી બિસ્માર હાલતમાં હતો. સંસદસભ્ય અનેક વખત આ રસ્તા ઉપરથી પસાર થયા છે. પરંતુ તેમણે ક્યારેય રસ્તા બાબતે રજૂઆત કરી હોય એવું કોઈના ધ્યાને નથી. પરંતુ ધારાસભ્ય ત્વિક મકવાણા દ્વારા અવાર નવાર વિધાનસભામાં રસ્તાનો પ્રશ્ન મૂકી થાન શહેરની જનતાને પણ વાકેફ કરવામાં આવી છે ત્યારે ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે તેઓએ સરકારમાં વારંવાર રજૂઆત કરી હતી, જેના કારણે સરકાર દ્વારા એસ.આર.ની બે કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને આ રસ્તો સીસી રોડ માટે મંજુર થયો છે. જેની જાણ ભાજપને થતા ત્રણ દિવસ પહેલા તેમના દ્વારા લીંબડ જશ ખાટવા ઉતાવળે ઉતાવળે સંસદ સભ્યને બોલાવી, પ્રોટોકોલનો ભંગ કરી, જાહેર બાંધકામ ખાતાને પણ જાણ કર્યા વગર, મુખ્યમંત્રીને પણ અંધારામાં રાખી આ રસ્તાનો ખાતમુહર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસને કોઇ લીબડ જસ ખાટવામાં રસ નથી. પરંતુ જે પક્ષે કશું જ કર્યુ નથી અને ફક્ત લીંબડ જશ ખાટી પ્રજાને ગેરમાર્ગે દોરવા ખાતમુહર્ત કાર્યક્રમ યોજ્યો હતો. જેનો પ્રતીક વિરોધ કરવા અમોએ ખાતમુહર્ત કાર્યક્રમ કર્યો છે. જો કોંગ્રેસે ખાતમુહૂર્ત કરવું જ હોત તો ચોટીલાથી રોડ શરૂ થયો ત્યારે પણ અમો ખાતમુરત કરી શકતા હતા. જ્યારે ખાતમુહર્ત કાર્યક્રમ હોય ત્યારે સ્થાનિક ધારાસભ્યને આમંત્રણ પણ આપવું પડે છે. જે પ્રોટોકોલ છે તેનો પણ ભાજપ દ્વારા ભંગ કરી લીંબડ જશ ખાટવા જ ભાજપ દ્વારા ખાતમુહર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Gujarat