Get The App

IPL 2026 : RCBને જોરદાર ઝટકો! પ્લે-ઓફ મેચ પહેલા જ મેચ વિનર ખેલાડી ઈજાના કારણે સ્વદેશ પરત

Updated: May 23rd, 2026

GS TEAM

Google News
Google News
IPL 2026 : RCBને જોરદાર ઝટકો! પ્લે-ઓફ મેચ પહેલા જ મેચ વિનર ખેલાડી ઈજાના કારણે સ્વદેશ પરત 1 - image

RCB Batter Jacob Bethell Ruled Out of Playoffs : ઈન્ડિયન પ્રીમિયર લીગના પ્લે-ઓફ મુકાબલા શરૂ થાય તે પહેલા જ ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના કેમ્પમાંથી એક મોટા આવ્યા છે. આરસીબીનો સ્ટાર ઓલરાઉન્ડર જેકબ બેથેલ ડાબા હાથની આંગળીમાં ગંભીર ઈજાના કારણે ચાલુ આઈપીએલમાંથી બહાર થઈ ગયો છે. તે હવે વધુ સારવાર અને મેડિકલ ચેકઅપ માટે પોતાના વતન ઇંગ્લેન્ડ પરત ફરી રહ્યો છે.

ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડએ સત્તાવાર નિવેદન જાહેર કરીને આ વાતની પુષ્ટિ કરી છે. ઈંગ્લેન્ડ ટીમ મેનેજમેન્ટ માટે ચિંતાની વાત એ છે કે આગામી 4 જૂનના રોજ લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ ટેસ્ટ મેચ રમાવાની છે, અને બેથેલ તેમાં રમી શકશે કે નહીં તે અંગે સસ્પેન્સ સર્જાયું છે.

પંજાબ કિંગ્સ સામેની મેચમાં આંગળી ફ્રેક્ચર થઈ!

પંજાબ કિંગ્સ સામે રમાયેલી રોમાંચક મેચ દરમિયાન જેકબ બેથેલને ડાબા હાથની આંગળીમાં ગંભીર ઇજા થઈ હતી. આ ઇજા એટલી ગંભીર હતી કે તે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની છેલ્લી લીગ મેચ પણ રમી શક્યો નહોતો. હવે આરસીબી મેનેજમેન્ટે પુષ્ટિ કરી છે કે પ્લે-ઓફની બાકીની મેચોમાં બેથેલ રમી શકશે નહીં. 

IPL 2026 : RCBને જોરદાર ઝટકો! પ્લે-ઓફ મેચ પહેલા જ મેચ વિનર ખેલાડી ઈજાના કારણે સ્વદેશ પરત 2 - image

ફિલ સોલ્ટની ગેરહાજરીમાં વિરાટ સાથે કરી હતી ઓપનિંગ

સ્ટાર ઓપનર ફિલ સોલ્ટ ઇંગ્લેન્ડ પરત ફર્યા બાદ આરસીબીએ જેકબ બેથેલને વિરાટ કોહલી સાથે ઓપનિંગમાં ઉતાર્યો હતો. જો કે, બેથેલ આ સીઝનમાં રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. તેણે રમેલી 7 મેચમાં માત્ર 96 રન બનાવ્યા હતા. તેમ છતાં, તેની વિસ્ફોટક ઓલરાઉન્ડ ક્ષમતા પ્લે-ઓફ જેવી મોટી મેચોમાં ટીમ માટે એક્સ-ફેક્ટર સાબિત થઈ શકી હોત, જે હવે જોવા મળશે નહીં.

વેંકટેશ અય્યર પર મોટી જવાબદારી, નવો ઓપનિંગ પ્લાન

બેથેલ ઇજાગ્રસ્ત થતાં હૈદરાબાદ સામેની છેલ્લી મેચમાં કિંગ કોહલી સાથે વેંકટેશ અય્યર ઓપનિંગ કરવા મેદાનમાં ઉતર્યો હતો. હવે ક્વાલિફાયર 1 જેવી મોટી મેચમાં પણ વેંકટેશ અય્યર જ વિરાટ સાથે ઓપનિંગની કમાન સંભાળે તેવી પૂરેપૂરી સંભાવના છે. આરસીબી માટે હવે પ્લેઇંગ ઇલેવનનું બેલેન્સ જાળવી રાખવું મોટો પડકાર બની રહેશે.

26 મેના રોજ ધર્મશાલામાં ગુજરાત ટાઇટન્સ સામે મહાજંગ

આઈપીએલ 2026ના પોઈન્ટ ટેબલ મુજબ ડિફેન્ડિંગ ચેમ્પિયન આરસીબી પ્લે-ઓફ માટે ક્વોલિફાય થઈ ચૂકી છે. આગામી 26 મેના રોજ હિમાચલ પ્રદેશ સ્ટેડિયમ, ધર્મશાલા ખાતે ક્વાલિફાયર 1 માં આરસીબીનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે થવાનો છે. આ મેચ જીતનારી ટીમ સીધી જ 31 મે ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ગ્રાન્ડ ફિનાલેમાં એન્ટ્રી મેળવશે.