સહેલસપાટાને બદલે 'સફરિંગ' કરાવતી સફરો : ચાલુ ચીલાને ચાતરતા કિસમ કિસમનાં ડાર્ક ટુરિઝમ!

- અનાવૃત-જય વસાવડા
- લોકો પૈસા ખર્ચીને શા માટે કંગાલિયતનું જીવન જીવવાનું પસંદ કરે? શરીરને કષ્ટ આપે... બેસ્વાદ ખાણુ ખાય... સાદા કપડાં પહેરે... ગીચ-ગંદા વિસ્તારોમાં રહે... લાકડાની પથારી પર સૂએ...
ઈઝ ઈટ ધેટ જોયફૂલ?
ટ ુરિસ્ટ એટલે જે પોતાનો ફોટોગ્રાફ પાડવા ઘરથી ૩૫૦૦ કિલોમીટર દૂર જાય તે!
રોબર્ટ બેન્કલેનું આ મસ્તીખોર ક્વોટ સાચું પડે એવી સીઝન ઓણ સાલ (મીન્સ ધિસ ઈયર) દિવાળી પર આવી ગઈ. શનિવારે ધનતેરસ અને નેક્સ્ટ રવિવારે લાભ પાંચમને લીધે અમેરિકન જબાનમાં લોંગ વીકએન્ડ જેવો મૂડ બની ગયો. સરકાર હોય કે કુરિયર બધાએ લાંબી રજાઓ જાહેર કરી દીધી. આપણા માટે આમ પણ મજા એટલે રજા! એટલે ધાડેધાડા ટ્રાફિક જામ કરતા ને ફ્લલાઈટ ટ્રેન બસ ફૂલ કરતા નીકળી પડયા વેકેશનનો લાભ લઈને ફરવા.
આમ તો આવી રીતે ભીડ ને હાઈ સીઝનમાં ભાવ વધુ હોય ને થોડા દિવસોમાં બચ્ચાંઓની સ્કૂલ ખુલે એ પહેલા પ્રવાસ કરવામાં દુર્ગમ સ્થળની ધાર્મિક જાત્રા જેટલું કષ્ટ પડે! મોજ ઓછી ને મુસીબત ઝાઝી જેવો ઘાટ થાય. પણ તમને ખબર છે? આવો એક રીતસર ટ્રેન્ડ ચાલે છે જગતમાં. મજબૂરીમાં કે અકસ્માતે નહિ, જાણી જોઇને તકલીફ પડે એવા પ્રવાસો કરવાનો! ના, શરીર ઘટાડવા નહિ, મનને નવી કિક આપવા! એને કહે છે નોટ સો હેપી એવા 'હાર્ડશિપ' હોલિડેઝ!મતલબ,આરામ હરામ હૈ ટાઈપ મુસાફરીઓ!
જેમકે,યુ.એસ.એસ.આર.ના સડિયલ સામ્યવાદી સ્વપ્નના વિઘટન પછી ૨૦૦૪માં મોસ્કોમાં એક બિરાદર સર્ગેઈ નિઆઝેવે 'નિઆઝેવ ઈવેન્ટ એજન્સી' ખોલી હતી. એ કોર્પોરેટ હાઈ લાઈફ જીવતા અલ્ટ્રા રિચ લોકો માટે એક 'બમ ટૂર'નું આયોજન કરતી. જેમાં માલદાર પ્રવાસીઓને મેલાઘેલા ચીંથરા જેવા કપડાં પહેરવા માટે અપાતા. એ પહેરીને આખો દિવસ એમણે મોસ્કોના કેટલાક ગંદા, ગંધાતા, પછાત ઝૂંપડપટ્ટી જેવા વિસ્તારોમાં ફરવાનું... એ હલકી ગણાતી 'બસ્તી' જેવી ગલીઓમાં રહેવાનું! એ જીંદગીની હાડમારી કેવી હોય, એનો પ્રેકટિકલ અનુભવ લેવાનો!નિઆઝેવને દરેક વીકએન્ડ પર ૮થી ૧૨ શ્રીમંત રશિયનોના બૂકિંગ મળી રહેતા એ સમયે એક દિવસના 'ફકત' ૩૦૦૦ ડોલર જેવા દામમાં જે ત્યારે અને આજે પણ મોટી રકમ ગણાય! હવે એનું શું થયું એના વાવડ ઈન્ટરનેટ પર મળતા નથી.
