For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રેફરીનો છબરડો : ખેલાડીને ભૂલથી રેડ કાર્ડ દેખાડતાં ભારે વિવાદ સર્જાયો

- ચેમ્પિયન્સ લીગ : ડાયનેમો કીવ અને બેન્ફિકાની મેચમાં બનેલી ઘટના

- રેફરી એન્થોની ટેલરને ભૂલ સમજાતા રેડ કાર્ડ પાછું ખેંચ્યું

Updated: Sep 15th, 2021

કિવ, તા.૧૫

યુક્રેનમાં રમાયેલી ડાયનેમો કિવ અને બેન્ફિકા વચ્ચેની મેચ ૦-૦થી ડ્રો રહી હતી. આ મેચમાં ઈંગ્લિશ રેફરી એન્થોની ટેલરે કરેલા છબરડાને કારણે ભારે વિવાદ સર્જાયો હતો. રેફરીએ ડાયનેમો કિવના એક ખેલાડીને યલો કાર્ડ દેખાડવાની રેડ કાર્ડ દેખાડી દીધું હતુ. જેના કારણે ડાયનેમો કિવના ખેલાડીઓ અને કેમ્પમાં સોંપો પડી ગયો હતો. જોકે આખરે ભૂલ સમજાતા રેફરીએ રેડ કાર્ડ પાછું ખેંચ્યું હતુ અને મેચ આગળ વધી હતી. આ મેચ આખરે ૦-૦થી ડ્રો રહી હતી. 

રેફરી એન્થોની ટેલરે ડાયનેમો કિવના મીડફિલ્ડર ડેનીસ ગાર્માશને યલો કાર્ડ દેખાડયા બાદ તરત જ રેડ કાર્ડ દેખાડયું હતુ. ફૂટબોલના નિયમ અનુસાર જે ખેલાડીને એક જ મેચ દરમિયાન બે વખત યલો કાર્ડ મળે તેને જ રેડ કાર્ડ દેખાડવામાં આવે. રેડ કાર્ડ મળે તેની સાથે ખેલાડીએ મેચ છોડવી પડે અને તેની ટીમે બાકીની રમત ૧૦ ખેલાડીઓથી પૂરી કરવી પડે.

ગાર્માશને યલો કાર્ડ દેખાડયું તે સમયે રેફરી એન્થોનીને એમ લાગ્યું કે, તેમણે ડાયનેમોના આ ખેલાડીને બીજી વખત યલો કાર્ડ દેખાડયું છે. જેના કારણે તેમણે તેને રેડ કાર્ડ દેખાડી દીધું. અલબત્ત ગાર્માશ અને તેના સાથી ખેલાડીઓએ રેફરી સમક્ષ વિરોધ નોંધાવ્યો હતો. જે પછી રેફરીને તેની ભૂલ સમજાઈ હતી અને આખરે તેમણે રેડ કાર્ડ પાછું ખેંચ્યું હતુ અને ગાર્માશને રમતમાં જારી રાખવાનો નિર્ણય લીધો હતો. 

૪૨ વર્ષના એન્થોની ટેલર ઈંગ્લિશ પ્રીમિયર લીગમાં ૨૦૧૦થી રેફરીંગ કરે છે. તેઓ ૨૦૧૩થી ફિફાના આંતરરાષ્ટ્રીય રેફરીની યાદીમાં સામેલ છે. યુરો કપમાં ફિનલેન્ડ અને ડેનમાર્ક વચ્ચેની જે મેચમાં ડેનિશ સ્ટાર ક્રિશ્ચીયન એરિક્સન બેભાન થઈને પડી ગયો હતો, તે મેચમાં પણ રેફરી તરીકે એન્થોની ટેલર જ હતા. તે સમયે તેમણે લીધેલા અસરકારક નિર્ણયની વિશ્વભરમાં પ્રસંશા થઈ હતી.

Gujarat