ગ્લોબલ સુપરપાવર બનવા માટે ભારતે સમજવા જેવો 'સોફ્ટ પાવર'

Updated: Jan 25th, 2023


અનાવૃત - જય વસાવડા

અમેરિકાના પૂર્વ શિક્ષણમંત્રી રોબર્ટ મેકનમારાએ વિદેશોમાં પ્રભાવી બનવાનું 'નેરેટીવ' સેટ કરતી વિદેશનીતિ બાબતે કહેલું કે, ''સામાને વખોડવાને બદલે આપણી દલીલો વધુ - રસપ્રદ બનાવવાની જવાબદારી રાખો.'' આ રસ કળા વિના આવે નહિ. ને કળા મુક્તિ વિના ખીલે નહિ.

એક વખત એવું બન્યું કે ૧૯૭૧માં ભારતે બાંગ્લાદેશની મુક્તિવાહિની સંસ્થાના ટેકામાં પાકિસ્તાન સાથે લશ્કરી યુદ્ધ ખેલીને કાયમ માટે ભારતના ભાગલાથી ઉભા થયેલા પાકિસ્તાનના બે ફાડિયાં કરી નાખ્યા. બાંગ્લા ભાષા માટે શરૂ થયેલા સંગ્રામને લશ્કરી રાહે અંજામ આપી શેખ મુજીબને આગળ કરી પાકિસ્તાની આર્મીને આજે પણ ચચરે છે, એવો પરાજય આપ્યો. પણ આજની જેમ ત્યારે પણ પોતે યુદ્ધ કરી લે, અરે અણુબોમ્બ પણ ફેંકે પણ બીજાઓએ ઓશિયાળા થઇને રહેવું એવી અમેરિકન (અ)નીતિ હતી. રશિયા ભારતના પડખે ઉભું હોઇને સીધી લડાઈ તો થઇ ન શકે, પણ ભારતે કરેલી લશ્કરી કાર્યવાહી પર કાણ માંડીને કાગારોળ તો થઇ શકે.

પણ એવું ખાસ થયું નહિ. ૧૯૭૧ના યુદ્ધ માટે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પર માછલાં ધોવાયા નહિ.સ્માર્ટલી, આજના ડિજીટલયુગ પહેલા અમેરિકાના ન્યૂયોર્કના મેડિસન સ્કવેર ગાર્ડન ખાતે એક કોન્સર્ટ યોજવામાં આવી. મ્યુઝિક કોન્સર્ટ જેમાં 'બીટલ્સ' ગુ્રપથી આખી દુનિયાને દીવાની કરનાર જ્યોર્જ હેરિસનની મદદ લેવાઈ. જેને ભારતની આધ્યાત્મિકતાનું થોડું આકર્ષણ હતું. એ ઓલ્ડ આઉટ કોન્સર્ટમાં એરિક ક્લેપ્ટન અને બોબ ડાયલન જેવા દિગ્ગજો પણ હતા. બાંગ્લાદેશ (ત્યારના પૂર્વ પાકિસ્તાન)માં કેવા અમાનુષી અત્યાચારો પાકિસ્તાનના લશ્કરે આચર્યા ને સ્વાતંત્ર્યસંગ્રામમાં 'માનવતા' ખાતર ભારતે મદદ કરી એવા 'નેરેટિવ'ને સેટ કરી અમેરિકાની પોતાના ખંડ સિવાયની બાબતો અંગે ઓછું જાણતી પબ્લિક ને મીડિયાને બંગ્લાદેશમાં થયેલા અત્યાચારની સંવેદનાના નામે સાચી વિગત આપવામાં આવી.

