245 રન કરવા છતાં પંજાબ હારતાં અય્યરે જણાવ્યું ક્યાં ચૂકી ગયા, અભિષેકના કર્યા વખાણ!
Punjab Kings Captain Shreyas Iyer: સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં પંજાબ કિંગ્સની ટીમને 8 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. તે પણ જ્યારે ટીમે પ્રથમ બેટિંગ કરતા 245 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી શ્રેયસ અય્યરે શાનદાર ઈનિંગ રમીને 82 રન બનાવ્યા હતા, પરંતુ અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડે તેની ઈનિંગ પર પાણી ફેરવી દીધું. અભિષેકે વિસ્ફોટક બેટિંગ કરી અને 141 રન બનાવીને ટીમને જીત અપાવી. હવે મેચ બાદ પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે ટીમની ફિલ્ડિંગ અંગે મોટી વાત કહી છે.
હાર માટે ફિલ્ડિંગને જવાબદાર ઠેરવી
પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે કહ્યું કે, 'તે એક શાનદાર સ્કોર હતો પરંતુ જે રીતે હૈદરાબાદે બે ઓવર બાકી રહેતા આ ટાર્ગેટ ચેઝ કરી લીધો તેના પર મને હસવું આવી રહ્યું છે. અમે ફિલ્ડિંગમાં વધુ સારું પ્રદર્શન કરી શક્યા હોત. અભિષેક શર્માને પણ ઈનિંગની ચોથી ઓવરમાં જ જીવનદાન મળ્યું હતું. અમે બે શાનદાર કેચ લઈ શક્યા હોત. અભિષેક થોડો ભાગ્યશાળી પણ રહ્યો, ભલે તેણે શાનદાર ઈનિંગ્સ રમી. કેચ તમને મેચ જીતાડે છે અને અમે ત્યાં ચૂકી ગયા. અમે સારી બોલિંગ કરી ન કરી પણ અમારે ફરી બેસીને યોજના બનાવવી પડશે.
આ પણ વાંચો: અભિષેક શર્માની તોફાની સદી બાદ ઓરેન્જ કેપની રેસ રસપ્રદ બની, કોહલી-રાહુલ પાછળ થયા
અભિષેક શર્માના વખાણ કર્યા
શ્રેયસ અય્યરે કહ્યું કે, જે રીતે ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ ઓપનિંગ પાર્ટનરશિપ કરી તે ખૂબ જ શાનદાર હતી. તેમણે અમને વધારે તકો ન આપી. ફર્ગ્યુસન તમને વિકેટ અપાવી શકે છે, પરંતુ આ (ઈજાઓ) ચાલુ રહે છે, તે રમતનો એક ભાગ છે. આ અમારા માટે આગળ વધવા માટે શીખવા જેવી બાબતો છે. ઝાકળના કારણે અમારા માટે પરિસ્થિતિ થોડી મુશ્કેલ બની ગઈ. અભિષેકની ઈનિંગ વિશે બોલતા તેમણે કહ્યું કે તે મેં જોયેલી શ્રેષ્ઠ ઇનિંગમાંની એક હતી.
અભિષેકે પોતાના કરિયરની શ્રેષ્ઠ ઈનિંગ્સ રમી
પંજાબ કિંગ્સ દ્વારા આપવામાં આવેલા 246 રનનો ટાર્ગેટ સનરાઈઝર્સ હૈદરાબાદે અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડની મદદથી સરળતાથી ચેઝ કરી લીધો. બંને વચ્ચે પહેલી વિકેટ માટે 171 રનની પાર્ટનરશિપ થઈ. અભિષેકે પોતાના કરિયરની શ્રેષ્ઠ ઈનિંગ્સ રમી અને 141 રન બનાવ્યા. બીજી તરફ ટ્રેવિસ હેડે 66 રનનું યોગદાન આપ્યું. આ ખેલાડીઓ સામે પંજાબ કિંગ્સના બોલરો ટકી ન શક્યા. પંજાબ તરફથી ફક્ત અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલ જ વિકેટ લઈ શક્યા.