For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હેડ કોચ રાહુલ દ્રવિડના માર્ગદર્શન હેઠળ રમવું યાદગાર રહેશે : પૂજારા

- ટેકનિકમાં બદલાવ લાવ્યા વગર નિર્ભિક બનીને બેટિંગ કરીશ

- 'ત્રણ વર્ષથી સદી નથી ફટકારી તેનું દબાણ નથી, ઈંગ્લેન્ડ સામે ૯૧ અને ૬૧ની ઈનિંગ રમી હતી'

Updated: Nov 23rd, 2021

Article Content Imageકાનપુર, તા. ૨૩

કોહલીએ ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં બ્રેક લીધો છે ત્યારે ભારતની કેપ્ટન્સી રહાણે સંભાળશે અને પૂજારા વાઈસ કેપ્ટન રહેશે. રોહિત શર્મા અને હવે રાહુલ પણ ૨૫ નવેમ્બરથી કાનપુરમાં શરૃ થઈ રહેલી ટેસ્ટમાં નહીં હોય ત્યારે બેટિંગ વિભાગમાં રહાણે અને પૂજારાની વિશેષ જવાબદારી રહેશે.

પૂજારાએ આ ટેસ્ટ અગાઉ એજન્સીને આપેલી મુલાકાતમાં આત્મવિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે મેં મારી ટેકનિકમાં બદલાવ નથી લાવ્યો પણ અગાઉ કરતા હવે હું વધુ નિર્ભિકતાથી રમતો થયો છું. જેને લીધે ઈંગ્લેન્ડ સામેની છેલ્લે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં મેં પણ એક પ્રકારની  હળવાશ અનુભવી હતી. મારો ધ્યેય તો ટીમની બેટિંગ લાઈનઅપ અને સ્કોરને સંગીન બનાવવાનો જ રહેશે પણ અગાઉ હું એક નિશ્ચિત માનસિકતા સાથે રમતો હતો. જોકે હવે મારી બેટીંગમાં પરિવર્તન આવ્યું છે.

પૂજારાએ છેલ્લે જાન્યુઆરી ૨૦૧૯માં સદી ફટકારી હતી. ત્રણ વર્ષથી સદી વગરનો દેખાવ તેને ચિંતા કરાવે છે ? તે પ્રશ્નનો ઉત્તર આપતા તેણે કહ્યું કે 'હું ફોર્મમાં નથી તેવું કહી જ ન શકાય. સદી તે ફોર્મમાં હોવાનો કે પ્રદાનનું માપદંડ નથી. મેં ઈંગ્લેન્ડ સામે લીડ્સમાં ૯૧ અને ઓવલમાં ૬૧ રનની ઈનિંગ તેઓની ભૂમિ પર રમી હતી અને ભારતનો દેખાવ  પ્રભુત્વભર્યો પૂરવાર થાય તે જ મારૃં લક્ષ્ય રહ્યું છે.

પૂજારાએ કેપ્ટન રહાણે કે જે પણ લગભગ તેના જેવા જ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે તેના અંગે કહ્યું હતું કે રહાણે પણ ઉંચા દરજ્જાનો બેટ્સમેન છે. એકાદ મોટી ઈનિંગ તે રમશે તે સાથે જ તેના આગવા લયમાં તે આવી જશે.

હેડ કોચ તરીકે રાહુલ દ્રવિડના આગમનથી અંડર-૧૯ અને ઈન્ડિયા '' ટીમના ખેલાડીઓને પણ ખુબ ફાયદો થશે તેમ પૂજારાએ કહ્યું હતું. કેમ કે મહત્તમ યુવા ખેલાડીઓ દ્રવિડના હાથ નીચે જ નેશનલ ક્રિકેટ એકડમીમાં તૈયાર થયા છે. પૂજારા પોતે તો દ્રવિડને રોલ મોડેલ માનીને ઘડતર પામ્યો છે. હવે તેના માર્ગદર્શન હેઠળ તેની વધુ પ્રતિભા બહાર આવશે.

પૂજારાએ એમ પણ જણાવ્યું હતું કે 'હું જે રીતે પણ રમીશ પણ તેમાં મારી મૂળ ભાવના  અને લક્ષ્ય ટીમની સ્થિતિ મજબૂત કરવાની રહેશે.'

Gujarat