For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

શ્રીલંકાનો ફાસ્ટ બોલર મલિંગા ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્ત

- મલિંગાએ ટી-૨૦ ઈન્ટરનેશનલમાં સૌથી વધુ ૧૦૭ વિકેટ ઝડપી છે

- મલિંગા અગાઉ ટેસ્ટ અને વન ડેને અલવિદા કહી ચૂક્યો છે

Updated: Sep 14th, 2021

 Article Content Imageકોલંબો, તા.૧૪

અનોખી હેરસ્ટાઈલ અને બોલિંગ એક્શનની સાથે સાથે સટીક યોર્કર નાંખવા માટે જાણીતા શ્રીલંકાના ફાસ્ટ બોલર લસિથ મલિંગાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. ૩૮ વર્ષના મલિંગાએ સોશિયલ મીડિયામાં ભાવુક મેસેજ લખીને ક્રિકેટને અલવિદા કહ્યું હતુ. ટી-૨૦ ઈન્ટરનેશનલમાં સૌથી વધુ ૧૦૭ વિકેટ ઝડપવાનો રેકોર્ડ મલિંગાના નામે છે. શ્રીલંકા ૨૦૧૪માં ટી-૨૦ વર્લ્ડ કપ જીત્યું ત્યારે પણ મલિંગા જ ટીમના કેપ્ટન તરીકે હતો.

શ્રીલંકાના આ દિગ્ગજ ફાસ્ટ બોલરે અગાઉ જ ટેસ્ટ અને વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. અલબત્ત, તેને ટી-૨૦માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ લંબાવવાની આશા હતી. ગત વર્ષે જ તેણે વર્ષ ૨૦૨૦માં રમાનારા ટી-૨૦ વર્લ્ડ કપમાં શ્રીલંકાનું પ્રતિનિધિત્વ કરવાની ખ્વાઈશ વ્યક્ત કરી હતી. જોકે કોરોનાના કારણે વર્લ્ડ કપને એક વર્ષ માટે સ્થગિત કરવો પડયો હતો. મલિંગાએ ટી-૨૦ ઈન્ટરનેશનલમાં સૌથી વધુ પાંચ હેટ્રિક પણ ઝડપી હતી.

મલિંગાએ સોશિયલ મીડિયામાં લખ્યું કે, હું ટી-૨૦ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરવાની સાથે ક્રિકેટના તમામ ફોર્મેટને અલવિદા કહી રહ્યો છું. મારી કારકિર્દીમાં મદદરૃપ થનારા તમામનો હું આભાર માનું છું. આગામી વર્ષોમાં મારા અનુભવોને યુવા ખેલાડીઓ સાથે વહેંચવા માટે હું તૈયાર રહીશ.

મલિંગાએ ૧૨૨ આઇપીએલ મેચમાં ૧૭૦ વિકેટ ઝડપી હતી. તેણે ૮૪ ટી-૨૦ ઈન્ટરનેશનલમાં ૧૦૭, ૨૨૬ વન ડેમાં ૩૩૮ અને ૩૦ ટેસ્ટમાં ૧૦૧ વિકેટ ઝડપી હતી.

Gujarat