For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આજે રાંચીમાં ભારત ન્યુઝીલેન્ડ સામે ટી-૨૦ની શ્રેણીમાં વિજય નિશ્ચિત કરવા ઉતરશે

- ત્રણ ટી-૨૦ની શ્રેણીમાં ભારતની ૧-૦થી સરસાઈ છે : સાંજે ૭થી મેચનો પ્રારંભ

- નવનિયુક્ત હેડ કોચ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્માના યુગનો શુભારંભ થતા ભાવિ માટે સુખદ આશા બંધાઈ

Updated: Nov 18th, 2021

Article Content Imageરાંચી, તા. ૧૮

ભારતે ટી-૨૦ વર્લ્ડ કપમાં ખરાબ દેખાવની નિરાશા ખંખેરીને વર્લ્ડ કપની ફાઈનલીસ્ટ ન્યુઝીલેન્ડ સામેની ઘરઆંગણે ત્રણ મેચની શ્રેણીનો પ્રારંભ પણ કરી દીધો છે. શ્રેણીની પ્રથમ ટી-૨૦માં ભારતે આખરી ઓવરમાં ન્યુઝીલેન્ડને પરાજય આપીને ૧-૦થી સરસાઈ મેળવી લીધી છે. હવે ભારત આવતીકાલે ન્યુઝીલેન્ડ સામે શ્રેણી જીતવા માટે ઉતરશે. જ્યારે ન્યુઝીલેન્ડ મેચ જીતીને શ્રેણી જીવંત રાખતા જોરદાર ટક્કર આપશે.

ચાહકો અને ભારતીય ક્રિકેટ બોર્ડની પ્રથમ ટી-૨૦ મેચના ભારતના દેખાવ પર એવી રીતે પણ નજર હતી કે રવિશાસ્ત્રીની હેડ કોચ તરીકેની ટર્મ પૂરી થયા બાદ નવનિયુક્ત હેડ કોચ રાહુલ દ્રવિડના માર્ગદર્શનમાં ટીમ કેમ્પમાં વાતાવરણ કેવું જોઈ શકાય છે. આ ઉપરાંત કોહલીએ ટી-૨૦ની કેપ્ટન્સી સામે ચાલીને છોડી દીધી છે તે પછી રોહિત શર્માની કેપ્ટનસી હેઠળ પ્રથમ જ મેચમાં ભારતે વિજયી શુભારંભ કર્યો તેથી ટીમનો જુસ્સો વધી ગયો છે.

કોચ રાહુલ દ્રવિડ પોતે નેશનલ ક્રિકેટ એકડમીનો ડાયરેક્ટર રહી ચૂક્યો છે. તેના હાથ નીચે ઘણા યુવા આશાસ્પદ ખેલાડીઓ તૈયાર થયા છે. રાહુલ દ્રવિડની ટર્મ હેઠળ ભારત આવતા વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી-૨૦ વર્લ્ડ કપ અને તે પછી ૨૦૨૩માં ભારતમાં રમાનાર વન ડેનો વર્લ્ડ કપ રમશે. રાહુલ દ્રવિડ અગાઉથી જ કહી ચૂક્યો છે કે આવતા વર્ષના ટી-૨૦ વર્લ્ડ કપની તૈયારી ન્યુઝીલેન્ડ સામેની ત્રણ ટી-૨૦ શ્રેણીથી જ કરવા માંગે છે.

ભારતને પ્રથમ ટી-૨૦ મેચમાં ન્યુઝીલેન્ડ સામેના વિજયની વિશેષ ખુશી થઇ હશે તેનું એક કારણ એ છે કે બેટિંગ બોલિંગ અને ફિલ્ડિંગ ત્રણેય ડિપાર્ટમેન્ટમાં ભારત વધુ ચઢિયાતુ અને જોમવંતુ લાગતું હતું.

ટેસ્ટ, વન ડે અને ટી-૨૦ ત્રણેય ફોરમેટમાં ભારત કુલ મળીને ન્યુઝીલેન્ડ સામે સાત મેચ સતત હાર્યું હતું. આમ આ હારમાળા તૂટી તે રીતે પણ કાલનો વિજય મહત્ત્વનો હતો.

