For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ડીટ્ટો આફતાબ જેવી જ ક્રૂર હત્યાની મોડસ ઓપરેન્ડી

Updated: Nov 22nd, 2022

Article Content Image

- ક્રાઈમવૉચ-મહેશ યાજ્ઞિક

- પોલીસે એ ફ્રીઝર ખોલ્યું અને અંદર લાશના ટૂકડાઓ વચ્ચે અનુપમાનું મસ્તક જોઈને પોલીસો પણ થથરી ગયા!  પોલીથિનની બેગમાં લપેટાયેલા પાંચ-દસ નહીં, પણ પૂરા બોંતેર ટૂકડાઓ જોઈને બધા સ્તબ્ધ હતા!

- અનુપમા

- રાજેશ ગુલાટી

- રાજેશ-ધરપકડ પછી

- દહેરાદૂનનું મકાન

- આફતાબ-શ્રઘ્ધા

અ ત્યારે દરેક અખબાર અને ટીવીની ન્યૂઝ ચેનલો ઉપર હેવાનિયત ભરેલી એક અત્યંત ક્રૂર હત્યાના કેસની વિગતો લોકોને વિચલિત કરી રહી છે. પાલઘરની શ્રધ્ધા વૉકર દિલ્હીમાં આફતાબ પૂનાવાલા સાથે લિવ-ઈનમાં રહેતી હતી. ઝઘડા વધી ગયા એટલે આફતાબે ભયાનક ક્રૂરતાથી શ્રધ્ધાને મારી નાખી. એ પછી એની લાશના છત્રીસ ટૂકડા કરીને એક પછી એક ટૂકડાનો નિકાલ કરતો હતો.-આ કેસની તાજી વિગતો તો વાચકોને મળતી રહે છે એટલે એનું પુનરાવર્તન નથી કરતો. એને બદલે આજથી દસેક વર્ષ અગાઉ દેવભૂમિ-ઉત્તરાખંડમાં બનેલી આવી જ કરપીણ ઘટનાની વિગતો જોઈએ. વળી, અમાનવીય ક્રૂરતાની આ બંને ઘટનાઓમાં ઘણું સરખાપણું છે.

મૂળ દહેરાદૂનનો યુવક રાજેશ સતનામ ગુલાટી. અભ્યાસમાં અત્યંત તેજસ્વી આ યુવાનને સોફ્ટવેર એન્જીનિયરની ડીગ્રી મળી કે તરત જ ખ્યાતનામ કંપનીમાં નોકરી મળી ગયેલી. એની કંપનીની ઑફિસ દિલ્હીમાં હતી. દિલ્હીમાં એ આવ્યો એ પછી નેતાજીનગરમાં રહેતી અનુપમા પ્રધાન નામની યુવતી સાથે પરિચય થયો. પાંચેક વર્ષની મિત્રતા પછી એ બંનેએ પરસ્પર  પ્રેમની કબૂલાત કરી. હવે એ બંને લગ્ન કરવા ઉત્સુક હતા. પરંતુ, એ વખતે એક આડખીલી ઊભી થઈ. અનુપમાના પરિવારને આ સંબંધ મંજૂર નહોતો. મા-બાપે અનુપમાને ના પાડી કે આ યુવાન જોડે તું સુખી નહીં થાય. એ છતાં, પોતાના નિર્ણય ઉપર અનુપમા મક્કમ હતી અને એને રાજેશ ઉપર અસીમ ભરોસો હતો, એટલે મા-બાપની લાગણીની પરવા કર્યા વગર અનુપમાએ ઘર છોડયું અને તારીખ ૧૦-૨-૧૯૯૯ના દિવસે એણે રાજેશ સાથે લગ્ન કરી લીધા. લગ્ન પછી આ ખુશખુશાલ દંપતીએ નવી દિલ્હીના સત્યનિકેતન વિસ્તારમાં પોતાના લગ્નજીવનનો આરંભ કર્યો.

અનુપમાના પગલાં જાણે અત્યંત શુભ હોય એમ એ જ વર્ષના અંતમાં કંપનીએ એક પ્રોજેક્ટ માટે રાજેશને અમેરિકા મોકલ્યો. રાજેશ અને અનુપમા કેલિફોર્નિયાની સિલિકોન વેલીમાં પહોંચી ગયા.

