For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સેરેના યુએસ ઓપનમાં ભાગ લેશે, હાલેપ ખસી જાય તેવી શક્યતા

- લેક્ષિંગ્ટનમાં ટોપ સીડ ઓપન ટુર્નામેન્ટમાં સેરેના રમશે

- ન્યૂયોર્કમાં ૩૧મી ઓગસ્ટથી યુએસ ઓપન શરૃ થશે

Updated: Aug 9th, 2020

Article Content Imageન્યૂ યોર્ક, તા.૯

એક તરફ કોરોના મહામારીના ભયમાં યુરોપના કેટલાક ટોચના ટેનિસ સ્ટાર્સ યુએસ ઓપનમાં ભાગ લેવા માટે ન્યૂયોર્ક જવા માટે તૈયાર નથી. નડાલ, વાવરિન્કા, કિર્ગિઓસ, એશ્લી બાર્ટી, સ્વિટોલિના, બેર્ટેન્સ જેવા સ્ટાર્સ યુએસ ઓપનમાંથી ખસી જવાની જાહેરાત કરી ચૂક્યા છે, ત્યારે અમેરિકાની દિગ્ગજ ખેલાડી સેરેના વિલિયમ્સે યુએસ ઓપન અને ફ્રેન્ચ ઓપન એમ બંને ગ્રાન્ડ સ્લેમમાં રમવાની તૈયારી બતાવી છે. જોકે રોમાનિયાની સિમોના હાલેપે પણ હાલના તબક્કે તો યુએસ ઓપન અંગે કોઈ કમિટમેન્ટ આપવાનો ઈનકાર કરી દીધો હતો. 

૨૩ ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ટાઈટલ જીતી ચૂકેલી સેરેના વિલિયમ્સે તૈયારી શરૃ કરી દીધી છે. ૩૧મી ઓગસ્ટથી શરૃ થઈ રહેલી યુએસ ઓપન પૂર્વે ખેલાડીઓને તૈયારીની તક મળે તે માટે આવતીકાલથી ટોપ સીડ ઓપન ટુર્નામેન્ટ શરૃ થઈ રહી છે. હાર્ડ કોર્ટ પર રમાનારી આ ટુર્નામેન્ટમાં સેરેના વિલિયમ્સ ભાગ લેવાની છે. સેરેના છ મહિનામાં પહેલી વખત ટેનિસ કોર્ટ પર રમતી જોવા મળશે. 

અમેરિકામાં માર્ચ મહિના બાદ આ પહેલી ટુર્નામેન્ટ રમાશે, જેમાં સેરેનાની મોટી બહેન વિનસ વિલિયમ્સ, બેલારૃસની વિક્ટોરિયા એઝારેન્કા, અમેરિકાની સ્લોન સ્ટેફન્સ અને કોકો ગફ પણ ભાગ લઈ રહ્યા છે.

દરમિયાનમાં ટોચની મહિલા ટેનિસ ખેલાડી સિમોના હાલેપે કહ્યું છે કે, હું હાલના તબક્કે તો યુએસ ઓપનમાં ભાગ લેવા જવાની નથી. આ એક ચિંતાજનક વર્ષ છે અને તેને અનુકૂળ થવું જ પડશે. મને ટેનિસની ગેરહાજરી સાલે છે. જેને પૂરી કરવા માટે મેં પ્રાગુઈમાં રમાનારી ટુર્નામેન્ટમાં ડબલ્સ ઈવેન્ટમાં ભાગ લેવાનો નિર્ણય લીધો છે. પ્રાગુઈની ટુર્નામેન્ટ યુએસ ઓપન પૂર્વે રમાશે અને ઘણા લોકો માને છે કે, હાલેેપ યુએસ ઓપનમાં ભાગ લેશે.


Gujarat