કલ્ચર કસ્ટોડિયનના જૂનવાણી 'જીન્સ' સુધારો, સ્ત્રીઓ ભલે બિન્દાસ ફાટેલા જીન્સ પહેરે!
- અનાવૃત-જય વસાવડા .
- પશ્ચિમી સરકારો પોતાના નાગરિકોની લાઇફસ્ટાઇલમાં ચંચૂપાત નથી કરતી, એટલે જ છુપી રીતે ભારતની યુવાપેઢીને વેસ્ટર્ન ફ્રીડમ આકર્ષે છે
''વા ઇસ ચાન્સેલર બૈઠકર કમિટિયાં કરતે હૈ ઔર વિચાર કરતે હૈ કિ લડકિયોં કો કૈસે કપડે પહનકર આને દેના હૈ... વાઇસ ચાન્સેલરોં કો ઔર કોઇ કામ નહીં બચા હૈ સોચને કા? લડકિયોં કે કપડોં કી ઇતની ચિન્તા હૈ? વાઇસ ચાન્સેલરો કે દિમાગ કા કુછ ઇલાજ હોના ચાહિયે. લડકિયાં કપડે પહનતી હૈ, યહ ઉનકા સુખ હૈ. કપડે કમ હોંગે. મેરી અપની સમજ ઐસી હૈ કિ શરીર મેં જો - જો કુરૂપ હૈ ઉસે ઢાંકને કે લિયે હમને કપડે ઇજાદ કિયે હૈ. જો - જો સુંદર હૈ, હમને પ્રગટ રખા હૈ.''
૨૬ ડિસેમ્બર ૧૯૬૯ના દિવસે ઓશો રજનીશે આ શબ્દો અડધી સદી પહેલા અમદાવાદમાં કહેલા. અડધી સદી પછી ય આ માનસિકતા આપણા સંકુ-ચિત્તોની ફરી નથી. ઓલમોસ્ટ બે દસકા પહેલા યુવતીઓના મોડર્ન ડ્રેસ પર 'પર્દા જો ઉઠ ગયા તો ભેદ ખુલ જાયેગા' ટાઈટલથી લેખ લખેલો. આપણે આ સમયમાં ઇલેક્ટ્રિક કારથી મંગળયાન સુધી ને ફાઈવજી નેટથી સ્માર્ટફોન સુધી વિકાસ થઇ ગયો પણ આ જડતા ગઈ નહિ સ્ત્રીઓના કપડાં બાબતે. આજે ય અંશો એવરગ્રીન લાગશે. જુઓ.
દ્રઢ માન્યતા બહુમતી જનતામાં છે કે ફિટ્ટમફિટ અને એક્સપોઝરવાળા વેસ્ટર્ન ડ્રેસીઝ પહેરીને જાહેરમાં બહાર નીકળવાને લીધે જ સ્ત્રીઓ સામે ચાલીને પોતાની છેડતીને કે બળાત્કારને આમંત્રણ આપે છે. ઈવ ટિઝિંગ (છેડછાડ), સેકસ્યુઅલ હેરેસમેન્ટ (જાતીય સતામણી) કે રેપને ટાળવા માટે સ્ત્રીઓએ જાતે જ એમના કપડા સેન્સર કરવા જોઈએ અને મર્યાદાશીલ પોશાકમાં જ બહાર નીકળીને સલામત રહેવું જોઈએ. (અને જે ખુલ્લેઆમ નથી કહેવાતું એવું પૂરક વાક્ય એ છે કે જો બેવકૂફ અબળાઓ એ નહિ સમજે તો સમાજની નીતિમત્તાના ઠેકેદાર ધર્મગુરૂઓ, નેતાઓ કે વડીલો જેવા સ્વઘોષિત 'પુરૂષોત્તમો' એમને એ બળજબરીથી સમજાવશે.)
વાહ વાહ. અને પુરૂષોએ શું પહેરવું એ એમને કોણ કહેશે? દિગંબર સંન્યાસીઓની તો ભારતના વિવિધ ધર્મો/સંપ્રદાયોમાં પરંપરા છે. કોઈ કોલેજીયન યુવતી વટકે સાથ કહે કે- લંગોટી કે પંચિયુ પહેરીને ૭૫% બદન ઉઘાડું બતાવતા કોઈ પરમપૂજ્ય નરને જોઈને, એક સ્ત્રી તરીકેની તેની સુરૂચિનો ભંગ થયો છે- તો શું જવાબ આપશો? મહાનગરોની ગીચોગીચ ચાલમાં તો અડધો દિવસ પુરૂષો બગલના વાળ અને પેટના વાટા દેખાય એવી અવસ્થામાં ટુવાલ કે લૂંગી કે લેંઘો પહેરીને વ્યવસાય પણ કરતા હોય છે. એ 'અંગ પ્રદર્શન' સામે કેમ સમાજને વાંધો નથી હોતો?પુરૂષ ઉઘાડે છોગ નહાઈ શકે, તો સ્ત્રીના સ્વીમિંગ કોસ્ચ્યુમમાં લજ્જા કેવી ?