જૂન, ૨૦૦૬માં અમેરિકામાં જ એમના સુખી સંસારમાં આનંદનો અવસર આવ્યો. અનુપમાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો. દીકરાનું નામ રાખ્યું સિધ્ધાર્થ અને દીકરીનું નામ સોનાક્ષી રાખ્યું.

એ જ અરસામાં કંપનીનો એ પ્રોજેક્ટ પૂરો થતો હતો. બંને બાળકોને લઈને રાજેશ અને અનુપમા પાછા દિલ્હી આવી ગયા. એ દરમ્યાન આ લગ્ન સામે અનુપમાના પરિવારનો જે વિરોધ હતો એ ઓસરી ચૂક્યો હતો. દીકરી, જમાઈ અને ભાણી-ભાણિયાને એમણે પ્રેમથી અપનાવી લીધા.

દિલ્હીમાં સારો પગાર હતો એ છતાં, રાજેશના મનમાં અજંપો હતો. દિલ્હીની વ્યસ્ત જિંદગી છોડીને રાજેશને પોતાના વતન દહેરાદૂન જવાની તીવ્ર ઈચ્છા હતી. એ માટે એ પ્રયત્ન કરી રહ્યો હતો.એની મહેનત ફળી અને દહેરાદૂનની એક કંપનીએ એને માતબર પગારની ઑફર કરી. રાજેશે એ સ્વીકારી લીધી અને ૨૦૦૮ના નવેમ્બર મહિનામાં આ પરિવાર દહેરાદૂન આવી ગયો. દહેરાદૂનના કેન્ટ વિસ્તારમાં પ્રકાશનગરમાં એમણે મકાન ભાડે રાખી લીધું.

રૂપાળો યુવાન, સુંદર પત્ની, પરાણે વહાલા લાગે એવા તંદુરસ્ત રૂપાળા બે બાળકોઅને સોફ્ટવેર એન્જીનિયર તરીકે સારો પગાર-બહારથી એમને જોઈને કોઈને પણ ઈર્ષા આવે એવો આ પરિવાર હતો. પરંતુ, અંદરની હકીકત સાવ અલગ હતી. અનુપમા અને રાજેશ વચ્ચે ઝઘડાની કોઈ નવાઈ નહોતી. એમાંય, ઉગ્ર ચર્ચા થાય એ દરમ્યાન રાજેશની કમાન છટકે ત્યારે એ અનુપમા ઉપર હાથ ઉપાડતો. ભારતમાં પાછા આવ્યા પછી જ આ ઝઘડા શરૂ થયા હોય એવું નહોતું. અમેરિકામાં પણ રાજેશ અનુપમાને ઝૂડી નાખતો હતો અને અનુપમાએ ત્યાં ઘરેલુ હિંસાની ફરિયાદ પણ નોંધાવેલી.

અત્યંત ઋજુ સ્વભાવની અનુપમા પોતાના બંને બાળકોનું જીવની જેમ જતન કરતી હતી. ક્યારેક રાજેશનો હાથ વધારે પડતો ઉપડે ત્યારે એ રડીને પોતાની માતાને ફોન કરતી. એના મા-બાપે એને કહ્યું કે આવો ત્રાસ સહન કરવાને બદલે એ માણસને છોડી દે એને પાછી દિલ્હી આવી જા, તારી બે રોટલી અમને ભારે નહીં પડે. એ લોકો આવું કહેતા હતા પરંતુ અનુપમાનો જીવ પોતાના બાળકોમાં અટવાયેલો હતો. એને સિધ્ધાંત અને સોનાક્ષીની ચિંતા હતી. એણે વિચાર્યું કે ધારો કે વાત છૂટાછેડા સુધી પહોંચે અને કોર્ટમાં ન્યાયાધીશ સિધ્ધાંત-સોનાક્ષીનો કબજો પોતાને બદલે રાજેશને આપી દે તો? મનમાં એવા ફફડાટને લીધે માર સહન કરીને પણ એ આ ઘરમાં જ રહેવા માગતી હતી.

અનુપમા અંદરથી વલોવાતી હતી. દહેરાદૂનમાં રહીને લગભગ દરરોજ દિલ્હીમાં રહેતા મા-બાપ અને નાના ભાઈની સાથે વાત કરીને એ પોતાનું મન હળવું કરતી હતી. 

