For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભગવાન રામ બોલાવે તો જરૂર આવીશ, પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાને ભગવાન રામના દર્શન કરવાની ઇચ્છા

Updated: Aug 11th, 2020


ઇસ્લામાબાદ, તા. 11 ઓગસ્ટ 2020, મંગળવાર

પાકિસ્તાનના પ્રતિબંધિત લેગ સ્પીનર દાનિશ કનેરિયાએ અયોધ્યામાં રામ મંદિરના થયેલા ભૂમિપૂજન અંગે આનંદ વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું હતું કે મારી પણ રામના દર્શન કરવાની ઉત્કટ ઇચ્છા છે. ભગવાન રામનું તેડું આવશે તો હું જરૂર અયોધ્યા આવીશ. પાંચમી ઑગષ્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ મંદિર માટે ભૂમિપૂજન કર્યું હતું. 

દાનિશે આ પ્રસંગે ટ્વીટર પર એવો સંદેશો પણ લખ્યો હતો કે અયોધ્યા આપણું એક તીર્થસ્થળ છે. એક યાત્રાધામ છે. હું એક શ્રદ્ધાળુ હિન્દુ યુવાન છું. સદા  ભગવાન રામે સૂચવેલા માર્ગ પર ચાલવાનો પ્રયાસ કરું છું.  એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં દાનિશે કહ્યું કે ભગવાન રામની આજ્ઞા થશે તો હું જરૂર અયોધ્યા આવીશ અને ભગવાન રામના દર્શન કરીશ. તેણે કહ્યું કે એક શ્રદ્ધાળુ હિન્દુ હોવાથી હું સતત ભગવાન રામે ચીંધેલા માર્ગે ચાલવાના પ્રયાસ કરું છું. બાળપણથી અમે રામાયણ સિરિયલ જોતાં રહ્યા છીએ અને રામ ચરિત માનસ વાંચતા રહ્યા છીએ. ભગવાન રામના આદર્શોને અમે પૂજતા રહ્યા છીએ. 

દાનિશની આ ટ્વીટને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો હતો. ઘણા લોકોએ એને કાયમ માટે ભારત આવીને વસવાની અપીલ પણ કરી હતી.

એના કેટલાક ચાહકોએ એને ચેતવ્યો પણ હતો કે પાકિસ્તાનમાં રહીને આ રીતે ટ્વીટ કરવાથી તારા જાનને જોખમ થઇ શકે છે. તારી વિરુદ્ધ મૌલાનાઓ ફતવો જાહેર કરી શકે છે. માટે સાવચેત રહેજે. આ રીતે ટ્વીટર પર અભિપ્રાય આપવાથી નાહક કેટલાક લોકો ઉશ્કેરાઇ શકે છે એ તારે ધ્યાનમાં રાખવું જોઇએ.  જો કે મોટા ભાગના લોકોએ એને બિરદાવ્યો હતો અને અયોધ્યા આવીને ભગવાન રામના દર્શન કરવાનું જણાવ્યું હતું. 

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના બેવડાં ધોરણોની જાહેરમાં ટીકા કરવા બદલ એના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

Gujarat