વાત રાજદ્વારી રીતે થઇ શકે. પણ એની અસર જનમાનસ પર ઓછી પડે અને એમાં ય પર્સનલ કનેકશન જોઇએ. સ્માર્ટલી પાકિસ્તાન ફરિયાદ કરે એ પહેલા પોપ મ્યુઝિકના માધ્યમથી બાંગ્લાદેશમાં એણે કરેલા કુકર્મોથી દુઃખી પીડિત જનતા માટે સંવેદનાનો સંગીતમય સંદેશ પહોંચી ગયો. સરકારનું કામ સંગીતકારોએ પરોક્ષ રીતે કર્યું. ઇન્દિરા ગાંધીનું ભેજું હતું કે રો વાળા રામેશ્વરનાથ કાઓનું કે બીજા કોઈ બીટલ્સના હેરિસન સાથે અંગત ઘરોબો બાંધનાર  વિદેશખાતાના અધિકારીનું એ રહસ્ય જ રહ્યું.

૧૯૮૦ના દાયકામાં મોટા થયેલા દરેકને યાદ હશે કે 'મેઇડ ઇન જાપાન'ની ત્યારે જબરી બોલબાલા. ટેકનોલોજી બાબતે અને મેનેજમેન્ટ બાબતે આજે ય જાપાનનું નામ આદરથી લેવાય. ઘડી ઘડી જાપાનનની શિસ્ત અને દેશદાઝના ઉદાહરણો દેવાય. એમાં જાપાનીઝ કિમોનો, ટી, હાથપંખો, ઝેન ફિલોસોફી બધું જ એના ઇલેક્ટ્રોનિક્સ ને ઓટોમોબાઈલ જેવું પોપ્યુલર થઇ ગયું. હજુ પણ કેમ સુખી જીવવું એના ઇકેગાઈ જેવા પુસ્તકો કે વાબી-સાબી, કૈઝન જેવી થિયરીઓ સુપરપોપ્યુલર બને છે. જગત આખામાં !

એ પછી જાપાનમાં ભ્રષ્ટાચારને લીધે અડધો ડઝન વડાપ્રધાનો બદલાયા (હમણા જ પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેનું ભેદી રીતે સરાજાહેર ખૂન થઇ ગયું) એવી વાતો લોકો સુધી ન પહોંચી. જાપાનમાં સેક્સ સેવાઓની ફેમિલી બાથની પરંપરા હતી અને એડલ્ટ કન્ટેન્ટ ધરાવતા એનિમેશનમાં જાપાન નંબર વન છે, એવી વાતો ભોળિયા લોકો સુધી ના પહોંચી. એના સમુરાઇ સમયના સામ્રાજ્યવાદ ને હિંમતખોરીની જેમ. ગેઈશા જેવી ગણિકાપ્રથાને પણ રોમેન્ટિકલી હાઈલાઇટ કરવામાં આવી. જાપાનનું નામ પડે એટલે ખાસ કલ્ચરની એક સુગંધી છાપ પડે. જાણે જીવનને સોલ્વ કરી નાખેલી ઠરેલ પ્રજા. અનુશાસન અને આવિષ્કાર અંગે બેમત નથી, પણ ઝેનના દેશમાં ટોકિયોમાં યુવા આપઘાત પણ થાય છે. એક સમયે ફેંગશુઇથી સમૃદ્ધિ વધારવાનો ક્રેઝ હતો, પણ મૂળ જાપાનમાં એ 'સમૃદ્ધિ'ની વ્યાખ્યા શું હતી ? કોન્ક્યુબાઇન્સ યાને અમીરોએ ભોગવવા રાખેલી સ્ત્રીઓ ! હાઈટેક ક્વોલિટી અને સ્ટ્રોંગ ફેમિલી લાઇફ સાથે આ પણ સત્ય છે.

