બ્રાઝિલ સામેની મેચ ૦-૦થી ડ્રો થયા બાદ આર્જેન્ટીના ફિફા વર્લ્ડ કપમાં ક્વોલિફાય
- નોર્વેને હરાવીને નેધરલેન્ડે વર્લ્ડકપમાં સ્થાન મેળવ્યું
- વેલ્સ-બેલ્જીયમની મેચ ૧-૧થી ડ્રો : ફ્રાન્સે ૨-૦થી ફિનલેન્ડને હરાવ્યું
Updated: Nov 17th, 2021
સાઓ પાઉલો,
તા.૧૭
આર્જેન્ટીનાએ બ્રાઝિલ સામેની હાઈવોલ્ટેજ ફૂટબોલ મેચ ૦-૦થી
ડ્રો કર્યા બાદ આવતા વર્ષે યોજાનારા ફિફા વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરી લીધું છે.
આ સાથે મેસી કારકિર્દીનો પાંચમો અને સંભવતઃ અંતિમ વર્લ્ડ કપ રમશે, જેમાં તે
આર્જેન્ટીનાને વર્લ્ડ ચેમ્પિયન બનાવી શકે છે કે, નહીં તે જોવાનું રહેશે. આર્જેન્ટીનાએ બ્રાઝિલ સામેની મેચ
૦-૦થી ડ્રો કરી હતી. જે પછી ચિલીનો ઘરઆંગણે ત્રીજું સ્થાન ધરાવતા એક્વાડોર સામે
૨-૦થી પરાજય થયો હતો. જેના કારણે બીજા સ્થાને રહેલા આર્જેન્ટીનાએ વર્લ્ડ કપમાં
સ્થાન નિશ્ચિત કર્યું હતુ. અગાઉ બ્રાઝિલ પણ ફિફા વર્લ્ડ કપમાં ક્વોલિફાય થઈ
ચૂક્યું છે.
નેધરલેન્ડે નોર્વેને ૨-૦થી હરાવીને આવતા વર્ષે કતારમાં
યોજાનારા ફિફા વર્લ્ડ કપમાં સ્થાન હાંસલ કર્યું હતુ. સ્ટીવન બેર્જવિજન અને મેમ્ફિસ
ડેપાયે ૧-૧ ગોલ નોંધાવ્યા હતા. વેલ્સ અને બેલ્જીયમની મેચ ૧-૧થી ડ્રો રહી હતી.
કેવિન ડિ બુ્રયને ૧૨મી મિનિટે નોંધાવેલા ગોલની સામે વેલ્સને ૩૨મી મિનિટે કૈફેર
મૂરેએ બરોબરી અપાવી હતી. બ્રાબેેક અને સીકોરીના ગોલની મદદથી ચેક રિપબ્લિક ૨-૦થી
ઈસ્ટોનિયા સામે જીત્યુ હતુ. તુર્કીએ ૨-૧થી મોન્ટેનેગ્રોને મહાત કર્યું હતુ.
ફિફા વર્લ્ડ કપમાં ક્વોલિફાય થઈ ચૂકેલા વર્લ્ડ ચેમ્પિયન ફ્રાન્સે બેન્ઝેમા અને એમ્બાપ્પેના ગોલને સહારે ૨-૦થી ફિનલેન્ડને પરાસ્ત કર્યું હતુ. આ સાથે ફિનલેન્ડની વર્લ્ડ કપના પ્લે ઓફમાં રમવાની આશા પણ સમાપ્ત થઈ ગઈ હતી.