કોહલીના આ 10 રૅકોર્ડ દુનિયા નહીં ભૂલે, હજુ સુધી કોઈ ભારતીયે આવી સિદ્ધિ નથી મેળવી
Image Source: Twitter
Top 10 Virat Kohli's Test Records: દિગ્ગજ ભારતીય ખેલાડી વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતિ લઈ લીધી છે. તેણે 123 ટેસ્ટમાં 9,230 રન બનાવ્યા છે. તો ચાલો તમને કોહલીના એ 10 રૅકોર્ડ વિશે જણાવીએ તેને દુનિયા ક્યારેય નહીં ભૂલે.
સૌથી વધુ જીત
ભારતીય કૅપ્ટન તરીકે સૌથી વધુ ટેસ્ટ મેચ જીતવાનો રૅકોર્ડ વિરાટ કોહલીના નામે છે. તેણે 2014થી 2022 સુધી 68 ટેસ્ટમાં કૅપ્ટનશીપ કરી અને 40માં જીત હાંસલ કરી. 17 મેચ ડ્રો રહી હતી. કોહલી સિવાય અન્ય કોઈ પણ ભારતીય કૅપ્ટન 30 ટેસ્ટ પણ જીતી નથી શક્યો. એમએસ ધોની બીજા નંબર પર છે, જેણે 60માંથી 27 ટેસ્ટ જીતી છે.
સૌથી વધુ સદી
કોહલી ભારતીય કૅપ્ટન તરીકે સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનાર ખેલાડી છે. તેણે 20 વખત આ સિદ્ધિ હાંસલ કરી છે.
સૌથી મોટી ઇનિંગ
વિરાટે ભારતીય કૅપ્ટન તરીકે સૌથી મોટી ઈનિંગ્સ રમવાની કમાલ કરી છે. તેણે 2019માં દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટમાં અણનમ 259 રન બનાવ્યા હતા.
સૌથી વધુ રેટિંગ પોઇન્ટ
કોહલી ICC મેન્સ ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં સૌથી વધુ રેટિંગ પોઇન્ટ હાંસલ કરનાર ભારતીય ખેલાડી રહી ચૂક્યો છે. તેણે 2018માં 937 પોઇન્ટ હાંસલ કર્યા હતા. તેનો રૅકોર્ડ હજુ પણ અકબંધ છે.
સૌથી વધુ રન
વિરાટે ભારતીય કૅપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે 68 ટેસ્ટમાં 54.80ની એવરેજથી 5,864 રન બનાવ્યા. તેના પછી ધોનીનો નંબર આવે છે, ધોનીએ 60 ટેસ્ટમાં 3,454 રન બન્યા હતા.
આ પણ વાંચો: કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી જાહેર કરી નિવૃત્તિ, ઈન્સ્ટાગ્રામ પર ભાવુક પોસ્ટ કરી આપી માહિતી
સૌથી વધુ બેવડી સદી
કોહલી ટેસ્ટમાં સૌથી વધુ બેવડી સદી ફટકારનાર ભારતીય ક્રિકેટર છે. તેણે પોતાની કારકિર્દીમાં 7 બેવડી સદી ફટકારી હતી. તે ઓવરઓલ લિસ્ટમાં સંયુક્ત રીતે ત્રીજા સ્થાને છે.
કૅપ્ટન તરીકે બેવડી સદી
કૅપ્ટન તરીકે વિરાટના નામ પર ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ બેવડી સદી ફટકારવાનો રૅકોર્ડ છે. તેણે 6 વખત આ સિદ્ધિ હાંસલ કરી છે.
સૌથી વધુ સીરિઝ જીતી
કોહલીએ કૅપ્ટન તરીકે સતત સૌથી વધુ ટેસ્ટ સીરિઝ જીતી છે. તેણે કુલ 9 વખત આવું કર્યું છે.
ઓસ્ટ્રેલિયામાં સદીના રૅકોર્ડ
વિરાટ ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનાર ભારતીય ખેલાડી છે. તેણે ઓસ્ટ્રેલિયાની ધરતી પર 7 સદી ફટકારી હતી.
પ્રથમ એશિયન કૅપ્ટન
ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરિઝ જીતનાર કોહલી પ્રથમ એશિયન કૅપ્ટન છે. તેણે 2018-19માં ઓસ્ટ્રેલિયામાં ચાર મેચની સીરિઝ 2-1થી જીતીને ઇતિહાસ રચ્યો હતો.