ઓકે. આયર્લેન્ડના ગ્રામ્ય વિસ્તારમાં તમે ચોક્કસ જગ્યાએ જાવ તો સવારે સાડા છ વાગે દરવાજો ધમધમાવીને તમને ઉઠાડવામાં આવે કારણ કે રૂમમાં એલાર્મ કલોક નથી. સાત વાગે ચટાઈ પર વિવિધ સ્ટ્રેેચિંગ - રિલેક્સિંગ એકસરસાઈઝ સાથે થોડું મેડિટેશન. પછી 'નેનોપોર્શન' કહી શકાય એટલી ઓછી માત્રાનો બ્રેકફાસ્ટ. ફકત ચણવા જેટલી માત્રામાં ફ્રુટસ અને દુધ - ખાંડ વિનાની ચા.
બાદમાં પહાડી વિસ્તારમાં ચઢાણ કરવાનું. પરસેવો પાડયા પછી એકદમ સાત્વિક એવું માખણમસાલા વિનાનું થોડુંક જ 'માઈક્રોલંચ'. પછી 'માઉન્ટન બાઈકિંગ' (વળાંકવાળા ખડકાળ રસ્તા પર સાઈકલ ચલાવવાની) કે 'કાયકિંગ' (એક જ વ્યકિત બેસી શકે એવી બંધ નૌકા ઉછળતા પાણીમાં જાતે હલેસા મારીને ચલાવવાની) જેવી કસરતી પ્રવૃત્તિઓ. વળી થોડું ઘ્યાન, ચાલવાનું, લાઈટ ડિનર... ટીવી, ફોન વિનાના રૂમમાં સૂઈ જવાનું. સવારમાં શરીરમાં એવી એવી જગ્યાએ દુ:ખાવો થાય કે એ થાય ત્યારે જ એ અંગ શરીરમાં ક્યાં છે એનો અહેસાસ થયો હોય!
આ શું જેલનું વર્ણન છે? કે યોગીઓના કોઈ જૂનવાણી મઠનું? જી ના. આ તો 'બોડી એન્ડ સોલ' બ્રાન્ડનેમ ધરાવતા 'રેડિકલ ફિટનેસ રિટ્રિટ સેન્ટર'ની દિનચર્ચા છે. છતાં ય લોકો કષ્ટ સહન કરવા માટે હોંશે હોંશે તગડી રકમ ચૂકવીને ધસારો કરતા. ભૂતકાળ એટલે કે કોવિડમાં એમ પણ તકલીફો વધીં ગયેલી લોકોની એટલે પાટિયાં પડી ગયા!
વોટસ ધિસ? એવો સવાલ એક ટિપિકલ ટુરિસ્ટ તરીકે વેકેશનમાં 'હાશકારો' કરીને નિરાંત માણતા માણતા થતો હોય તો એનો જવાબ છે : એસ્કેટેઝમ ટુરિઝમ. લવલી નહિ, લેબર વેકેશન. ઈન્ટરનેશનલ લકઝુરિયસ ટ્રાવેલિંગ ટ્રેન્ડ!
