Vaibhav Sooryavanshi: વૈભવ સૂર્યવંશી શ્રીલંકા-એ સામેની વનડે મેચમાં ખરાબ રીતે ફ્લોપ રહ્યો છે. આજે એટલે કે 9 જૂને ભારત-એ અને શ્રીલંકા-એ (IND A vs SL A) વચ્ચે ટ્રાય સિરીઝની પ્રથમ મેચ રમાઈ રહી છે. ભારતીય ટીમ જ્યારે પ્રથમ બેટિંગ કરવા આવી ત્યારે વૈભવ સૂર્યવંશી અને પ્રભસિમરન સિંહે ઓપનિંગની જવાબદારી સંભાળી હતી. પરંતુ વૈભવ માત્ર 14 રન બનાવીને આઉટ થઈ ગયો.
ઑરેન્જ કેપ વિનર વૈભવ સૂર્યવંશી શ્રીલંકામાં ફ્લોપ
ટીમ ઇન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી. વૈભવે શાનદાર શરૂઆત કરી, પરંતુ શ્રીલંકન બોલર મોહમ્મદ સિરાજે વૈભવને 14 રનના સ્કોર પર આઉટ કરી દીધો. આ નાની ઇનિંગ્સમાં વૈભવે 3 ચોગ્ગા ફટકાર્યા હતા. આ પહેલા IPL 2026માં વૈભવ ઑરેન્જ કેપ જીતીને આવી રહ્યો છે, પરંતુ શ્રીલંકામાં તે ફ્લોપ રહ્યો છે.
વૈભવ માટે આ ટ્રાય સિરીઝ તૈયારીની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ
વૈભવ માટે આ ટ્રાય સિરીઝ તૈયારીની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે આયર્લૅન્ડ અને ઇંગ્લૅન્ડ પ્રવાસ ઉપરાંત એશિયન ગેમ્સ માટે પણ તેની ટીમ ઇન્ડિયામાં પસંદગી કરવામાં આવી છે. પ્રથમ પ્રયાસમાં વૈભવ ફેલ ગયો છે, પરંતુ આગામી પ્રવાસની તૈયારી માટે તેને આ ટ્રાય સિરીઝમાં ઓછામાં ઓછી ત્રણ ઇનિંગ્સ મળશે.
તેણે પોતાના લિસ્ટ-એ કરિયરમાં અત્યાર સુધીમાં 8 મેચોમાં 353 રન બનાવ્યા છે અને તેની એવરેજ 44.12ની રહી છે. વનડે મેચોમાં પણ વૈભવ તોફાની સ્ટ્રાઇક રેટથી રમતો આવ્યો છે. લિસ્ટ-એ કરિયરમાં તેનો સ્ટ્રાઇક રેટ હાલ 165નો છે. જ્યારે છેલ્લી વખત વૈભવ રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપમાં ઇન્ડિયા-એ માટે રમ્યો હતો, ત્યારે તેણે માત્ર 42 બોલમાં 144 રનની ઇનિંગ રમીને ઇતિહાસ રચી દીધો હતો.
આ ટ્રાય સીરિઝની વાત કરીએ તો શ્રીલંકા બાદ તેનો મુકાબલો 11મી જૂને અફઘાનિસ્તાન-એ સાથે થવાનો છે. 15 જૂને ભારત-એ શ્રીલંકા સામે ટકરાશે અને 17 જૂને ભારતીય ટીમ ફરી એકવાર અફઘાનિસ્તાન સામે ટકરાશે.


