For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આજથી ચેન્નાઈમાં બીજી ટેસ્ટઃ ભારત પરાજય ભૂલીને ઇંગ્લેન્ડ સામે ઉતરશે

ઇંગ્લેન્ડ રોટેશન પોલિસીને વળગી રહ્યુઃ

બીજી ટેસ્ટમાં એન્ડરસનના સ્થાને બ્રોડ રમશે

Updated: Feb 12th, 2021

Article Content Image

- ગુજરાતના  અક્ષર પટેલને કારકિર્દીની પ્રથમ ટેસ્ટ રમવા મળે તેવી અટકળ

- કુલદીપ યાદવ મુખ્ય સ્પિનર તરીકે ઉતરે તેવી  સંભાવનાઃ દરરોજે ૧૫,૦૦૦ પ્રેક્ષકોને આવવા દેવાની મંજૂરી

ચેન્નાઈ, 12 ફેબ્રુઆરી 2021, શુક્રવાર

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ ચેન્નાઈમાં આવતીકાલથી શરુ થવાની છે. ભારત ટેસ્ટ શ્રેણી સરખી કરવા માટે આતુર છે તો ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં તેની સરસાઈ વધારવાની તૈયારી સાથે ઉતરશે. પ્રથમ ટેસ્ટમાં પરાજયના પગલે ભારત ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી વિજયના નશામાંથી બહાર આવી ગયું છે. બીજી ટેસ્ટમાં ફિટ થઈ ગયેલા અક્ષર પટેલ અને સરપ્રાઇઝ તરીકે હાર્દિક પંડયાને પણ ઉતારવામાં આવી શકે છે. કેપ્ટન કોહલીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે બેટિંગ અને બોલિંગ યુનિટ બંનેએ ઘણો સુધારો કરવાની જરૃર છે અને ખાસ કરીને ટોપ ઓર્ડરે ક્લિક થવાની જરૃર છે. 

અક્ષર પટેલને ટેસ્ટ કેપ મળી શકે

અક્ષર પટેલને પહેલી ટેસ્ટમાં જ રમાડવાનો હતો, પરંતુ તે ફિટ ન હોવાના લીધે તેને રમાડી શકાયો ન હતો. બીજી ટેસ્ટની પીચ પહેલા જ દિવસથી ટર્ન થાય તેમ માનવામાં આવે છે.આમ ગુજરાતના અક્ષર પટેલને ટેસ્ટ કેપ મળશે તેમ માનવામાં આવે છે.પીચ પહેલા જ દિવસથી ટર્ન લેવાની હોઈ ભારત ત્રણ સ્પિનરો સાથે ઉતરે તેમ માનવામાં આવે છે. આ સ્પિનરોમાં અશ્વિન, અક્ષર પટેલ અને કુલદીપ યાદવનું સ્થાન નિશ્ચિત મનાય છે. જ્યારે શાહબાઝ નદીમ અને વોશિંગ્ટન સુંદરને પડતા મૂકાય તેમ મનાય છે. 

ઇંગ્લેન્ડે રોટેશન પોલિસી જાળવી ચાર ફેરફાર કર્યા

ઇંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટના વિજય પછી પણ બીજી ટેસ્ટમાં એન્ડરસન અને બ્રોડની ભાગીદારીની લાલચ જતી કરી છે અને એન્ડરસનને આરામ આપવાનો અને તેના સ્થાને બ્રોડને રમાડવાનો નિર્ણય લીધો છે. આ સિવાય જોફ્રા આર્ચર ઇજાગ્રસ્ત હોવાથી રમી નહી શકે. તેથી ક્રિસ વોક્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. ડોમ બેસના સ્થાને મોઇન અલીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોસ બટલરના સ્થાને બેન ફોક્સનો સમાવેશ કરાયો છે. એન્ડરસન અને આર્ચર બંનેની ગેરહાજરીથી ઇંગ્લેન્ડનું બોલિંગ આક્રમણ એકદમ સામાન્ય લાગવા માંડયું છે અને ઇંગ્લેન્ડ માટે સૌથી મોટો પડકાર ૨૦ વિકેટ ઝડપવાનો રહેશે. ઇંગ્લેન્ડ પહેલી ટેસ્ટ જીત્યા પછી પણ બીજી ટેસ્ટને હળવાશથી નહી લે, તેને ૨૦૧૭ના ઓસ્ટ્રેલિયાના પ્રવાસના રેકોર્ડની ખબર છે, તે સમયે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ટેસ્ટ જીત્યા પછી બાકીની ટેસ્ટ હારીને સિરીઝ ગુમાવી હતી. 

સ્ટેડિયમને ૫૦ ટકા પ્રેક્ષકોથી ભરવાની છૂટ

ભારતની તરફેણમાં બીજું મહત્ત્વનું પાસુ એ હશે કે સ્ટેડિયમ ૫૦ ટકા ક્ષમતાએ ભરેલું હશે. આમ તેને ઘરઆંગણાના પ્રેક્ષકોનું સમર્થન મળશે. તમિલનાડુ ક્રિકેટ એસોસિયેશને ૧૫,૦૦૦ પ્રેક્ષકોને સ્ટેડિયમમાં આવવા દેવાની મંજૂરી આપી છે. આ મંજૂરી દૈનિક ધોરણે આપવામાં આવી છે. પ્રેક્ષકોએ કોવિડ-૧૯ના પ્રોટોકોલનું પાલન કરવું પડશે. 

ભારતઃ કોહલી (કેપ્ટન), રહાણે (વાઇસ કેપ્ટન), રોહિત શર્મા, ગીલ, પૂજારા, પંત (વિ.કી.), અશ્વિન, બુમરાહ, ઇશાંત શર્મા, સિરાજ, સુંદર, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, પંડયા, મયંક અગરવાલ, કેએલ રાહુલ, સહા, ઠાકુર

ઇંગ્લેન્ડઃ રુટ (કેપ્ટન), સિબલી, બર્ન્સ, પોપ, લોરેન્સ, સ્ટોક્સ, બેન ફોક્સ (વિ.કી.), મોઇન અલી, વોક્સ, બ્રોડ, લીચ, ઓલી સ્ટોન


Gujarat