મૂળ 'એસ્કેટિઝમ' શબ્દ ધાર્મિક ક્ષેત્રમાંથી આવેલો છે. આ ગ્રીક શબ્દનો ભાવાર્થ શરીરને આધ્યાત્મિક દ્રષ્ટિએ તાલીમ આપવી એવો થાય છે. જેમાં 'નોર્મલ' સંસાર કરતા ખાણીપીણી, સેકસ, પરિશ્રમના જુદા નિયમોનું પાલન કરવાનું રહેતું. શરૂઆતના દૌરમાં ક્રિશ્ચિયાનિટીમાં એવું મનાતું કે સંતોના પવિત્ર શરીરની વર્જીનિટીની આગવી સુગંધ હોય છે. એ મેળવવા માટે આકરી જીવનશૈલીથી દેહને કેળવવામાં આવતો. દુન્યવી ભોગોથી દૂર અંધારી ગણાતી જીંદગી જીવવામાં આવતી. હિન્દુ, બૌદ્ધ અને જૈન તપની પરંપરાથી પરિચિત ભારતીયોને આની ઝાઝી સમજ આપવાની જરૂર નથી.
પણ વૈભવથી ફાટ ફાટ થતા અમીરોની દુનિયામાં આ 'તપ'નો હવે ક્રેઝ જામી રહ્યો છે. એમાં ધર્મ નીકળી, ધંધો આવી ગયો છે. માર્કેટિંગ, ફિટનેસ અને ટુરિઝમના ત્રિવેણી સંગમે વેકેશનપ્રવાસોની વ્યાખ્યા જ બદલાવી કાઢી છે. વેકેશન પર ફરવા જવાનું એટલે બસ આરામ અને આનંદ, એ વાત આઉટડેટેડ થતી જાય છે. સ્વીમિંગ પૂલ કે દરિયાકિનારે પહોળા થઈને પડયા રહેવાનું, ફાઈવ સ્ટાર હોટેલમાં ડિનર લેવાનું, ઝાકળઝમાળ રસ્તાઓમાં શોપિંગ કરવાનું અને સ્વર્ગીય બગીચાઓ કે રમણીય વિસ્તારોમાં ટહેલવાનું... છટ્?, એ તો બધા કરે... એમાં શું નવીનતા?
જે લોકો પાસે જીંદગીમાં બધું જ છે, એ સ્વાભાવિક પણે બધું જ માણી લેવાનો પ્રયાસ કરે, અને એમાં સ્વર્ગના સુખો ભોગવ્યા પછી નરકના દુ:ખો ચાખી લેવામાં ય 'થ્રીલ' લાગી શકે! ફોર સુપરરિચ પીપલ સમટાઈમ્સ સફરિંગ ઈઝ ફન!
સ્વીડનની 'આઈસ હોટલ' વિશ્વવિખ્યાત થતી જાય છે. જેમાં એરકન્ડીશનરની શીતળ હવાને બદલે રીતસર બરફની વચ્ચે જ 'હેમાળે હાડ ગાળવા'નો અનુભવ લેવાનો રહે છે. બરફીલી સીડી, બરફના પલંગ પર પથારી, બરફની છત... તસવીરો મનમોહક લાગે, પણ પ્રેક્ટિકલી કરોડરજ્જૂમાંથી ટાઢનું લખલખું પસાર થઈ જાય! છતાં આ 'ચિલ પિલ' ગળવા પીગળતા બરફની માફક પૈસા ખર્ચીને સમૃદ્ધ પ્રવાસીઓ દોટ મૂકે છે!
