For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મનિકા બત્રાને એશિયન ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ માટેની ટીમમાં સ્થાન નહીં

- નેશનલ કોચ સૌમ્યદીપ રોય પર ફિક્સિંગનો આરોપ મૂકનારી

- ગુજરાતના હરમીત દેસાઈ અને માનવ ઠક્કરનો ટીમમાં સમાવેશ

Updated: Sep 15th, 2021

Article Content Imageનવી દિલ્હી, તા.૧૫

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતની ટીમના કોચ સૌમ્યદીપ રોયની મદદ લેવાનો ઈનકાર કરનારી અને તેમના પર મેચ ફિક્સિંગનો આરોપ મૂકનારી ભારતની ટોચની ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રાને એશિયન ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ માટેની ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. ૨૮મી સપ્ટેમ્બરથી દોહામાં એશિયન ચેમ્પિયનશિપ શરૃ થવા જઈ રહી છે. જે માટે સોનીપતમાં યોજાયેલા નેશનલ કેમ્પમાં મનિકાએ હાજરી આપી નહતી. દરમિયાનમાં ગુજરાતના આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ખેલાડી હરમીત દેસાઈ અને માનવ ઠક્કરને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે.

વર્લ્ડ રેન્કિંગમાં ૫૬મું સ્થાન ધરાવતી મનિકાની ગેરહાજરીમાં ૯૭મો ક્રમાંક ધરાવતી સુતીર્થા મુખર્જીને ટીમની કેપ્ટન બનાવવામાં આવી છે. તેની સાથે અયહિકા મુખર્જી (૧૩૧મો ક્રમ) અને અર્ચના કામથ (૧૩૨મો ક્રમાંક)ને ટીમમાં તક મળી છે. વેટરન ટેબલ ટેનિસ સ્ટાર શરથ કમલને મેન્સ ટીમનું નેતૃત્વ કરવા માટે પસંદ કરવામાં આવ્યો છે. તે રેન્કિંગમાં ૩૩માં સ્થાને છે. આ ઉપરાંત ભારતીય ટીમમાં ૩૮મો ક્રમાંકિત જી. સાથિયાન, ૭૨મો ક્રમાંકિત હરમીત દેસાઈ, ૧૩૪મો ક્રમ ધરાવતો માનવ ઠક્કર અને ૨૪૭નું સ્થાન ધરાવતો સનિલ શેટ્ટી પણ સામેલ છે. 

એશિયન ટેબલ ટેનિસમાં ચીન ભાગ લેવાનું નથી, જેના કારણે ભારતની મેડલ જીતવાની આશા વધી ગઈ છે. મનિકાએ ફેડરેશનને જાણ કરી હતી કે, તે પૂણેમાં તેના વ્યક્તિગત કોચ સાથે પ્રેક્ટિસ જારી રાખવા ઈચ્છે છે. જ્યારે ફેડરેશને કહ્યું હતુ કે, જે નેશનલ કેમ્પમાં ભાગ નહીં લે તેને ટીમમાં સામેલ કરવામાં નહીં આવે.


Gujarat