For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઓસી. કેપ્ટન બિભત્સ મેસેજ મોકલી ન શકે, તો શું ક્રિકેટરને તેમ કરવાની છુટ ?

- ડેવિડ વોર્નરની પત્ની કેન્ડિસનો ઓસ્ટ્રેલિયન બોર્ડને વેધક સવાલ

- બિભત્સ ટેક્સ્ટ મેસેજ મોકલવાના પ્રકરણમાં પેઈનને ખેલાડી તરીકે ચાલુ રાખવાનો બોર્ડનો નિર્ણય બેવડા ધોરણો દર્શાવે છે

Updated: Nov 24th, 2021

Article Content Imageસીડની, તા.૨૪

ઓસ્ટ્રેલિયાના ટીમ પેઈને ચાર વર્ષ પહેલા તેની ઘરઆંગણાની ટીમની મહિલા સહકર્મીને બિભત્સ ટેક્સ્ટ મેસેજ કર્યા હતા. જે વિવાદ ત્યાર બાદ શાંત પણ થઈ ગયો હતો. હવે એશિઝનું કાઉન્ટડાઉન શરૃ થઈ ગયું છે, ત્યારે પેઈને આ વિવાદને પગલે કેપ્ટન્સી છોડી દીધી છે. જોકે તેને એક ખેલાડી તરીકે ટીમમાં જારી રાખવાનો નિર્ણય લેવાયો છે. ઓસ્ટ્રેલિયન બોર્ડના આ નિર્ણય સામે ટીમના સીનિયર પ્લેયર ડેવિડ વોર્નરની પત્ની કેન્ડિસે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.

કેન્ડિસે એક રેડિયો સ્ટેશન સાથેની મુલાકાતમાં કહ્યું કે, ઓસ્ટ્રેલિયન બોર્ડે જે પ્રકારે પગલાં લીધા તેનાથી એક સ્પષ્ટ મેસેજ જાય છે કે, ઓસ્ટ્રેલિયન કેપ્ટન તરીકે તમે મહિલા સહકર્મીને બિભત્સ ટેક્સ્ટ મેસેજ ન મોકલી શકો, પણ જો તમે એક ખેલાડી હો તો તેમને તેમ કરવાની છુટ છે ! ઓસ્ટ્રેલિયન બોર્ડના નિર્ણયથી આ પ્રકારનો મેસેજ ક્રિકેટ જગતમાં ગયો છે, જેનાથી તે ખુબ જ ચિંતિત છે.

ભૂતપૂર્વ આયર્ન લેડીએ કહ્યું કે, ઓસ્ટ્રેલિયન બોર્ડના આવા બેવડા ધોરણો આંચકો આપે તેવા છે. એક ઓસ્ટ્રેલિયન ક્રિકેટરની પત્ની હોવાના કારણે મને બોર્ડના આવા નિર્ણયથી મને ચિંતા થાય છે. તેણે ઊમેર્યું કે, ખેલાડીઓ તો પેઈનના સમર્થનમાં આગળ આવ્યા છે.જોકે સમર્થનની ખરી જરુરિયાત તો તેની પરિવારજનોને છે.

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ જગતમાં ફરી એક વખત કેપ્ટન્સી અંગે વિવાદ સર્જાયો છે. બોલ ટેમ્પરિંગ બદલ સ્મિથ-વોર્નરને એક વર્ષના પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો. હવે સ્મિથને કેપ્ટન બનાવવાની અટકળો ચાલી રહી છે, ત્યારે કેટલાક ભૂતપૂર્વ ક્રિકેટરોમાં નારાજગી છે. ઈયાન હિલીએ સ્મિથને કેપ્ટન બનાવવાની ચર્ચાને સર્કસનો ભાગ ગણાવ્યો હતો. તેણે કહ્યું કે, હું સ્મિથનો વિરોધી નથી, પણ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા માટે આ પરિસ્થિતિ સર્કસ જેવી થઈ ગઈ છે. 

Gujarat