For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હાલમાં કોહલીની કેપ્ટન્સી જરા પણ ભયમાં નથીઃ કેવિન પીટરસન

કોહલીના સુકાનીપદ અંગે ચર્ચાઓ જારી જ રહેશે

કોહલી દબાણ હેઠળ વધુને વધુ ખીલે છે

Updated: Feb 12th, 2021

Article Content Image

લંડન, 12 ફેબ્રુઆરી 2021, શુક્રવાર

ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ સ્ટાર બેટ્સમેન કેવિન પીટરસને જણાવ્યું હતું કે વિરાટ કોહલીની કેપ્ટન્સી નજીકના ભવિષ્યમાં જરા પણ ભયમાં નથી, પરંતુ તેની કેપ્ટન્સીની ચર્ચા અને તેના નેજા હેઠળના પર્ફોર્મન્સની થતી ચર્ચાને ટાળવી અશક્ય છે. કોહલીએ તેને અવગણવી જ રહી. કોહલીની કેપ્ટન્સી હેઠળ ભારત સળંગ ચાર ટેસ્ટ હારતા તેના અભિગમ સામે સવાલો સર્જાયા છે. 

કોહલીની કેપ્ટન્સી હેઠળ ભારત ગયા વર્ષના પ્રારંભમાં ન્યૂઝીલેન્ડ સામે બે ટેસ્ટ અને વર્ષના અંતે ઓસ્ટ્રેલિયાની ધરતી પર એડીલેડમાં ટેસ્ટ ખરાબ રીતે હાર્યુ હતુ. તેના પછી ચેન્નાઈમાં ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ ૨૨૭ રને હાર્યું છે. આમ છતાં પણ પીટરસનનું માનવું છે કે હાલના પરાજય છતાં પણ વિરાટ કોહલી ભારતનું નેતૃત્વ કરવા સક્ષમ છે. તે ભારતની ટેસ્ટ ક્રિકેટ ટીમનો અત્યાર સુધીનો સૌથી સફળ કેપ્ટન છે. રહાણેએ મેળવેલા વિજયના લીધે તુલના તો થતી રહેવાની, પરંતુ વિરાટ કોહલી નિર્વિવાદપણે હાલમાં ભારતનો શ્રેષ્ઠ કેપ્ટન છે. 

સોશિયલ મીડિયા, દરેક ટીવી ચેનલ, દરેક ન્યૂઝ ચેનલ, દરેક રેડિયો સ્ટેશનમાં કેપ્ટન્સી અંગે શું-શું કરી શકાય તે અંગે ચર્ચા થતી રહેવાની, તેથી દેશની કેપ્ટન્સી કરવી અત્યંત મુશ્કેલ હોય છે. કોહલીએ આ બધી બાબત અવગણવાની જરૃર છે. કોહલી પર સારા દેખાવનું દબાણ રહેવાનું જ, પરંતુ જ્યારે પણ કોહલી પર દબાણ આવ્યું છે ત્યારે કોહલી તેનો સફળતાપૂર્વક સામનો કરીને બહાર આવ્યો છે. આ તેની લાક્ષણિકતા છે અને તેના લીધે જ આજે તે ભારતનો કેપ્ટન છે. તેનો કેપ્ટન બન્યા પછીનો બેટિંગ રેકોર્ડ ઘણો શાનદાર છે, સામાન્ય રીતે તેનાથી વિપરીત સ્થિતિ જોવા મળતી હોય છે.


Gujarat