આ પુરૂષપ્રધાન સમાજ છે. પુરૂષનું ધ્યાનભંગ ન થાય કે એ મર્યાદાહીન ન થાય એની જવાબદારી પણ સ્ત્રીઓના માથે છે ! હે ભારતીય નારીઓ, તમે એટલા માટે તમારું સુંદર તન સાંગોપાંગ ઢાંકીને નીકળો કે અમે, આઘ્યાત્મિક ભારતના કહેવાતા દિવ્ય પુરૂષો તમારો દેહવૈભવ જોઈને અમારી જાતને નિયંત્રણમાં રાખી શકતા નથી!! કમાલ છે ને! પોતાના પર અંકુશ રાખવાની કે પવિત્ર રહેવાની ફરજ કોની? નેચરલી, ખુદની જ. પણ યુવતીઓએ અહીં એટલે મનગમતા ડ્રેસ ન પહેરવા, કે એની આજુબાજુના પુરૂષમાં સળવળતું પશુ ઢંકાયેલું રહે ! મતલબ, જેમને સજા થવી જોઈએ એમના માટે જેમનો કોઈ વાંક નથી એવી નિર્દોષ નારીઓ, મન મારીને સંયમિત શૃંગાર કરે!
જસ્ટ થિંક. તમે કોઈ જગ્યાએ જમવા ગયા છો. તમને ગુલાબજાંબુ બહુ ભાવે છે. તમે એ ઓહિયાં કરવા જાવ છો, ત્યાં કોઈ આવીને તમને હૂકમ કરે છેઃ ''એ ગુલાબજાંબુ થાળીમાંથી બહાર ફેંકી દો. કદી જાહેરમાં ગુલાબજાંબુ અડતા જ નહિ'' પૂછો કેમ? તો એ કહે છેઃ ''કારણ કે, મને ડાયાબિટિસ છે. તમે ગુલાબજાંબુ ઝાપટો છો, એ જોઈને હું રહી શકતો નથી. મને એ ખાવાનું મન ન થાય, માટે તમે પણ ન ખાવ.'' કેવી બેહૂદી લાગશે આ વાત તમને! તમારા પાડોશી એક દિવસ તમારા ઘરમાં આવીને કહેશે કે તમે ઘરમાં જે બ્લૂ રંગ કર્યો છે, એ સોસાયટીમાં બીજા કોઈને ગમતો નથી. માટે તમે ત્યાં સફેદ રંગ કરો. તમારો સ્વાભાવિક જવાબ શું હશે? ''અલ્યા, આ મારું ઘર છે, મને ગમતો રંગ મારા ખર્ચે મેં કરાવ્યો છે. એને બદલવાનું કહેનાર તું કોણ?''
બસ, સ્ત્રી કે પુરૂષ કોઈ પણનું શરીર એ સુવાંગ એનું પોતાનું છે. સમાજનું પણ નથી અને માતા-પિતાનું પણ નથી. આપણા દેહના માલિક આપણે પોતે. એને કેમ સજાવવો કે કેટલો દેખાડવો એ નક્કી કરવાનો હક આપણો. હા, દરેક વ્યવસ્થાના એક નિયમો હોય, અને એ ન ઓળંગાય એ જોવાની નૈતિક ફરજ પણ આપણી જ. પણ આ મામલે વિવાદ થાય તો નિયમોનું અર્થઘટન કરવા જ કાનૂની વ્યવસ્થાતંત્રની શોધ થઈ છે. એ નિર્ણય લે અને નિર્ણય તમામ માટે સમાન જોઈએ.