રોહિત શર્મા આ ત્રણ ટી-૨૦ મેચમાં કેપ્ટન્સી કર્યા બાદ ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી આરામ કરવાનો હોઈ રમવાનો નથી. તે અઢી અઠવાડિયા પછી ફરી ભારતીય ટીમ જોડે જોડાશે. તે કાલે રાંચીમાં રમાનાર બીજી ટી-૨૦ મેચ જીતીને શ્રેણીમાં ૨-૦થી અજેય સરસાઈ સામે નિશ્ચિંત બનવા માંગતો હશે. આખરી ત્રીજી ટી-૨૦ રવિવારે કોલકાતામાં છે.

ટી-૨૦ શ્રેણી અને પ્રથમ ટેસ્ટમાં લાંબા ક્રિકેટને લીધે બ્રેકમાં ઉતરેલ કેપ્ટન કોહલીના સ્થાને મિડલ ઓર્ડરમાં સૂર્યકુમાર યાદવે પ્રથમ ટી-૨૦માં પ્રભાવી પ્રારંભ કરતી જોરદાર ઇનિંગ રમી હતી. તેણે ૪૨ બોલમાં મેચ વિનિંગ ૬૨ રન ફટકાર્યા હતા. આમ તો ભારતને નિશ્ચિત વિજય માટે આખરી ઓવરના લગભગ અંત સુધી જવું પડે તેવી સ્થિતિ જ નહોતી પણ શ્રેયસ ઐયર અને પંત કોઈ જ દબાણ નહતું છતા રક્ષણાત્મક રમતા હતા જેના લીધે થોડા તનાવ આખરી બે ઓવરમાં સર્જાયો હતો.

શ્રેયસ ઐયર ઘણા લાંબા સમય અને બ્રેક પછી રમતો હોઈ બેટના મીડલમાં શોટ નહોતો લાવી શક્તો તે સામે છેડે સ્ટ્રાઇક પણ નહતો આપી શક્તો. તેણે આઠ બોલમાં પાંચ રન કર્યા હતા.

ભુવનેશ્વર કુમારે તેની બોલિંગની આગવી પકડ મેળવી હતી. તેવી જ રીતે અશ્વિને પણ વેધક સ્પિન બોલિંગ નાંખી હતી. હજુ ઓછા અનુભવી બોલરોને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તૈયાર થતા ઘણુ ધ્યાન આપવાની જરૃર છે તેમ લાગ્યું.

ભુવનેશ્વર કુમાર પાકિસ્તાન સામેની હારમાં ખરાબ દેખાવ પછી ટી-૨૦ વર્લ્ડ કપની મેચોમાં પડતો મુકાયો હતો હવે તેણે લય મેળવી લીધો છે.

આઈપીએલમાં ભુવનેશ્વર કુમારનો સનરાઇઝર્સ હૈદ્રાબાદ માટે પણ નિષ્ફળ દેખાવ રહેલો. તેણે છ મેચમાં ૭.૦૪ રનના ઇકોનોમી રેટથી ત્રણ જ વિકેટ ઝડપી હતી.

આમ છતા કોચ દ્રવિડ માને છે કે ૩૧ વર્ષીય ભુવનેશ્વરમાં હજુ આવતા વર્લ્ડ કપમાં સ્ટ્રાઇક બોલર તરીકેની પ્રતિભા પડેલી છે.

ભુવનેશ્વરે ૨૪ રનમાં ૨ અને અશ્વિને ૨૩ રનમાં બે વિકેટ ઝડપી હતી.

ન્યુઝીલેન્ડ ૧૮૦ જેટલા રન કરશે તેમ લાગતું હતું પણ ડેથ ઓવરમાં ભારતે ૧૫ રન બચાવ્યા હતા.

રોહિત શર્મા કાલની મેચમાં ખાસ કોઈ ફેરફાર કરે તેમ લાગતું નથી. લોઅર મીડલ ઓર્ડરને હજુ તેમનું ફોર્મ અને ફૂટવર્ક મેળવવાનું છે.

સિરાજને ન્યુઝીલેન્ડની બેટિંગ દરમ્યાન સાન્ટનરનો ફટકો પગ પર વાગ્યો હતો તેની ફિટનેસ પર પ્રશ્નાર્થ છે.

ન્યુઝિલેન્ડની કેપ્ટન્સી સાઉથી કરે છે. ચેપમેનની અડધીસદી તથા ગપ્ટીલનું ફોર્મ ભારતને માટે પડકાર કરી શકે છે. યુએઇની જેમ ભારતમા પણ ઝાકળને લીધે બીજી બેટિંગ કરનાર ટીમને ફાયદો રહેશે.

Gujarat