તો જાપાનની શાંત, સંસ્કારી, વિદ્વાન નેશનની ઇમેજ કેમ બની ? વિશ્વયુદ્ધ પછી સોની, હોન્ડા, ટોયાટા, મિત્સુબિશી, પેનાસોનિક, હિટાચી જેવી કંપનીઓ આગળ આવવા લાગી, ત્યારે જાપાનના વિદેશ મંત્રાલયે બાકાયદા એક સ્ટ્રેટેજી ઘડી. ૧૯૯૦ના દાયકાના આરંભે 'કુરૂ જાપાન' નામની જેનો અર્થ થાય 'કૂલ જાપાન'. ઠંડીવાળુ નહિ, યંગસ્ટર્સમાં મોભો પડે ને ગમી જાય ને કૂલ કહે એ. શરૂઆત 'ઓશિન' નામની ટીવીસિરિયલથી કરવામાં આવી. એક નાની છોકરીની સુપરમાર્કેટ સ્વામિની બનવાની યાત્રા એવી ચાલી કે એ સમયે ૨૯૭ એપિસોડ થયા. પછી તો મંગા કોમિક્સથી એનિમેશન સુધીનું બધું જ આવવા લાગ્યું, જે નવી પેઢીને ગમે. ખાસ ધ્યાન રખાયેલું કે સામ્યવાદી સ્ટાઇલમાં 'મેરા જાપાન મહાન' જેવો જગત માટે અહંકારી કે બોરિંગ મેસેજ હથોડા ઉપદેશની જેમ આપવામાં ના આવે. સહજ ભાવે ટેલેન્ટેડ આર્ટિસ્ટની તમામ પ્રકારની કળા ને ફિલ્મો ને આધુનિક નવલકથા-વાર્તા-ગીતોને પ્રોત્સાહન મળે. સારી પ્રતિભાઓ તો હતી જ દેશમા. એમને સેન્સરશિપ વિનાનું મુક્ત ક્રિએટિવ વાતાવરણ મળે. જેથી નેતાઓની શિખર મંત્રણાઓ, સ્પોર્ટસની ટુર્નામેન્ટસ અને કોર્પોરેટ પ્રોડક્સ સિવાય પણ જાપાનની એક ઇન્ટરેસ્ટિંગ ઇમેજ ક્રિએટ થાય. ગંદકી ને ખિસ્સાકાતરૂઓથી ઉભરાતું હોવા છતાં પેરિસની જડબેસલાક રોમેન્ટિક સિટીની પડી ગઈ છે તેમ. અને આ સ્ટ્રેટેજી આજે ય સફળ છે. સ્ટુડિયો ઘીબલીથી મુરાકામીની નવલકથાઓ સુધી, એડલ્ટસ ઓન્લી ગણાતી ફિલ્મો સહિત !

નેચરલી આ ખેલમાં 'બાપુજી' તો બીજા વિશ્વયુધ પછીનું અમેરિકા જ હતું. મેનેજમેન્ટની નવતર થિયરીઝ સાથે વિકાસની ગાડી પૂરપાટ દોડી એ વખતે અમેરિકાએ મ્યુઝિક અને મૂવીઝના માધ્યમથી એવો તો છાકો પાડી દીધો કે 'સુપરપાવર' ઇમેજમાં અગાઉનું રોયલ 'ગ્રેટ બ્રિટન' અને અવકાશ વિજ્ઞાાનથી લશ્કર સુધી એટલું જ શક્તિશાળી રશિયા ભૂંસાઈ જ ગયું ને બાય ડિફોલ્ટ અમેરિકા નંબર વન બન્યું. અનેક દેશોના નાગરિકો વતન છોડી એની સિટિઝનશિપ માટે હાથેપગે લાગતા દોડયા ને આજે ય દોડે છે. ભારતીયો ને ગુજરાતીઓ તો ખાસ. જગતની બેસ્ટ ટેલેન્ટને પૂરતી ક્રિએટીવ ફ્રીડમ આપી અમેરિકાએ બે હાથે આવકારી. ઝૂમ જેવા વિડિયો પ્લેટફોર્મનો માલિક મૂળ એશિયન છે, પણ આજે અમેરિકન છે. ડિટ્ટો સ્પીલબર્ગ કે આઈન્સ્ટાઇન જેવા યહૂદીઓ. બ્રિટિશ કેટ વિન્સલેટ કે ઓસ્ટ્રેલિયન નિકોલ કિડમેન જેવી સુંદરીઓ ! એક ચાર્મ ને મેજીક અમેરિકાનો ઉભો થયો છે જગતમાં. સરકાર દ્વારા નહિ, એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી દ્વારા ! હોલીવૂડ તો પ્રેસિડેન્ટ ટ્રમ્પને ય ગાંઠે નહિ, પણ તો ય એને ટ્રમ્પે ધંધાદારી દિમાગ હોઈ સળી ના કરી.

