For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

શેરિફ કલબનો ફૂટબોલર એડમા ટ્રાઓરે મેદાન પર ફસડાઈ પડયો

- ચેમ્પિયન્સ લીગમાં રિયલ-શેરિફની મેચમાં બનેલી ઘટના

- ટ્રાઓરેને તત્કાળ મેડિકલ સારવાર મળતા તેની હાલત સ્થિર : મેચમાંથી સબસ્ટીટયૂટ કરાયો

Updated: Nov 25th, 2021

Article Content Imageમેડ્રિડ, તા.૨૫

ચેમ્પિયન્સ લીગ ફૂટબોલ ચેમ્પિયનશિપમાં રિયલ મેડ્રિડ સામેની મેચમાં શેરિફ ટિરાસ્પોલ કલબ તરફથી રમતાં ૨૬ વર્ષના માલીના ફૂટબોલર એડમા ટ્રાઓરેને છાતીમાં દુઃખાવો થતાં તે મેદાન પર ફસડાઈ પડયો હતો. જોકે, તે ભાનમાં જ હતો પણ તેની કથળેલી હાલત જોઈને મેડિકલ ટીમ મેદાન પર દોડી આવી હતી અને તત્કાળ સારવાર મળતાં તેની હાલત સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે.

રિયલ-શેરિફની મેચની ૭૭મી મિનિટે બોલ ગ્રાઉન્ડમાંથી બહાર જતો રહેતા રિયલ મેડ્રિડના નૅચો ફેર્નાન્ડેઝની સાથે ટ્રાઓરે પણ મેદાનમાં પાછો ફરી રહ્યો હતો. આ સમયે અચાનક તેને છાતીમાં દુઃખાવો ઉપડયો હતો અને તે મેદાન પર જ ફસડાઈ પડયો હતો. તેના શ્વાસ ચાલુ હતા, પણ સખત દુઃખાવાના કારણે તે મેદાન પર જ પડી રહ્યો હતો.

ટ્રાઓરેની મદદે મેડિકલ ટીમ દોડી આવી હતી અને તેને તત્કાળ સારવાર આપવામાં આવી હતી. એક તબીબી સ્ટાફના વ્યક્તિએ કહ્યું કે, સારવાર દરમિયાન પણ ટ્રાઓરે ભાનમાં જ હતો. જોકે તેની પ્રતિભાવ આપવાની ક્ષમતા ખુબ જ ધીમી પડી ગઈ હતી. તેને ભાનમા રાખવા માટે મીઠું સુંઘાડવામાં આવ્યું હતુ. થોડી વાર બાદ તે બેઠો થયો હતો અને મેડિકલ ટીમની મદદથી તેણે મેદાન છોડયું હતુ. તેની હાલત અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કલબ તરફથી કરવામાં આવી નથી.

ચાલુ વર્ષે રમાયેલા યુરો-૨૦૨૦માં ડેનમાર્કની ટીમનો સ્ટાર ખેલાડી ક્રિસ્ટીયન એરિક્સન પણ ફિનર્લેન્ડ સામેની મેચમાં અચાનક બેભાન થઈને મેદાન પર જ પડી ગયો હતો. તેને ૧૩ મિનિટ સુધી સીપીઆર ટ્રિટમેન્ટ આપવામાં આવી હતી. જે પછી તેની હાલતમાં સુધારો થયો હતો અને આખરે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

Gujarat