રાજેશ સાથે એને જે ઝઘડો થતો હતો, એ સાવ સામાન્ય નહોતો. અમેરિકાથી એ લોકો પાછા આવ્યા એ વખતે રાજેશની સાથે અમેરિકામાં જે યુવતી ઑફિસમાં કામ કરતી હતી, એ પણ પાછી આવી ગઈ હતી. એ બંગાળી યુવતી કોલકતામાં રહેતી હતી. અનુપમાને માત્ર શંકા નહીં, પણ પૂરી ખાતરી હતી કે રાજેશને એ યુવતી સાથે લફરું છે અને એને લીધે જ એ પોતાની સાથે સારો વ્યવહાર નથી કરતો. માત્ર બાળકોના ભવિષ્યનો વિચાર જ એના મનમાં ઘૂમરાતો હતો એટલે એ મૂંગા મોઢે ત્રાસ સહન કરતી હતી અને જ્યારે ધીરજ ખૂટે ત્યારે ઘરમાં ઝઘડો થતો હતો.

ઓક્ટોબર, ૨૦૧૦ના ત્રીજા અઠવાડિયાથી દિલ્હીમાં અનુપમાના મા-બાપને ચિંતા થવા લાગી. લગભગ રોજ ફોન કરવાવાળી દીકરી હવે ફોન નહોતી કરતી. અનુપમાનો ભાઈ સુજન પ્રધાન કોમ્પ્યુટર વાપરતો હતો. એના ઉપર અનુપમા ઈમેઈલ કરીને બધાના ખુશીખબર પૂછતી હતી અને સિધ્ધાંત-સોનાક્ષી કેવી ધમાલ-મસ્તી કરે છે એની પણ માહિતી આપતી હતી.

અનુપમાના ભાઈ સુજનને નિયમિત મેઈલ તો મળતા હતા એ છતાં, વાત ગંભીર લાગી એટલે પ્રધાન પરિવારમાં મા, બાપ અને દીકરાએ ચર્ચા કરી. સુજનને પણ હવે બહેનની ચિંતા થતી હતી. બહેન-બનેવીને જાણ કર્યા વગર, તારીખ ૧૧-૧૨-૨૦૧૦ના દિવસે રાત્રે સુજન જાતે જ દહેરાદૂન પહોંચી ગયો. રાત્રે હોટલમાં રહ્યા પછી બીજા દિવસે તારીખ ૧૨-૧૨-૨૦૧૦ના દિવસે સવારમાં એ રાજેશ અને અનુપમાના ઘેર પહોંચી ગયો. એને જોઈને રાજેશ ચોંકી ઉઠયો. સુજને પૂછયું કે અનુપમા ક્યાં છે? એણે વારંવાર આ સવાલ પૂછયો પરંતુ રાજેશે એક જ જવાબ આપ્યો કે મને કંઈ ખબર નથી, તારી બહેન મને કહ્યા વગર ક્યાંક જતી રહી છે!

માત્ર આટલું જ નહીં, રાજેશે સુજનને ઘરમાં પણ પ્રવેશવા ના દીધો. હવે સુજન અકળાયો. એણે ઘરમાં પ્રવેશવા પ્રયત્ન કર્યો પણ રાજેશે તેને બળજબરીપૂર્વક રોકી રાખ્યો અને અંદર આવવા ના દીધો.

ધૂંધવાયેલો સુજન સીધો જ કેન્ટ પોલીસસ્ટેશને પહોંચ્યો અને ત્યાં ઈન્સ્પેક્ટરને મળીને એણે વિગતવાર વાત કરીને ફરિયાદ કરી કે મને કંઈક અજુગતું લાગે છે. કેન્ટ પોલીસસ્ટેશનના ઈન્સ્પેક્ટરે ત્વરિત નિર્ણય લઈને ચાર કોન્સ્ટેબલને સુજનની સાથે મોકલ્યા. એ આખું ટોળું રાજેશના ઘેર પહોંચ્યું ત્યારે પણ રાજેશે બારણું બંધ કરી દીધું અને અંદર આવવાની મનાઈ કરી. એ છતાં, પોલીસે ત્રાડ પાડીને ધમકાવ્યો એટલે એણે બારણું ખોલ્યું. પોલીસે ઘરની તલાશી શરૂ કરી. આખા ઘરમાં અનુપમા ક્યાંય નહોતી. એક પછી એક કબાટ ચેક કર્યા પછી પોલીસની નજર નવા નક્કોર ફ્રીઝર ઉપર પડી. દહેરાદૂન જેવા ઠંડા પ્રદેશમાં આવો નાનકડા પરિવાર આટલું મોટું ફ્રીઝર શા માટે રાખે?