કારણ કે નંબર વનની તોતિંગ ઇમેજમાં મૂવીઝ મ્યુઝિકનો જબરો ડાયનાસોરફાળો છે ! એલિયન્સ અમેરિકામાં જ ત્રાટકે પૃથ્વી પર ! કોલ્ડ વોરમાં સુપરસ્પાય ઝીરોઝીરોસેવન બ્રિટિશ હોવા છતાં અમેરિકામા મિશન કરી રશિયાને હંફાવ્યા કરે ! ભારત સહિત બીજે કર્ણપ્રિય સંગીત હોવા છતાં મ્યુઝિકની ચેનલ કે કોન્સર્ટસનું આખુંગ્લોબલ માર્કેટ ઉભું કરીને અમેરિકાએ એવરેજ ગીતોને ય જગત આખામાંથી ખણખણિયા મેળવતા કરી દીધા ! પ્લેબોય જેવા મેગેઝીનથી માર્વેલડીસી જેવા કોમિક્સ કે ડિઝની થીમ પાર્કસ સુધી એવું નહિ કે સરકારી વાજીંત્ર બનીને કરવાનું. એવી રમત સામ્યવાદી રશિયા કરવા ગયું. અને આજે ચીન કરવા મથે છે. પણ લોકો 'સરકારી પ્રોપેગેન્ડા' કહી એને સિરિયસલી નથી લેતા.

પણ સાવ નગણ્ય સેન્સરશિપ ને બેશુમાર ક્રિએટીવ ફ્રીડમ થકી આર્ટિસ્ટો જ અમેરિકા માટે તગડી ગ્લોબલ એક્સપોર્ટ માર્કેટ બનાવી દે છે ! ઇકોનોમી ને ઇમેજ, બેવડો ફાયદો. રંગભેદથી ગન કલ્ચર જેવી કેટલીય ખામીઓ એ કાર્પેટ નીચે સિફતથી છુપાઈ જાય છે. પહેલી સમાનવ અવકાશયાત્રા ચુરી ગાગરિને કરી એ રશિયાની ભવ્ય સિધ્ધિ હતી. પણ કેનેડીએ જે કલ્ચરલ બ્રાન્ડિંગ શરૂ કર્યું એ પછી ચંદ્રયાત્રા એન્ટરટેઈનમેન્ટે ઈન્ડસ્ટ્રીઓ એટલી ચગાવી કે ૯૩ વર્ષે નીલ આર્મસ્ટ્રોંગનો ત્યારનો સાથી બઝ આલ્ડ્રીન ચોથા લગ્ન કરે, એ ય ગ્લોબલ ન્યુઝ હજુ બને ! સ્વપ્નલોકની અલ્ટીમેટ ડેફિનેશન જ અમેરિકા છે. હાવર્ડ-સ્ટેનફોર્ડ જેવી - યુનિવર્સિટી થકી નહિ. ફિલ્મો થકી !


