6,6,6,6,6,6... : હોંગકોંગ સિક્સીસમાં પાકિસ્તાની બેટરની તોફાની બેટિંગ, જુઓ VIDEO

Video of Abbas Afridi Smashes 6 Sixes In One Over: પાકિસ્તાની ટીમના કેપ્ટન અબ્બાસ અફ્રિદીએ શુક્રવારે હોંગકોંગ સિક્સીસ ટૂર્નામેન્ટમાં કુવૈત સામે રમાયેલી પ્રથમ મેચમાં પોતાના પ્રદર્શનથી ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવી દીધી છે. મોંગ કોકના મિશન રોડ ગ્રાઉન્ડ પર રમાયેલી આ મેચમાં અફ્રિદીએ માત્ર 12 બોલમાં 55 રનની વિસ્ફોટક અને મેચ-જિતાઉ ઇનિંગ્સ રમી હતી, જેમાં તેણે 8 છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે તેણે ઇંગ્લેન્ડના બેટ્સમેન રવિ બોપારાના રેકોર્ડની બરાબરી કરી લીધી. અફ્રિદીનો આ સ્કોર ટૂર્નામેન્ટના ઇતિહાસમાં એક ઇનિંગ્સનો બીજો સૌથી મોટો સ્કોર છે.
યાસીન પટેલની એક ઓવરમાં ફટકાર્યા 6 છગ્ગા
આક્રમક બેટિંગ દરમિયાન અબ્બાસ અફ્રિદીએ કુવૈતના બોલર યાસીન પટેલની એક જ ઓવરમાં 6 છગ્ગા ફટકાર્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટ દરેક ટીમને 6 ઓવરની હોય છે. કુવૈતે પાકિસ્તાનને જીતવા માટે 124 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. લક્ષ્યનો પીછો કરતા અફ્રિદીએ 12 બોલમાં 55 રન બનાવીને ટીમને છેલ્લા બોલે રોમાંચક જીત અપાવી હતી.
પસંદગીકારોનું ધ્યાન ખેંચશે આ ઇનિંગ્સ
24 વર્ષીય અબ્બાસ અફ્રિદી જુલાઈ 2024માં બાંગ્લાદેશ સામે રમ્યા બાદ પાકિસ્તાનની રાષ્ટ્રીય ટીમમાંથી બહાર છે. તેણે આ જ વર્ષે જાન્યુઆરીમાં ન્યૂઝીલેન્ડ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. તેની 12 બોલમાં 55 રનની આ ધમાકેદાર ઇનિંગ્સ ચોક્કસપણે પાકિસ્તાનના પસંદગીકારોનું ધ્યાન આકર્ષિત કરશે. જોકે, તેની કારકિર્દીના આંકડા સામાન્ય રહ્યા છે. તેણે અત્યાર સુધીમાં કુલ 24 T20 મેચ રમી છે, જેમાં 12.18ની સરેરાશ અને 112.61ના સ્ટ્રાઈક રેટથી માત્ર 134 રન બનાવ્યા છે.