બ્રાઝિલના પાટનગર રિયો ડી જાનેરોમાં 'ફાવેલા' વિસ્તાર છે. ગીચ, નિમ્ન મધ્યમવર્ગીય. મુંબઈની ચાલી જેવો અંધારિયો, ભીડભર્યો એરિયા. મૂળ બ્રિટનના એંગ્લો ઈન્ડિયન ડોક્યુમેન્ટ્રી ફિલ્મમેકર બોબ નાડકર્ણીએ અહીં 'મેઝ' નામની 'હોસ્ટેલ' શરૂ કરેલી. પોશ, ક્લીન, અલ્ટ્રામોડર્ન એરિયાને બદલે ઈંટોના જંગલ જેવા પડોશમાં શરૂ થયેલી ૨૦ રૂમની હોસ્ટેલમાં રહેવા માટે હોલીવૂડના સિતારાઓ પડાપડી કરતા! વિશ્વના વિખ્યાત કલાકારોની ફેવરિટ બનતી જતી મેઝમાં આવીને મેગાપોલીસ (મહાવિરાટ નગરો)માં જીવતા ધનાઢયો અચંબિત થઈ જાય છે. એમના એક લંચની કિંમત કોઈનો એક મહિનાનો પગાર હોઈ શકે, એ વાસ્તવિકતા એમને નજર સામે અડકીને ઓળખવા મળે છે! મેઝની પોપ્યુલારિટી એવી છે કે સ્નૂપ ડોગ મ્યુઝિક વિડિઓ કે 'ઈન્ક્રેડિબલ હલ્ક' જેવી બિગ બજેટ હોલીવૂડ ફિલ્મોમાં એ જોવા મળશે!
આવા હાર્ડ ટુરિઝમનું ટવીન છે, ડાર્ક ટુરિઝમ. વેકેશન ગાળવા બીચ ઉપર જવાને બદલે બેફામ રૂપિયા ખર્ચીને લોકો સારાજેવોની સ્નાઈપર એલી અને વિએતનામની કોંગ ટનલમાં જાય છે. બેલફાસ્ટની 'ટુર ઓફ ટ્રબલ્સ'માં હિસ્સો લે છે. નિકારાગુઆ અને અલ સાલ્વાડોરના સ્વેટશોપની મુલાકાત લે છે. ચેચેન્યાના યુધ્ધમાંથી પાછા આવેલા નિવૃત્ત સૈનિકો સાથે રશિયન યુધ્ધભૂમિની સફરે નીકળે છે. મેક્સિકો અને આફ્રિકામાં જઈને ડાર્ક ટુરિઝમ કરે છે. કેટલાકને તો વળી કત્લેઆમ, જંગ, મેલી વિદ્યાઓની છાપ ધરાવતી ધરતી ખૂંદવાના ઓરતા જાગે છે. કેદખાનાઓ અને કોન્સ્ટ્રેશન કેમ્પસમાં જવાનો ઉત્સાહ ઝરણા, પર્વતો અને સમુદ્રો કરતા વધતો જાય છે. વેસ્ટર્ન ટુરિસ્ટસ રિલેક્સ થવાને બદલે રોમાંચિત થવાનું વઘુ પસંદ કરે છે.
વેલ, ગરીબીને પડતી મુકો તો પણ ડાર્ક ટુરિઝમ ખાસ્સું લોકપ્રિય ને ખર્ચાળ છે. નામ મુજબ એમાં કોઈ ભયાનક ગોઝારી ત્રાસદાયક દુર્ઘટનાની સાહેદી પૂરતા ઉદાસ બનાવી દેતા સ્થળે ખાસ જઈને દુખી થવાનું હોય છે! જેમ કે, આ વર્ષે જ્યાં જવાથી ઘણા વર્ષો જૂની ઈચ્છા પૂરી થઇ એ પોલેન્ડનું ઓશવિઝ. હિટલરના આદેશથી જ્યાં લાખો યહુદીઓને સ્ત્રીઓ બાળકો સહિત જીવતા ભૂંજી નખાયેલા એ જગ્યા. એટલી હદે કરપીણ નહિ પણ કરુણ નેધરલેન્ડ્સના એમ્સ્ટરડેમમાં આમ જ ઘરમાં કેદ થયેલી છોકરી એન ફ્રેન્કનું મ્યુઝિયમ છે. અચૂક જોવા જેવી નીતેશ તિવારીની ફિલ્મ 'બવાલ'માં બીજા વિશ્વયુદ્ધની આવી ડિસ્ટબગ સાઈટ્સની સફર હતી. ચેક રિપબ્લિકના પ્રાગમાં યહૂદી સ્મારકોની ટુર લો કે જર્મનીના મ્યુનિકમાં હિટલરના ઉદભવની વોકિંગ ટૂર લો તો આમ જ કમકમાટી છૂટી જાય. અમેરિકાનું વર્લ્ડ ટ્રેડ સેન્ટર તૂટયા પછી ત્યાં ફ્રીડમ ટાવર પાસેનું સ્મારક પણ આવું. આપણે ત્યાં હુતાત્મા ચોકે તો મુંબઈમાં લોકો વડાપાઉં ખાવા જાય પણ જલિયાંવાલા બાગ કે આંદામાન નિકોબારની સેલ્યુલર જેલ જાવ તો બધા કુદરતી સૌંદર્ય કે સુવિધા વચ્ચે પણ એક વ્યક્ત ના થઇ શકે એવી ઘૂટન મહેસૂસ થાય! ચીસની વિઝીટ! ભવિષ્યમાં ગાઝા કે યુક્રેનમાં આ શરુ થઇ જાય!