અમેરિકાના જોસેફ નેય નામના રાજકીય વિશ્લેષકે આવી બધી તરકીબોને નામ આપ્યું ૧૯૮૦ના દાયકામાં ઃ સોફ્ટ પાવર. હાર્ડ પાવર એટલે મિલિટરી ને શસ્ત્રો ને નેતાઓનાં નિર્ણયો ને યુદ્ધો, આર્થિક સંપત્તિ એ બધું. સોફ્ટ પાવર એટલે આવી શક્તિપ્રદર્શન સિવાયની તાકાત. જેમકે દુબઈનો સોફ્ટ પાવર ટુરિઝમ છે, સિંગાપોરનો સોફ્ટ પાવર એજ્યુકેશન છે, થાઈલેન્ડનો સોફટ પાવર પાર્ટી લાઈફ છે એવું. હાર્ડ પાવરમાં ફોર્સનું દબાણ છે. સોફ્ટ પાવરમાં આકર્ષણની ઈફેક્ટ છે. એટલે એ માણસને પોતાનો લાગે છે, પારકો નહિ. અમેરિકાના પૂર્વ શિક્ષણમંત્રી રોબર્ટ મેકનમારાએ વિદેશોમાં પ્રભાવી બનવાનું 'નેરેટીવ' સેટ કરતી વિદેશનીતિ બાબતે કહેલું કે, ''સામાને વખોડવાને બદલે આપણી દલીલો વધુ - રસપ્રદ બનાવવાની જવાબદારી રાખો.'' આ રસ કળા વિના આવે નહિ. ને કળા મુક્તિ વિના ખીલે નહિ.

ઘણા દૂરદેશી વ્યક્તિઓ કટોકટીની સ્થિતિમાં સત્તાવાર રીતે ન ઉકેલાય એવી મડાગાંઠ ઉકેલવા સોફટ પાવરનો જાહેર ઉપયોગ કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત હતા ત્યારે ટુરિઝમ પ્રમોશન માટે અમિતાભ બચ્ચનનો કરેલો એમ. આ કેવળ એન્ડોર્સમેન્ટ માટે થાય એવું નથી. ક્યારેક બે જૂથ વચ્ચે ટેન્શન કે હિંસા હળવી કરવા કોઈ સ્પોર્ટસ્ટાર, એક્ટર કે સિંગર આખી પીસકીપિંગ ફોર્સનું કામ એકલા હાથે કરી શકે છે. ગાંધીજીએ એમના સમયના લગભગ તમામ ઉત્તમ સાહિત્યકારો અને કવિઓ પર એમની પ્રામાણિકતા અને માનવતાથી પ્રભાવ પાડેલો. એમના માટે મુનશીથી મેઘાણી, કાગબાપુથી ભૂધરજી જોશી બધાએ લખ્યું. દિલીપકુમારથી રાજકપૂર જેવાઓએ એમના આદર્શો દીપે એવી ફિલ્મો ને સંગીત રજૂ કર્યા. 

અમુક વખતે લોકો જેને ચાહે એના થકી તમારી સંસ્કૃતિની ઓળખની જગ્યા બને. અત્યારે કોરિયન મ્યુઝિક ચાલ્યું છે, તો આપણી જ નવી પેઢીનું જીકે અને આકર્ષણ દક્ષિણ કોરિયા માટે આપોઆપ વધ્યું છે, જે હુન્ડાઈ, એલજી, સેમસંગ કંપનીથી ન થયું એ એન્ટરટેઈનમેન્ટ કન્ટેન્ટ કરે છે. અમુક વખતે તો ધાર્મિક સંસ્થાઓ પણ તગડા પૈસા ખર્ચીને ફિલ્મસ્ટારોને બોલાવે છે, ને એમની પાસે વળી સ્પોન્સર્ડ વખાણ બોલાવડાવે છે.