પોલીસે એ ફ્રીઝર ખોલ્યું અને અંદર લાશના ટૂકડાઓ વચ્ચે અનુપમાનું મસ્તક જોઈને પોલીસો પણ થથરી ગયા! એમણે તરત જ ઈન્સ્પેક્ટરને ફોન કર્યો. બનાવની ગંભીરતા પારખીને ઈન્સ્પેક્ટરે સિનિયર પોલીસ સુપ્રિટેન્ડેન્ટ જી.એસ. મરતોલિયાને જાણ કરી. વીસેક મિનિટમાં તો એ બધા ઘટનાસ્થળે આવી પહોંચ્યા.

પોલીસે રાજેશને પકડી લીધો હતો. રડતા સુજનમામાને જોઈને ચાર વર્ષના સિધ્ધાંત અને સોનાક્ષી પણ મામાને વળગીને રડતા હતા. ફોરેન્સિક ટીમ અને વીડિયોગ્રાફર પણ આવી ચૂક્યા હતા. પોલીસે કાળજીપૂર્વક લાશના એક પછી એક ટૂકડાઓ બહાર કાઢયા. પોલીથિનની બેગમાં લપેટાયેલા પાંચ-દસ નહીં, પણ પૂરા બોંતેર ટૂકડાઓ જોઈને બધા સ્તબ્ધ હતા!

પોલીસની પૂછપરછ દરમ્યાન રાજેશ સ્વસ્થ હતો. એણે કહ્યું કે અનુપમાને કોઈ અમેરિકાના પ્રેમી સાથે સંબંધો હતા એ મારાથી સહન નહોતું થતું, એ સતત ઝઘડતી હતી; એટલે બાળકોના સંસ્કાર ના બગડે એને લીધે મેં એને મારી નાખી! મારવાનો ઈરાદો તો નહોતો, પણ મેં એને તમાચો માર્યો ત્યારે એ લથડી પડી. એનું માથું પલંગ સાથે અથડાયું અને એ બેભાન થઈ ગઈ! હું ગભરાયો. અમેરિકામાં પણ એણે મારા ઉપર ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કરેલો એટલે મને લાગ્યું કે ભાનમાં આવીને એ પોલીસ ફરિયાદ કરશે તો? એ જ વિચારમાં ગભરાઈને મેં એના મોઢા પર ઓશિકું દબાવી રાખ્યું અને એ મરી ગઈ!

પોલીસસ્ટાફ સ્તબ્ધ હતો. રાજેશ યાદ કરીને બોલતો હતો.

ગુસ્સાના આવેશમાં આ કામ કરી નાખ્યા પછી મને લાગ્યું કે જો પોલીસ મને પકડી જશે તો આ બાળકોનું શું થશે? ચાર વર્ષના એ માસુમોને તો હું એમ જ સમજાવતો હતો કે તમારા મમ્મી દિલ્હી ગઈ છે. એમને કંઈ ખબર ના પડે એમ લાશને ઢસડીને હું બાથરૂમમાં લઈ ગયો. બજારમાં જઈને મોટું ફ્રીઝર ખરીદ્યું. એ ઘેર આવ્યું એટલે લાશને એમાં મૂકી દીધી. બે દિવસમાં લાશ પૂરેપૂરી ફ્રોઝન થઈ ચૂકી હતી એટલે એના ટૂકડા હવે આસાનીથી થઈ શકશે એવું મને લાગ્યું. અગિયાર વાગ્યે રાજા રોડ ઉપર જઈને માર્બલ કટર ખરીદ્યું. એ લાવ્યો પણ એનો અવાજ ભયાનક આવતો હતો વળી એની બ્લેડ પણ તૂટી ગઈ.

 બે વાગ્યે ફરીથી એ દુકાને જઈને બસો ત્રીસ રૂપિયામાં નવી બ્લેડ ખરીદી અને એ કઈ રીતે ફીટ કરવી એ સમજી લીધું. બહુ મોટો અવાજ આવતો હતો એટલે ફરી વાર બજારમાં જઈને લોખંડ માટેનું કટર લઈ આવ્યો. રાત્રે બાળકોને ઊંઘાડીને લાશના ટૂકડા કરવાનું કામ કરતો હતો. મસૂરીના જંગલમાં જઈને એક પછી એક એ ટૂકડા ડિસ્પોઝ કરવાનું શરૂ કર્યું એ જ વખતે તમે લોકો આવી ગયા!

