For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઓસ્ટ્રેલિયન ઓપન ચાલે છે ત્યારે મેલબોર્નમાં પાંચ દિવસનું લોકડાઉન

Updated: Feb 12th, 2021


મેલબોર્ન, 12 ફેબ્રુઆરી 2021, શુક્રવાર

ઓસ્ટ્રેલિયામાં મેલબોર્ન ખાતે ઓસ્ટ્રેલિયન ઓપન ચાલી રહી છે ત્યારે જ મેલબોર્નના શહેરી સત્તાવાળાઓએ નવા કોરોના સ્ટ્રેઇનના પગલે ત્યાં પાંચ દિવસનું લોકડાઉન લાદ્યુ છે. આમ નવા પ્રતિબંધ હેઠળ ૫૦ લાખથી વધુ વસતી ધરાવતું ઓસ્ટ્રેલિયાનું બીજા નંબરનું શહેર શુક્રવાર રાતથી લઈને આગામી પાંચ દિવસ સુધી લોકડાઉનમાં રહેશે. તેમા ફક્ત આવશ્યક ચીજવસ્તુ માટે જ થોડી ઘણી રાહત હશે.

યુ.કે.ના કોવિડ-૧૯નો નવો સ્ટ્રેઇન વધારે ચેપી હોવાનું કહેવાય છે. વિક્ટોરિયાના પ્રીમિયર ડેનિયલ એન્ડ્રુસે જણાવ્યું હતું કે નવા ચેપી વાઇરસને ફેલાતો અટકાવા માટે આ લોકડાઉન લાદવું જરૃરી હતું. આના પગલે ઓસ્ટ્રેલિયન ઓપનની મેલબોર્ન પાર્ક પર રમાતી આગામી મેચો પ્રેક્ષકો વગર રમાશે. 

એન્ડ્રુસે કોઈનું નામ તો લીધું ન હતું પરંતુ જણાવ્યું હતું કે લોકડાઉન દરમિયાન બીજા કેટલાય કારોબારોની સાથે રમતગમત સ્થળો પણ બંધરહેવા જોઈએ.  તેણે કહ્યું હતું કે આ પ્રતિબંધો દ્વારા જ આપણે સુનિશ્ચિત કરી શકીશું કે ઝડપથી પ્રસરી રહેલા કોરોના સ્ટ્રેઇનને આપણે તેટલી જ ઝડપથી પ્રતિકાર કરી શકીએ. મને વિશ્વાસ છે કે લોકડાઉનનો ટૂંકો સમયગાળો તેના માટે ઘણો અસરકારક રહેશે. આ રોગચાળાનો ફેલાવો એરપોર્ટ હોટેલ ખાતેથી થયો હતો જ્યાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને ફરજિયાત ક્વોરેન્ટાઇન કરાય છે. નવા વાઇરસનો ચેપ કુલ ૧૩ જણાને લાગ્યો છે અને તેમા હોટેલ સ્ટાફ અને તેમના કુટુંબીઓનો પણ સમાવેશ થાય છે.


Gujarat