એમ તો એડવેન્ચર ટુરિઝમમાં ડર ભોગવી કોઈ અજાણી જગ્યાએ જવાનું રોમાંચક સાહસ ઇન્ડિયાના જોન્સ કે લારા ક્રોફ્ટની માફક કરી શકાય. ઘણા કોઈ ફિલ્મ જોઇને એના શૂટિંગની જગ્યાઓએ જવાનો આધુનિક 'પરિક્રમા' કરવાનો પણ શોખ વધે છે. ૨૦૦૮માં અમેરિકાથી બ્રાઝિલ ગયેલી લિલિ બિકિની પહેરી કાયકિંગ કરતી હતી, ત્યારે એટલાન્ટિક સમુદ્રી તોફાનનો સામનો એણે કરવાનો આવ્યો. ભયંકર પીડા વચ્ચે પવન અને પાણીનો મુકાબલો કરી એણે હલેસા માર્યા. થાકીને લોથ થઇ. કિનારે પહોંચી. પણ સાહસકથા વાંચવા કરતાં આ એડવેન્ચર અનુભવવાના અવસરે એનો મિજાજ પલટાવી નાખ્યો. એને થયું 'હું પૂરેપૂરી ડુબી જાઉં, તો ખરેખરી તરી જાઉં!' મતલબ જીવ લગાડીને કશુંક કરૃં, ને જાત પર ભરોસો રાખું તો કંઇ પણ કરી શકું! એના જ શબ્દોમાં એના માટે ફેસિયલ કરીને ચોકલેટ કેન્ડી ચાટવાના હોલિડે કરતાં આ અનુભવ જુદો હતો!
એવો લેટેસ્ટ ટ્રેન્ડ છે : નોકટુરિઝમ! યાને રાત્રિવિહાર. ખાસ રાત્રે અંધકારમાં જાણી જોઇને કરાતી સફરો! પેલી અરોરા કહેવાતી રંગબેરંગી નોર્ધન લાઈટ્સ શિયાળામાં નોર્વે, ફિનલેન્ડ,આઈસલેન્ડ વગેરેમાં દિવસ સાવ થોડા કલાકોનો ને કાળુંડિબાંગ અંધારું હોય ત્યારે વધુ સારી દેખાય. એ માટે ખાસ નાઈટ ટ્રીપ નીકળે, આખી રાત જાગવાનું ને એને 'ચેઝ' કરતા હોય એમ રખડવાનું. એવા ગ્લાસ ઈગ્લૂ બન્યા છે ખાસ મોંઘા જેમાં રાત રોકાઈને મોંઘા થર્મલમાં સૂતા સૂતા એ જોઈએ શકો. રાતના બરફમાં સ્લેજ પર બેસવાનો લ્હાવો પણ મળે. લાઈટ્સ નહિ તો અપન અમુક જગ્યાએ ફરતી કોઈ લાઈટ ના હોય ત્યારે આકાશગંગા નજીક ને ચોખ્ખી દેખાય અંતરિક્ષમાં ! અમેરિકામાં એવા સ્પોટ્સ છે. સુવિધા ઓછી સાવ કારણ કે ઇલેક્ટ્રિસિટી હોય નહિ. રાતના વાહનોની લાઈટ પર પણ પ્રતિબંધ. પણ નજારો પૈસા વસૂલ. આકાશની જેમ દરિયામાં એવા જીવો છે જે રાતના ચમકે ને અનોખો અનુભવ કરાવે. આવું બાયોલ્યુમિનન્સ જોવા ખાસ પ્યુએર્ટો રિકો, મેક્સિકો, ઓસ્ટ્રેલિયા, માલદીવ્સમાં ચોક્કસ બીચ પર જવાનું કે નાનકડી નાવ લઈને દરિયો ખેડવાનો. ભારતમાં પણ આવા બીચીઝ છે.