સ્માર્ટ અને ફેશનેબલ સ્ત્રી એટલે દેશી ભાષામાં 'ચાલુ' અને પરદેશી ભાષામાં 'અવેલેબલ' સ્ત્રી- એમ માનવું એ એક વિરાટ ભ્રમણા છે. સુંદર હોવું અને સુંદર દેખાવું એ જાણે અપરાધ હોય એવી રીતે આજકાલ ચોખલિયાઓ એની ટીકા કરવા તૂટી પડે છે. જ્યાં સુંદર, સુડોળ, ઘાટીલું ચમકીલું શરીર હોય, ત્યાં એને બતાવવાનું 'એક્ઝિબિશનિઝમ' (પ્રદર્શનવૃત્તિ) આવે, એ પ્રકૃતિમાં નિરંતર બનતી ઘટના છે. પશુ-પંખીઓનું વિશ્વ જરા જોઈ લેજો. અગાઉના પ્રમાણમાં ફિગર અને ફિટનેસ માટે શહેરી યુવતીઓની સભાનતા વધી છે. એમનું પેટ અંદર છે, નિતંબ વળાંકવાળા છે, છાતીમાં ઉભાર છે અને ચાલમાં ખુમાર છે. ઇટસ નેચરલ, નોર્મલ.
આગલી પેઢીમાં કેટલી એવી મહિલાઓ હતી જે એમના સાથળ કે ખભા કે ઉદર (બેલી, યુ સી!) દર્શાવી શકે? એ હોય જ એવા બેડોળ કે એને સાડી- બુરખામાં છુપાવી દેવા પડે! અને હા, વિદ્વાનો જે કહે તે- જસ્ટ ફોર ફન ફલટગ જેવું ટિઝિંગ (યાને એકાદ મસ્ત એપ્રિસિએશનની કોમેન્ટ, સ્માઇલ કે સિસોટી) તો બનીઠનીને નીકળતી કન્યાને અંદરથી ગમતું પણ હોય છે. સ્ત્રીઓને સતામણી નથી ગમતી - પણ કોઇનું ધ્યાન ખેંચાય અને કોઇ પ્રશંસા કરે, એના માટે તો આ મેકઅપ, ડ્રેસીઝ, ઓર્નામેન્ટસ કે એકસરસાઇઝનો ભાર એ ઉપાડે છે! વળી ચુસ્ત કપડાંથી ટીનએઇજમાં આપોઆપ એક તરવરાટ, એક જુસ્સો આવે છે. ધે ફીલ એનર્જેટિક. આર્મીના જવાનોને ઝભ્ભો- ધોતિયાં પહેરાવીને પરેડ કરી શકાય? માઉન્ટેનીયર બચેન્દ્રી પાલ કે ટેનીસસ્ટાર સાનિયા મિર્ઝા કે એથ્લેટ અંજુ જ્યોર્જ કે બોક્સર મેરી કોમ એમની પ્રવૃત્તિ સાડી પહેરી, ઘુમટો તાણી, બુરખો ચડાવી ફરે?
સ્પોર્ટસ માટે સ્કૂલ ટાઇમથી જ શરીર ઢાંકવાનો ક્ષોભ છોડી દેવો પડે. એ જ રીતે એક જમાનામાં કળાનું ધામ ગણાતો આ દેશ આજે એસ્થેટિક સેન્સ (સૌંદર્યદ્રષ્ટિ) ગુમાવી બેઠો હોય તેમ લાગે છે. જે પ્રાચીન ભારતની સંસ્કૃતિની ડ્રેસ કોડ માટે દુહાઇ દેવામાં આવે છે- એ પ્રાચીન ભારતનો પોશાક જો લાગુ કરવામાં આવે તો પુરૂષો મદહોશ થતાં બેહોશ થઇ જાય!
પુરાતન ભારતમાં કોઇ કાળે સ્ત્રીઓ માત્ર એક જ વસ્ત્ર કટિ (કમર) નીચે પહેરતી અને ટોપલેસ એવા ઉપરના ભાગને ચંદનલેપ, આભૂષણો કે ફૂલોથી જ ઢાંકતી. ઝાઝો પુસ્તકિયો અભ્યાસ ન કરવો હોય તો કોઇપણ પ્રાચીન શિલ્પ જોઇ લેજો. એ પછી કંચુકી (ચોળી) આવી. સાડી પણ જો પહેરનારી નખરાળી હોય તો એક ઉત્તેજક પોશાક જ છે! ટી શર્ટ, કોર્સેટ કે સ્લીવલેસ ટોપમાં હજુ પેટ ઢંકાયેલું રહે- પણ સાડી? નાભિ જ દેખાય સીધી એની વે, સ્ત્રીઓએ મર્યાદાશીલ વસ્ત્રો પહેરવાની પરંપરા ખરેખર તો ઇસ્લામિક અને ખ્રિસ્તી અસર નીચે ભારતમાં આવી.
