For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમેરિકા-વિન્ડિઝમાં વર્ષ ૨૦૨૪નો ટી-૨૦ વર્લ્ડ કપ યોજાશે : આઇસીસી

- પાકિસ્તાનને ૨૦૨૫ની ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની સોંપાઈ

- વર્ષ ૨૦૨૬ થી ૨૦૩૧ સુધીમાં ભારતમાં આઇસીસીની ત્રણ મેજર ટુર્નામેન્ટ રમાશે

Updated: Nov 16th, 2021

Article Content Imageદુબઈ, તા.૧૬

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલે વર્ષ ૨૦૨૪ના ટી-૨૦ વર્લ્ડ કપની યજમાની અમેરિકા અને વિન્ડિઝને સંયુક્તપણે સોંપી દીધી છે. આ સાથે પહેલી વખત નોર્થ અમેરિકામાં સૌપ્રથમ વખત ક્રિકેટનો વર્લ્ડ કપ રમાશે. આશરે બે દાયકા બાદ પાકિસ્તાનને આઇસીસીની ઈવેન્ટ ફાળવવામાં આવી છે. વર્ષ ૨૦૨૫ની ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની પાકિસ્તાન કરશે તેવી જાહેરાત આઇસીસીએ કરી છે.

જ્યારે વર્ષ ૨૦૨૬ થી લઈને ૨૦૩૧ સુધીમાં ભારતને જુદી-જુદી ત્રણ મેજર ટુર્નામેન્ટની યજમાની સોંપવામાં આવી છે. ભારત અને શ્રીલંકામાં વર્ષ ૨૦૨૬નો ટી-૨૦ વર્લ્ડ કપ રમાશે. જ્યારે ભારતમાં ૨૦૨૯ની ચેમ્પિયન્સ ટ્રોફી યોજાશે. આ પછી ૨૦૩૧નો વન ડે વર્લ્ડ કપ ભારત અને બાંગ્લાદેશ સંયુક્તપણે યોજશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલે વર્ષ ૨૦૨૪થી લઈને ૨૦૩૧ સુધીની કુલ આઠ ટુર્નામેન્ટના યજમાનની જાહેરાત કરી દીધી છે. આવતા વર્ષે ઓસ્ટ્રેલિયામાં ટી-૨૦ વર્લ્ડ કપ યોજાવાનો છે. જે પછીના વર્ષે એટલે કે ૨૦૨૩માં વન ડેનો વર્લ્ડ કપ ભારત ભૂમિ પર રમાશે.

ચેમ્પિયન્સ ટ્રોફી છેલ્લે ૨૦૧૭માં રમાઈ હતી. જેનું આઠ વર્ષના અંતરાલ બાદ પુનરાગમન થયું છે. છેલ્લે આ ટુર્નામેન્ટ ઈંગ્લેન્ડની ધરતી પર રમાઈ હતી. ૨૦૨૫ની ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનને સોંપાતા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ચિંતાની લાગણી ફેલાઈ છે. પાકિસ્તાનમાં પ્રવાસી ટીમના ક્રિકેટરોની સલામતીની સમસ્યા છે અને તાજેતરમાં જ ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ આ જ કારણોસર પાકિસ્તાન પ્રવાસ રદ કરી ચૂક્યા છે. આવી પરિસ્થિતિમાં ૨૦૨૫ની ચેમ્પિયન્સ ટ્રોફીનું યજમાન પાકિસ્તાન રહેશે, પણ તે યુએઈમાં રમાય તેવી પૂરેપુરી શક્યતા છે.

વર્ષ ૨૦૨૩ થી લઈને ૨૦૩૧ સુધીની સાઈકલમાં કુલ ૧૪ આઇસીસી સભ્યો મેન્સ ટુર્નામેન્ટની યજમાની સંભાળશે. અમેરિકા અને નામિબીયા પહેલી વખત આઇસીસી વર્લ્ડ કપની યજમાની કરશે. જ્યારે ભારત, ઓસ્ટ્રેલિયા,ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, આયરલેન્ડ, પાકિસ્તાન, સ્કોટલેન્ડ, સાઉથ આફ્રિકા, શ્રીલંકા, વિન્ડિઝ અને ઝિમ્બાબ્વેમાં પણ ટુર્નામેન્ટ્સ યોજાશે.

Gujarat