ન્યુઝીલેન્ડના માઓરી આદિવાસીઓના મુખિયા માટે એક શબ્દ હતો 'માના' યાને એ કેટલો બળવાન છે એ નહિ પણ એ કેટલા લગ્નો કરે છે (અને એ રીતે બીજા કબીલા સાથે ગઠબંધન કરે છે) અને કેટલા ઉત્સવો ઉજવે છે, એનો 'સૂચકાંક'. ઈન્ડેક્સ પોઈન્ટ. બેઠી દડીના નેપોલિયને એવી મહાસેનાપતિની ઈમેજ પ્રોજેક્ટ કરેલી કે ઘણા એની સાથે લડવાનું જ ટાળતા. કૃષ્ણનો હાર્ડ પાવર સુદર્શન ચક્ર છે, જે એ વારંવાર નથી વાપરતા. પણ સોફ્ટ પાવર બાંસુરી છે. રાસ છે. મોરપીંછ છે. આપણી સંસ્કૃતિમાં આ પહેલેથી છે. એટલે ધર્મની વાતો પણ વાર્તાના રૂપે છે, ગાઈ શકાય એવા ગીતોમાં છંદોબદ્ધ છે.

લેટેસ્ટ એકઝામ્પલ જેની છાપ ઈસ્લામિક વિશ્વમાં પણ કટ્ટર ગણાય છે, એવા સાઉદી અરેબિયાનું છે. ઓઈલની આવક ઘટશે ને ઈલેકટ્રિક કાર વધશે એ જોઈને હવે સાઉદી અરેબિયા ફિલ્મ ફેસ્ટિવલ ઉજવે છે. શેરોન સ્ટોન જેવી હોલીવૂડ એકટ્રેસ ત્યાં શાહરૂખને જોઈને આનંદની ચિચિયારી કરે છે ! કતર ફિફાની ટ્રોફી માટે દીપિકાને બોલાવે, તો સાઉદી અરેબિયા હમણા મેસી, રોનાલ્ડો, નેનાર, એમબાપ્પે વગેરેના ફ્રેન્ડલી મેચમાં ઉદઘાટન માટે અમિતાભ બચ્ચનને આમંત્રણ આપ્યું ! એક સમયે જ્યાં ફિલ્મો જ જોવા ના મળતી એવા કટ્ટર સાઉદીએ રોનાલ્ડોને ઈસ્લામિક કાનૂનથી ઉપરવટ લગ્ન વિના ગર્લફ્રેન્ડ સાથે રહેવાની છૂટ આપી અને કતરમાં તો શેખોએ ફિફા દરમિયાન ક્રોએશિયન બિકિની મોડલને ટ્રોલ કરવાને બદલે એની સાથે સેલ્ફીઓ લીધી !

આજના જમાનામાં મોટો સોફટ પાવર ઉર્ફે 'માના' એન્ટરટેઈનમેન્ટ છે. ભારત પાસે એની હથોટી છે. ખજાનો છે. આરઆરઆરમાં સ્ટોરીની રીતે મનમોહન દેસાઈની 'મર્દ' અને મનોજકુમારની 'ક્રાંતિ'થી વિશેષ નવું નથી. પણ રાજામૌલીની આવડતને લીધે હવે છેક પશ્ચિમનું ધ્યાન ખેંચાયું. તો માત્ર ફિલ્મ ન ચાલે. ધીરે ધીરે આપણે ય કરીએ છીએ હોલીવૂડ માટે સેમ એના કોસ્ચ્યુમથી ફૂડ સુધી બધું ચાલે. 'છેલ્લો શો' ગુજરાતી ફિલ્મના ડાયરેક્ટર નલિન પંડયાને ઈટાલીમાં એમાં બતાવેલી દાળઢોકળીની રેસિપી પૂછવામાં આવી હતી ! ઉલટું, ઈરાનમાં મઝહબી મુલ્લાઓ નક્કી કરે ફિલ્મ બાબતે એવી સેન્સરશિપમાં બધા પ્રતિભાશાળી ફિલ્મમેકરો ફ્રાન્સ જેવા દેશોમાં જતા રહે છે. અફઘાનિસ્તાનની તો સિનેમાને અપરાધ ગણતા તાલિબાનોએ પાળ પીટી નાખી છે ! આપણને અહેસાસ કે કદર નથી, પણ ૨૦૦૬માં જર્મનોને ઘેર જર્મની રહીને જોયેલું ને ત્યારે પણ લખેલું અહીં કે ત્યાં ભારતની પહેચાન જ શાહરૂખખાન છે ! વેટિકનમાં ને અબુધાબી-જોર્ડનમાં મોરારિબાપુ રામકથા કરે એમાં કેટલાય સ્થાનિકોને સીતા-રામ બાબતે કુતૂહલ થવાનું, જે અયોધ્યા રામમંદિર કદી ન આવવાના હોય. રાજાઓ ગયા પણ બાલી કે અંગકોરમાં ધર્મ ફરી ગયા પછી કલ્ચરલ તાણાવાણામાં હિન્દુ વારસો રહ્યો છે. જે ચિલ્લાવા કે ધોકાથી ન થાય !

