For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આજથી પ્રથમ ટેસ્ટ : ન્યુઝીલેન્ડ સામે સ્ટાર્સની ગેરહાજરી છતાં ટીમ ઈન્ડિયા જીતવા ફેવરિટ

- કોહલીની ગેરહાજરીમાં રહાણે કેપ્ટન : શ્રેયસ ઐયર ટેસ્ટ કેપ મેળવશે

- કાનપુરમાં સવારે ૯.૩૦ વાગ્યાથી મેચનો પ્રારંભ

Updated: Nov 24th, 2021

Article Content Imageકાનપુર, તા.૨૪

આજથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે નવી વર્લ્ડ  ટેસ્ટ ચેમ્પિયનશિપની સૌપ્રથમ શ્રેણીનો પ્રારંભ થશે. ગત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે હાર્યા બાદ ટીમ ઈન્ડિયા ઘરઆંગણે યોજાનારી શ્રેણીમાં જીતવા માટે ફેવરિટ મનાય છે. સતત ક્રિકેટથી થાકેલા ભારતીય કેપ્ટન કોહલીની સાથે રોહિત શર્મા, બુમરાહ, શમી અને પંતને આરામ આપવામાં આવ્યો છે. લોકેશ રાહુલ ઈજાના કારણે બહાર થઈ ગયો છે. આમ છતાં સ્ટેન્ડ ઈન કેપ્ટન રહાણેના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાને યુવા અને અનુભવી ખેલાડીઓના કોમ્બિનેશનને સહારે જીતની આશા છે.

કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં આવતીકાલે સવારે ૯.૩૦ વાગ્યાથી શ્રેણીની પ્રથમ ટેસ્ટ શરૃ થશે. ભારતે કોહલીના સ્થાને શ્રેયસ ઐયરને ટેસ્ટ કેપ આપવાનો નિર્ણય લીધો છે. જ્યારે ન્યુઝીલેન્ડની ટીમ કેપ્ટન વિલિયમસન તેમજ ઓલરાઉન્ડર જેમીસનના પુનરાગમનથી ઉત્સાહિત છે. ફાસ્ટર બોલ્ટને આરામ આપવામાં આવ્યો છે. સાઉથીની સાથે વાગ્નેર પણ જોડાશે. ન્યુઝીલેન્ડે ત્રણ સ્પિનરોને રમાડવાની શક્યતા વ્યક્ત કરી છે. તે જોતા આવતીકાલથી શરૃ થઈ રહેલો મુકાબલો રસપ્રદ બનશે.

બેટીંગ લાઈનઅપમાં પુજારા-રહાણેની જવાબદારી વધી

ટોચના સ્ટાર્સની ગેરહાજરીમાં ભારતીય બેટીંગ લાઈનઅપમાં ચેતેશ્વર પુજારા અને કેપ્ટન અજિંક્યા રહાણેની જવાબદારી વધી ગઈ છે. મયંક અગ્રવાલ અને શુબ્મન ગિલની ઓપનિંગ જોડી નક્કી જેવી જ છે.   જ્યારે વન ડાઉન તરીકે અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પુજારા ઉતરશે. કોહલીના સ્થાને ભારતીય ટીમ મેનેજમેન્ટે શ્રેયસ ઐયર પર પસંદગી ઉતારી છે. કેપ્ટન રહાણે પાંચમા ક્રમે બેટીંગમાં ઉતરશે તે નક્કી લાગી રહ્યું છે. ભારતીય ટીમ મેનેજમેન્ટ બેટીંગ ઓર્ડરમાં અણધાર્યા પરિવર્તન કરે તેવી શક્યતા દેખાતી નથી. વિકેટકિપર સહા તેમજ અશ્વિન-જાડેજા પણ ઉપયોગી બેટ્સમેન સાબિત થઈ શકે છે.