સિંગાપોરનું નાઈટ સફારી ફેમસ છે. પ્રાણીઓ દિવસે તો ઝૂમાં સુસ્ત પડયા હોય. રાત્રે જ રઝળપાટ કરે, એક્ટીવ હોય. પણ પાડોશી દેશો કેન્યા અને તાન્ઝાનિયામાં તો નાબોઈશો અને ઉસાંગુ નામના નાઈટ સફારી કેમ્પસ છે! આર્જેન્ટીનામાં પણ થાય છે ગીરમાં સત્તાવાર શરુ કરવા જેવું! નાઈટ માર્કેટનું પણ ટુરિઝમ છે. ચ્યાંગ માઈ (થાઈલેન્ડ) કે એથેન્સ(ગ્રીસ)માં રાત્રિબજારમાં ફરવામાં આ નિશાચરને તો મોજ પડી ગઈ હતી. વિએતનામ ને મોરોક્કોમાં પણ છે આવી રાતના ધમધમતી બજારો! પણ શોપિંગના સુખ સિવાય દુખો વેઠવા પણ પ્રવાસીઓ જાય છે. પેરુના પહાડો જંગલોમાં ટ્રેકિંગ કરવામાં પરસેવો નીતરે ને હાંફ ચડે પણ ધોમધખતા તાપમાં હાઈકિંગ ટ્રેઈલ પર ટ્રેન કારના વિકલ્પો છતાં થતું હોય!
રશિયાના ઘાતક દુર્ઘટનાગ્રસ્ત ચર્નોબિલ અણુમથકની બે કલાકની મોંઘી ટૂર થાય છે! સ્કોટલેંડના પાટનગર એડિનબરોમાં ભૂગર્ભ ટનલમાં પ્લેગના રોગચાળાના મોન્યુમેન્ટ છે. ફ્રાન્સના પેરિસમાં નગરની નીચે સેંકડો કબરગ્રસ્ત મૃતદેહોના હાડપિંજર સાચવી બેઠેલી ભૂતભડકામણી કેટાકોમ્બસ છે. દક્ષિણ આફ્રિકાના રોબ્બેન આઈલેન્ડ પર વાંદાવાળી પથારીમાં સુવાનો અનુભવ લેવા પૈસાદાર પ્રવાસીઓ આવે છે. અફઘાનિસ્તાનથી ગાઝા સુધી ને કમ્બોડિયાથી કોલમ્બિયા સુધી સુધી ઘણા પ્રવાસીઓ 'ડેથ રાઈડ'ની કિક લેવા ભમતા રહે છે! ભારતમાં પણ હવે હાઈ-ટેક થઈને વિદેશીઓને આકર્ષતા ગાંધીમય- નિસર્ગોપચાર આશ્રમોનો પ્રચાર વધતો જાય છે. અહીં પણ ધનિકો વેપાર છોડી વિપશ્યનાની શિબિરોમાં જોવા મળે છે.
