For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

એશિઝની શરુઆતની બે ટેસ્ટમેચ માટે ખ્વાજાનો ઓસ્ટ્રેલિયન ટીમમાં સમાવેશ

- ૮ ડિસેમ્બરથી બ્રિસબેનમાં પ્રથમ ટેસ્ટ

- ખ્વાજાને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવા ટ્રાવિસ હેડ સાથે સ્પર્ધા કરવી પડશે

Updated: Nov 17th, 2021

Article Content Imageસીડની, તા.૧૭

ઓસ્ટ્રેલિયાએ ડિસેમ્બરમાં શરૃ થઈ રહેલી ઈંગ્લેન્ડ સામેની પ્રતિષ્ઠિત એશિઝ ટેસ્ટ શ્રેણીની શરૃઆતની બે ટેસ્ટ માટેની ટીમમાં ટોપ ઓર્ડરના બેટ્ટર ખ્વાજાનો ટીમમાં સમાવેશ કર્યો છે. ઓસ્ટ્રેલિયાએ જાહેર કરેલી ૧૫ ખેલાડીઓની ટીમમાં ખ્વાજાની સાથે ટ્રાવિસ હેડને પણ તક આપવામાં આવી છે. તારીખ ૮ ડિસેમ્બરથી બ્રિસબેનમાં પ્રથમ એશિઝ ટેસ્ટ રમાશે. જે પછી ૧૬ ડિસેમ્બરથી એડિલેડમાં બીજી ટેસ્ટ શરૃ થશે. જે ડે-નાઈટ રમાશે.

ખ્વાજાને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવા માટે ટ્રાવિસ હેડ સાથે સ્પર્ધા કરવી પડશે. જે અંગે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન પોન્ટીંગે નારાજગી વ્યક્ત કરી હતી. પોન્ટીંગે કહ્યું કે, તે ઓસ્ટ્રેલિયાના ટોપ છ બેટ્ટર્સમાં સ્થાન ધરાવે છે. તેના જેવા ખેલાડીને ટીમમાં સામેલ કર્યા બાદ ન રમાડવો તે ખુબ જ આશ્ચર્યજનક કહેવાય. નોંધપાત્ર છે કે, ખ્વાજા ૨૦૧૯ની એશિઝ પછી ટેસ્ટ ક્રિકેટ રમ્યો જ નથી. તે છેલ્લે ૨૦૧૯ની એશિઝમાં રમ્યો હતો. જે ૨-૨થી ડ્રો થતા ઓસ્ટ્રેલિયાએ એશિઝ ટ્રોફી જાળવી હતી.

મિચેલ માર્શને નજર અંદાજ કરવામાં આવ્યો છે. જ્યારે જે. રિચાર્ડસનને ટીમમાં તક મળી છે. આ ઉપરાંત નવા ચહેરા તરીકે મિચેલ સ્વેપસન અને ફાસ્ટ બોલર માઈકલ નેસેરને પણ ટીમમાં સમાવવામાં આવ્યા છે. તેઓ કારકિર્દીની પ્રથમ ટેસ્ટ રમવા માટે ઉત્સુક છે. ટી-૨૦ વર્લ્ડ કપના હિરો મેથ્યુ વેડને ટેસ્ટ ટીમમાં તક મળી નથી. જ્યારે પુકોવસ્કીને કંકશનના લક્ષણોને કારણે ટીમમં સ્થાન નહીં મળે તે લગભગ નક્કી છે. જ્યારે વોર્નરની સાથે હેરિસ ઓપનિંગ કરશે.

ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમ : પેઈન (કેપ્ટન, વિ.કી.), કમિન્સ, ગ્રીન, હેરિસ, હેઝલવૂડ, હેડ, ખ્વાજા, લાબુશૅન, લાયન, નેસેર, જે. રિચાર્ડસન, સ્ટાર્ક, સ્વેપસન, સ્મિથ અને વોર્નર.

Gujarat