બંને ટીમો ત્રણ-ત્રણ સ્પિનરોનો વ્યુહ અપનાવશે?

ભારતીય પીચો પરંપરાગત રીતે સ્પિન ફ્રેન્ડલી રહેતી હોય છે અને ટીમ ઈન્ડિયા પાસે અનુભવી સ્પિનરો છે. ભારત આવતીકાલની ટેસ્ટમાં બે ફાસ્ટર અને ત્રણ સ્પિનરના વ્યુહ સાથે ઉતરી શકે છે. અનુભવી ફાસ્ટર ઈશાંત શર્માની સાથે ઉમેશ યાદવ કે મોહમ્મદ સિરાજને તક મળી શકે છે. જ્યારે અશ્વિન-જાડેજાની સ્પિન બોલિંગ જોડી તેનો કમાલ દેખાડવા માટે તૈયાર છે. અક્ષર પટેલને ત્રીજા સ્પિનર સ્થાન તરીકે તક મળી શકે છે. નેટ્સમાં જયંત યાદવે પણ લાંબા સ્પેલ નાંખ્યા હતા. ન્યુઝીલેન્ડની ટીમ પણ ત્રણ સ્પિનરો રમાડવાનો વિચાર રજુ કરી ચૂકી છે. સાઉથી અને વાગ્નેર તેમના ટોચના ફાસ્ટ બોલર્સ છે. તેની સાથે સાથે સ્પિનર તરીકે સાન્ટનર, એજાઝ પટેલ અને વિલિયન સમરવિલેને તક મળી શકે છે.

વિલિયમસન-ટેલર પર ન્યુઝીલેન્ડની બેટીંગનો મદાર

ન્યુઝીલેન્ડની બેટીંગ લાઈનઅપનો મદાર કેપ્ટન વિલિયમસન પર વિશેષ રહેશે. ટી-૨૦ શ્રેણીમાં આરામ કર્યા બાદ પુનરાગમન કરી રહેલા વિલિયમસને ક્રિકેટના તમામ ફોર્મેટમાં ન્યુઝીલેન્ડની ટીમને મુશ્કેલીમાંથી ઉગારતી કેપ્ટન ઈનિંગ રમી છે. હવે ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાં પણ તેઓ નવો કીર્તિમાન સ્થાપિત કરી શકે છે. જોકે, આ માટે તેમના બેટસમેનોએ જવાબદારી સાથે રમવું પડશે. અનુભવી બેટ્સમેન રોસ ટેલર, ઓપનર ટોમ લાથમ, હેનરી નિકોલ્સ, ટોમ બ્લન્ડેલ તેમજ વિલ યંગ, ફિલિપ્સ અને મિચેલ જેવા બેટ્સમેનોના શાનદાર દેખાવની ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમને આશા છે. જોકે ભારતીય સ્પિનર સામે ન્યુઝીલેન્ડના બેટસમેનો કેટલુ ટકી શકે છે ? તે જોવાનું રહેશે.

ભારત : રહાણે (કેપ્ટન), અગ્રવાલ, ગિલ, શ્રેયસ ઐયર, ચેતેશ્વર પુજારા, સહા (વિ.કી.), જાડેજા, અશ્વિન, અક્ષર પટેલ, ઈશાંત શર્મા, ઉમેશ યાદવ, સિરાજ, જયંત યાદવ, એસ.ભરત (વિ.કી.), પ્રસિધ ક્રિશ્ના, સુર્યકુમાર.

ન્યુઝીલેન્ડ : વિલિયમસન (કેપ્ટન), લાથમ (વિ.કી.), ટેલર, નિકોલ્સ, બ્લન્ડેલ (વિ.કી.), યંગ, ફિલિપ્સ (વિ.કી.), મિચેલ, સાઉથી, વાગ્નેર, જેમીસન, સમરવીલે, એજાઝ પટેલ, સાન્ટનર અને આર.રવિન્દ્ર.

Gujarat