ટર્કીથી કેલિફોર્નિયા સુધી સેંકડો સ્પા જેવા 'વર્કઆઉટ ડેસ્ટિનેશન્સ' છે, જયાં રોજના હજારો ડોલરના ખર્ચે કષ્ટ સહન કરી, અનન્યા પાંડેથી પણ ઓછી કેલેરીવાળું સુપર મોડલ બ્રાન્ડ ભોજન લઇ શરીરને રગદોળી શકાય છે. 'પાવરયોગા'થી 'ઝેન આર્ચરી' સુધીની શારીરિક ટેકનિકથી ઘણાં મધ્ય વય કુદાવી ચૂકેલા શ્રીમંત શેઠ-શેઠાણીઓ માનસિક શાંતિ શોધતા ફરે છે. બહુ ઝડપથી અને બહુ વહેલું બધું જ મેળવી ચૂકેલાઓ લાઇફનો મીનિંગ શોધવા પ્રવાસે નીકળી પડે છે. એક મોટો વર્ગ એવો છે જે ચિક્કાર કમાણી કરે છે, પણ એની પાસે ટાઇમ નથી. એ પ્રેશર કૂકરની જેમ પોતાના જોબમાં
બફાતો રહે છે. બ્લેન્ડરની જેમ સ્ટ્રેસ એને પીસતો રહે છે. કોર્પોરેટ પોલિટિકસ, ડિઝાયર પ્રેશર, ડ્રીમ ચેઝિંગ આ બધાથી થાકીને એ બઘું ભૂલી જવાય એવી છટકબારી શોધે છે. કદાચ પોતાનાથી વધુ તનાવમાં અને ગરીબીમાં જીવતા માણસોમાં એને એસ્કેપ દેખાય છે.
વ્હાય? ઓપોઝિટ એટ્રેક્સ? બ્યુટીને અગ્લીનેસનું, રૂપિયાને ગરીબીનું આકર્ષણ થતું હશે એટલે? લોકો પૈસા ખર્ચીને શા માટે કંગાલિયતનું જીવન જીવવાનું પસંદ કરે? શરીરને કષ્ટ આપે... બેસ્વાદ ખાણુ ખાય... સાદા કપડાં પહેરે... ગીચ-ગંદા વિસ્તારોમાં રહે... લાકડાની પથારી પર સૂએ... ઈઝ ઈટ ધેટ જોયફૂલ?
વેલ. ફર્સ્ટ રિઝન ઈજ ચેન્જ. રૂટિન ઈઝ ઓલ્વેઝ બોરિંગ. સતત ગોરી સુંદરીઓની વચ્ચે ઘેરાયેલા રહેનારાને શ્યામ ત્વચા વાળી લલના વઘુ કામણગારી લાગે, એવું કંઈક. દિવસે દિવસે શહેરમાં રહેતા અમીર વર્ગ પાસે બઘું જ આવતું જાય છે અને નવી પેઢીના શ્રીમંતો 'સિમ્પલ લિવિંગ, હાઈ થિંકિંગ'માં માનવાની ભૂલ કરતા નથી. 'હાઈ લિવિંગ, સિમ્પલ થિંકિંગ'માં માને છે. એ પૈસો આવતીકાલ માટે બચાવતા નથી, આજ માટે ખર્ર્ચે છે. અને તોય વધી પડે એટલો અફાટ ખજાનો આજના જેટસ્પીડે ભાગતા ડિજીટલ બિઝનેસ યુગમાં વધે છે. હવે લકઝુરિયસ ફાઇવસ્ટાર હોટલ જેવા તો એ બધા કોર્પોરેટ જાયન્ટસના ઘર થતાં જાય છે. (એ પણ એક નહિં, અનેક!) આઇલેન્ડ છે, ફાર્મ હાઉસ છે, સ્ટડ ફાર્મ છે, વિલા છે, એથનિક બંગલો છે અને અલ્ટ્રા મોડર્ન બાથરૂમ છે. કાર, એસી, ફ્રિજ, લેપટોપ, હોમથિયેટર... બધી જ કમ્ફર્ટસ આંગળીના ટેરવે છે. હવે બહાર એ જ બઘું માણવા જવામાં શી મજા આવે? ઘર જેવું લાગે! ને ઘરથી છૂટકારો મેળવવા તો ફરવા જવાનું હોય!
