For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

એટીપી ફાઈનલ્સ : ઝ્વેરેવ સામે મેડ્વેડેવનો ત્રણ સેટના સંઘર્ષમાં વિજય

- રુબ્લોવે સિત્સિપાસને હરાવીને અપસેટ સર્જ્યો

- મેડ્વેડેવે બે કલાક અને ૩૫ મિનિટના સંઘર્ષ બાદ ઝ્વેરેવને હરાવ્યો

Updated: Nov 16th, 2021

Article Content Imageટુરિન, તા.૧૬

રશિયાના વર્લ્ડ નંબર ટુ મેડ્વેડેવે ત્રણ સેટના જબરજસ્ત સંઘર્ષ બાદ જર્મનીના ઝ્વેરેવ સામે  ૬-૩, ૬-૭(૩-૭), ૭-૬(૮-૬)થી જીત હાંસલ કરી હતી. આ સાથે મેડ્વેડેવે સળંગ બીજી ગ્રૂપ મેચમાં જીત હાંસલ કરતાં અંતિમ ચારમાં પ્રવેશવાની આશાને વધુ સુદ્રઢ બનાવી હતી. જ્યારે પાંચમો સીડ ધરાવતા રુબ્લોવે અપસેટ સર્જતાં ચોથો સીડ ધરાવતા ગ્રીસના સિત્સિપાસને ૬-૪, ૬-૪થી પરાજીત કર્યો હતો.

પ્રથમ ગ્રૂપ મેચમાં હુર્કાઝને હરાવી ચૂકેલા મેડ્વેડેવે ઝ્વેરેવ સામે બે કલાક અને ૩૫ મિનિટના જબરજસ્ત સંઘર્ષ બાદ જીત હાંસલ કરી હતી. મેડ્વેડેવનો ચાલુ સિઝનનો આ ૫૬મો વિજય મેળવતા ઝ્વેરેવની બરોબરી હાંસલ કરી હતી. જો મોડી રાતની મેચમાં હુર્કાઝ ઈટાલીના બેરેટિનીને હરાવે તો મેડવેડેવ સેમિ ફાઈનલમાં નિશ્ચિત બને તેમ છે.

વર્લ્ડ નંબર વન સર્બિયન સ્ટાર યોકોવિચે ગઈકાલે મોડી રાત્રે તેની પ્રથમ મેચમાં જીત હાંસલ કરી હતી. તેણે નોર્વેના કાસ્પર રુડને ૭-૬ (૭-૪), ૬-૨થી મહાત કર્યો હતો. જ્યારે ઝ્વેરેવ બેરેટિની સામે ૭-૬ (૯-૭), ૧-૦થી આગળ હતો, ત્યારે બેરેટિની ઈજાગ્રસ્ત બનીને ખસી ગયો હતો.

 ગ્રીસની સાક્કારી સેમિ ફાઈનલમાં : સાબાલેન્કા બહાર

ગ્રીસની મારિયા સાક્કારીએ ત્રણ સેટના ભારે લડાયક મુકાબલામાં ૭-૬ (૭-૧), ૬-૭ (૬-૮), ૬-૩થી વર્લ્ડ નંબર ટુ બેલારૃસીય ખેલાડી સાબાલેન્કાને હરાવીને ડબલ્યુટીએ ફાઈનલ્સની સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે સાબાલેન્કા બહાર ફેંકાઈ હતી. આ ટુર્નામેન્ટ મેક્સિકોમાં રમાઈ રહી છે. જ્યારે સળંગ બે મેચ જીતનારી બાડોસાને આખરી લીગ મેચમાં પોલેન્ડની સ્વિટૅકે ૭-૫, ૬-૪થી હરાવી હતી. હવે સેમિ ફાઈનલમાં બાડોસા તેના જ દેશની મુગુરુઝા સામે ટકરાશે. જ્યારે ઈસ્ટોનિયાની કોન્ટેવેઈટની ટક્કર સાક્કારી સામે થશે.

Gujarat