For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટી-૨૦માં ભારતનો પાંચ વિકેટથી રોમાંચક વિજય

- આખરી ૩ બોલમાં ૩ રનની જરુર હતી, ત્યારે પંતે વિજયી ચોગ્ગો ફટકાર્યો

- ૧૬૫ રનના પડકાર સામે ભારતના ૧૯.૪ ઓવરમાં ૧૬૬/૫, સુર્યકુમારના ૪૦ બોલમાં ૬૨ અને રોહિત શર્માના ૪૮ રન

Updated: Nov 17th, 2021

Article Content Imageજયપુર, તા.૧૭

આખરી ત્રણ બોલમાં જીતવા માટે ત્રણ રનની જરુર હતી, ત્યારે મિચેલની બોલિંગમાં રિષભ પંતે (૧૭*) ચોગ્ગો ફટકારતાં ભારતને ન્યુઝીલેન્ડ સામેની શ્રેણીની પ્રથમ ટી-૨૦માં પાંચ વિકેટથી રોમાંચક જીત અપાવી હતી. ભારતે ૧૬૫ રનના ટાર્ગેટને ૧૯.૪ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને પાર પાડયો હતો. સુર્યકુમાર યાદવે ૪૦ બોલમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે ૬૨ રન ફટકાર્યા હતા. રોહિતે ૪૮ રનનું યોગદાન આપ્યું હતુ. જ્યારે બોલ્ટે બે વિકેટ ઝડપી હતી. હવે ૧૯મી નવેમ્બર ને રવિવારે શ્રેણીની બીજી ટી-૨૦ રમાશે.

અગાઉ ઓપનર ગપ્ટીલના ૭૦ અને ચેપમેનના ૬૩ રનની ઈનિંગને સહારે ન્યુઝીલેન્ડે ભારતને પ્રથમ ટી-૨૦માં જીતવા માટે ૧૬૫ રનનો ટાર્ગેટ આપ્યો હતો. કેપ્ટન રોહિતની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ વેંકટેશ ઐયરને સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય મેચમાં તક આપી હતી. અશ્વિને ૨૩ રનમાં અને બી.કુમારે ૨૪ રનમાં બે-બે વિકેટ ઝડપી હતી.

ભારતીય કેપ્ટન તરીકે નવી ઈનિંગની શરૃ કરી રહેલા રોહિતે જયપુરમાં ન્યુઝીલેન્ડ સામેની શ્રેણીની પ્રથમ ટી-૨૦માં ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. ભુવનેશ્વર કુમારે ભારતને આક્રમક શરૃઆત અપાવી હતી. ટી-૨૦ વર્લ્ડ કપમાં શાનદાર દેખાવ કરનારો ન્યુઝીલેન્ડનો ઓપનર મિચેલ ખાતુ ખોલાવ્યા વિના પેવેલિયનમાં પાછો ફર્યો હતો. ભુવનેશ્વરે મેચના ત્રીજા જ બોલે ભારતને સફળતા અપાવી હતી અને ન્યુઝીલેન્ડનો સ્કોર ૧/૧ થઈ ગયો હતો.

ઓપનર ગપ્ટિલ અને માર્ક ચેપમેનની જોડીએ ન્યુઝીલેન્ડની ઈનિંગને બિલ્ટઅપ કરી હતી. બંનેએ અડધી સદીઓ ફટકારી હતી અને ટીમને સન્માનજનક સ્કોર તરફ અગ્રેસર કરી હતી. ગપ્ટિલે ૪૨ બોલમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે ૭૦ રન ફટકાર્યા હતા. જ્યારે ચેપમેને ૫૦ બોલમાં છ ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૬૩ રન નોંધાવ્યા હતા.

ગપ્ટિલ અને ચેપમેન વચ્ચે ૭૭ બોલમાં ૧૦૯ રનની ભાગીદારી નોંધાવી હતી. ભારત માટે જોખમી બનતી જતી ગપ્ટિલ અને ચેપમેનની ભાગીદારીને અશ્વિને તોડી હતી. તેણે ઈનિંગની ૧૪મી ઓવરના બીજા બોલ પર ચેપમેનને ક્લિન બોલ્ડ કર્યો હતો. તે જ ઓવરમાં ગ્લેન ફિલિપ્સને અશ્વિને લેગબિફોર વિકેટ આઉટ કરતાં ન્યુઝીલેન્ડની ટીમ ૧૧૦/૧માંથી ૧૧૦/૩ પર ફસડાઈ હતી.

ચેપમેનની વિકેટ પડતાં સેઈફેર્ટ ગપ્ટિલની સાથે જોડાયો હતો. તેમણે ૪૦ રન જોડયા હતા. આ પછી ભારતીય બોલરોએ પ્રભાવ પાડયો હતો. ન્યુઝીલેન્ડે ૧૦ ઓવરમાં ૬૫ રન નોંધાવતા એક વિકેટ ગુમાવી હતી. જ્યારે તેઓ આખરી ૧૦ ઓવરમાં ૯૯ રન જોડયા હતા. 

Gujarat