રોજીંદા જીવનમાં જ એટલા સુખસગવડો અને પરમ આરામ છે કે બહાર નીકળીને જરા 'ઢીંઢા ભાંગે' એવી તકલીફો ઉઠાવવામાં 'ચાર્મ' લાગે! શરીર પર ચડેલી ચરબીના થર ઓગળે અને મન પણ જરા હળવું થાય. રિચ એન્ડ ફેમસ પાસે ફેન્સી કાર્સ છે. પ્રાઇવેટ યાટ અને જેટ વિમાનો છે. આંખના એક ઇશારે છલકતું ગ્લેમર છે. એ લોકો બેફામ ખાય છે. બેહિસાબ પીવે છે, નાચે છે, પાર્ટી કરે છે. ટુ મચ. એનું રિવર્સ રિએકશન એ પણ છે કે વેલ્થ પૂરતી હોય પછી હેલ્થની તડપ જાગે છે. સો ધે નોટ જસ્ટ 'વોન્ટ' બટ ધે 'નીડ' ચેન્જ. ફિઝિકલી, મેન્ટલી, મોરલી.
પણ આ બહાને ટુરિઝમમાં 'જાજમ નીચે' સંતાડી દેવાની ગરીબી અને હાડમારી ને બાયોસ્કોપમાંથી બતાવવાની રૂડીરૂપાળી તક ત્રીજા વિશ્વના ગણાતા દેશોને મળી છે. ઉગતો તરૂણ બાથરૂમના કાણાંમાંથી ન્હાતી યુવતીને નિહાળી જે રીતે ઉત્તેજીત થાય, એમ એફલુઅન્ટ ટ્રાવેલર્સ પોવર્ટીનો 'પીપ શો' નિહાળે છે. જરા ખળભળી ઉઠે તો થોડું ડોનેશન કરે, પાછા ફરીને ફ્રેન્ડ સર્કલમાં વર્ણનો કરે... બહુ ઓછા કંઇ બધું છોડીને એ સાંકડી શેરીઓમાં કાયમ માટે રહેવા આવી જાય! એમને ખબર છે, આ વેકેશન છે, પરમેનન્ટ હોમ નથી!
વેલ વેલ, જો આવડે તો ભારતમાં આ એસ્કેટિઝમ ટુરિઝમથી ગરીબી છપ્પર ફાડીને ભાગી શકે તેમ છે. અહીં તો રોડ પર નીકળવું એક એડવેન્ચર છે, દરેક મહાનગરને પોતીકી રાત્રિબજારો છે, દુખદ યાદોનો લાંબો ઈતિહાસ છે. મોટા ભાગની ધાર્મિક જાત્રા ડાર્ક ટુરિઝમ જેટલા કષ્ટો આપે છે. હાર્ડશિપની અહીં કયાં કમી છે? એટલે તો આપણને ટિપિકલ મસ્તીવાળા હોલિડેઝનું ફેસિનેશન છે. આવું પેકેજીંગ કરીને ગરીબી હટાવી ન શકીએ, તો વેંચીને ઘટાડી તો શકીએ ને!
ઝિંગ થિંગ
'તમને પ્રવાસમાં સાહસની બીક લાગે છે? પણ નોર્મલ રૂટિનનો કંટાળો એથી પણ વધુ ખતરનાક છે!' (પાઉલો કોએલ્હો)