ગડબા ગમારો ને ફાંકાઠોક ફોલ્ડરોને આટલું બધું સમજાય એટલી જગ્યા જ એમના ચણીબોરના ઠળિયા સાઈઝના મગજમાં નથી. અને બીજા દેશો જે ઉભી કરવા મથે છે, એવી ધીંગી બોલીવૂડ ઈન્ડસ્ટ્રી જામેલી છે, ભારતમાં જેના સ્ટાર્સને, કન્ટેન્ટને, સોંગને જગત જાણે છે ને એ રીતે ભારતને સમજે છે... એને જ ખતમ કરવા બેઠા છે. કોઈ બંધારણીય દેશમાં વ્યક્તિગત લાગણીઓના સેન્સરબોર્ડ ના ચાલે. પણ એવા નોનસેન્સ નેતાઓ પાવરમાં ચડી બેઠા છે કે જીટ્વેન્ટીમાં ભારતને અધ્યક્ષપદ અપાવીને જગતને મિલેટખ વડાવવા મથતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગેવાનોએ ફિલ્મો પર ટિપ્પણી કરવાની 'ખંજવાળ' ટાળવી, એનાથી 'ઇન્ડિયા સ્ટોરી'નું નેરેટિવ ફરી જાય છે, એવી સ્પષ્ટ ટકોર કરી.

પણ પોતાના જેવા જ બેકાર નવરાબુધ્ધુ બધાને બનાવી દેવા મથતા અક્કલમઠ્ઠા ભાંગફોડિયાઓ મથે છે. એ શું નુકસાન કરે છે, એ એની પછીની પેઢીએ ચૂકવવા પડશે. સોફ્ટ પાવર જેવી તેવી ચીજ નથી, આખું ઈજીપ્ત શસ્ત્રોથી જુલિયસ સીઝરે જીત્યું પછી રૂપથી ક્લિયોપેટ્રાએ આખા સીઝર જ જીતી લીધેલો ! બંધારણમાં માનતા અને ધરાર કોઈની અભિવ્યક્તિ ધમકી તોડફોડથી ન રોકતા ડાહ્યા દેશવાસીઓને એડવાન્સમાં હેપી રિપબ્લિક ડે સાથે ભારતના સોફટ પાવર માટે પ્રાર્થના !

ઝિંગ થિંગ

'હવે કેટલાક સંસારત્યાગી સાધુબાવાઓ જડસુ ઇસ્લામની મુલ્લાશાહીની કોપી કરીને કહે છે કે દરેક ફિલ્મ એમને બતાવો ને એ પ્રમાણપત્ર આપશે' (સમાચાર)

'ત્યાગની વાતો કર્યા પછી પણ મફતની ફિલ્મ સૌથી પહેલા જોઈ લેવાનો મોહ નથી ગયો !' (રીડર કેતન લાખાણીની રમૂજ)

    Sports

    RECENT NEWS