૧૨-૧૨-૨૦૧૦ના દિવસે આ હત્યાકાંડ બહાર આવ્યો. હત્યા માટે કલમ ૩૦૨ અને પુરાવાના નાશ માટે કલમ ૨૦૧ લગાવીને પોલીસે તારીખ ૧૦-૨-૨૦૧૧ ના દિવસે ચાર્જશીટ રજૂ કરી. 

રિમાન્ડ દરમ્યાન રાજેશે એ સચ્ચાઈ કબૂલી લીધી કે અનુપમા માત્ર ઝઘડાળુ જ હતી, એનામાં બીજો કોઈ દોષ નહોતો. એને કોઈની સાથે લફરું નહોતું. એણે એ પણ કબૂલ કર્યું કે અમેરિકાથી આવ્યા પછી એણે ખાનગીમાં પેલી કલકત્તાવાળી પ્રેમિકા સાથે લગ્ન પણ કરી લીધા હતા!

અદાલતમાં કેસ ચાલતો રહ્યો. રાજેશના વકીલની દલીલ એવી હતી કે કોઈ જ સાક્ષી નથી એટલે હત્યાનો ગુનો બનતો નથી. સામા પક્ષની દલીલ વધુ મજબૂત હતી કે એના ઘરના ફ્રીઝરમાંથી જ લાશના બોંતેર ટૂકડા મળ્યા છે એટલે હત્યા એણે જ કરી છે! છ વર્ષ ચાલેલા આ કેસનો ચુકાદો પહેલી સપ્ટેમ્બર, ૨૦૧૭ના દિવસે આવ્યો. પોતાના બે સંતાનની માતા-પત્નીની હત્યા પછી આ સોફ્ટવેર એન્જીનિયરના હાથ જરાયે કંપ્યા નહોતા, પરંતુ ચુકાદાના સમયે કોર્ટના કઠોડામાં એ ઊભો હતો ત્યારે એના હાથ ધ્રૂજતા હતા. જિલ્લા અદાલતના ન્યાયાધીશ વિનોદકુમાર રતુડીએ એને આજીવન કારાવાસની સજા ફરમાવી ત્યારે તો એ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડયો!

કલમ ૩૦૨ હેઠળ આજીવન કારાવાસ અને રૂપિયા દસ લાખનો દંડ. આ ઉપરાંત, કલમ ૨૦૧ હેઠળ ત્રણ વર્ષની સજા અને પાંચ લાખનો દંડ! કુલ પંદર લાખના આ દંડમાંથી સિત્તેર હજાર રૂપિયા સ્ટેટ ટ્રેઝરીમાં જમા થયા અને બાકીની રકમ બંને બાળકોના નામે બૅન્કમાં ડિપોઝીટ કરાવવામાં આવી, જે એમને પુખ્ત થશે ત્યારે મળશે. બંને બાળકો અત્યારે મોસાળમાં નાના-નાની અને મામા-મામી સાથે સરસ રીતે ઉછરી રહ્યાં છે.

અત્યારે આ શ્રધ્ધા વૉકર અને આફતાબ પૂનાવાલા પ્રકરણ બન્યું ત્યારે પત્રકારોએ એ સમયના દહેરાદૂનના સિનિયર પોલીસ સુપ્રિટેન્ડેન્ટ જી.એસ.મરતોલિયાને મળીને બાર વર્ષ અગાઉની આ ઘટના યાદ કરાવીને એમનો પ્રતિભાવ પૂછયો. આ સજ્જન અધિકારીએ કબૂલ કર્યું કે મારી આખી કારકિર્દીમાં રાજેશ જેવો ક્રૂર હત્યારો નથી જોયો. લાશની સાથે આવું હેવાનિયત ભરેલું કૃત્ય કરનાર માણસને માણસ જ ના કહેવાય! એમણે એ પણ કહ્યું કે દરેક માતા-પિતા જો પોતાની દીકરીને સારા-નરસાની સમજ સારી રીતે આપે તો આવી ઘટનાઓ ના બને. આવી ઘટના અચાનક નથી બનતી. એના સિગ્નલ અગાઉથી મળતાં જ હોય છે. વધુ પડતી ઉગ્ર ચર્ચા અને મારઝૂડ સમયે જ યુવતીએ ચેતી જઈને રસ્તો વિચારી લેવો જોઈએ. રાજેશ- અનુપમા કે આફતાબ-શ્રધ્ધા- એ પહેલો કિસ્સો નથી અને કમનસીબે એ છેલ્લો પણ નથી!

Gujarat