હિન્દુ વારસો એક ગૌરવશાળી જીવનધારા છે પણ ટ્રેજેડી એ થઇ છે કે જે બાબતનો એ વિરોધ કરે છે, કયારેક તેના સમર્થકો અજાણતામાં જ તેની નકલ કરે છે! તાલિબાનો અફઘાનિસ્તાનમાં ડ્રેસકોડ દાખલ કરી, સ્ત્રીઓની મનગમતાં કપડાં પહેરવાની સ્વતંત્રતા છીનવી લે એવું જ કેટલાક હિન્દુત્વપ્રેમી દોસ્તો ભારતમાં કરે! બંને પાછા ધર્મ અને સંસ્કૃતિની જ દુહાઇ આપે! આ તો હિન્દુત્વનું જેહાદી ઇસ્લામીકરણ થયું ! ખરેખર તો ભારતે હિન્દુત્વની વિશાળતા અને લવચીકતા (ઇલાસ્ટિસિટી) બતાવવા સંકુચિત
ધાર્મિકતાથી મુકત એવા દ્રષ્ટાંતો દુનિયા સામે બેસાડવાના હોય. પશ્ચિમી સરકારો પોતાના નાગરિકોની લાઇફસ્ટાઇલમાં ચંચૂપાત નથી કરતી, એટલે જ છુપી રીતે ભારતની યુવાપેઢીને વેસ્ટર્ન ફ્રીડમ આકર્ષે છે. વિરોધ, પ્રતિબંધ કે ઇન્કારથી એ હકીકત ભૂંસાઇ જવાની છે? આંખો મીંચવાથી ઝંઝાવાત શમી જવાનો છે?
અને નારી યુવાનીમાં જો ચપોચપ અને સેન્સ્યુઅસ ટૂંકા વસ્ત્રો ન પહેરે તો કયારે બૂઢાપામાં પહેરશે? સફેદ વાળ ખરતા હોય અને ચામડી પર સેંકડો કરચલી હોય, કરોડરજ્જૂ વાંકી વળી ગઈ હોય અને આંખે મોતિયો હોય ત્યારે મિનિ સ્કર્ટ પહેરાય? ઉત્તેજક વસ્ત્રો પહેવાના ઉન્માદની પણ એક ઉંમર છે, એ ચાલી ગયા પછી પાછી નથી આવતી.
જો વાત માત્ર ભારતીય સંસ્કૃતિને અનુરૂપ સલવાર કમીઝ જેવો ( એ ય બહારથી આવેલો) ડ્રેસ પહેરવાની હોય તો પછી તમામ પુરુષોના પેન્ટ-શર્ટ ઉતરાવી કેડિયા- ચોરણા- ધોતિયા પહેરાવો! પેન્ટ- શર્ટ કયાં ભારતીય છે? અને ગુજરાતની અસ્મિતાને અનુરૂપ જો તમામ યુવતીએ માત્ર ચણિયા- ચોળીમાં જ ફરશે તો? એ 'ચિત્તાકર્ષક' પોશાક નથી? પછી એના પર પ્રતિબંધ મુકીશું? પ્રોફેસરો કંઈ પોલિસ કોન્સ્ટેબલ નથી. અને ખુદ પોલિસ હવાલદારો પણ કે નીતિમત્તાના ન્યાયાધીશ નથી.
સવાલ શિક્ષણનું સ્તર સુધારવાનો છે, વસ્ત્રોના અસ્તર નહિ. આજે યુવતીઓના ડ્રેસથી અભ્યાસમાં ધ્યાનભંગ થઈ જાય છે, કાલે બહાર પડતા વરસાદના ઘ્વનિથી ઘ્યાનભંગ થઈ જશે. આ જ લોજીક હોય તો તો દરેક ફિલ્મી હીરોનું ધ્યાન એકટિંગમાંથી હટી જવું જોઈએ! રહી વાત કોલેજ બહારની દુનિયાની, ધર્મસ્થાનકોમાં ધારો કે કોઈ યૌવના વાંધાજનક (?) પોશાકમાં ગઈ - તો પછી પ્રભુ-ખુદા-ગોડની પ્રાર્થનામાં મગ્ન શ્રઘ્ધાળુઓનું મન ત્યાં કેમ ખેંચાય છે? કબીર કે મીરા કે નરસિંહ કે રાબિયાની જેમ જો તમે ભકિતમાં લીન થઈ ગયા હો, તો પછી પરમાત્માને બદલે પ્રમદામાં નજર જ કેમ જાય? વાંધાજનક એ બાળાના વસ્ત્રો નથી. વાંધાજનક આપણી ધાર્મિકતાનો દંભ છે. બ્રહ્મજ્ઞાાન આત્માને થાય છે કે કપડાંને? તો પછી દેહ શા માટે નિહાળો છો?
દિલ્હીના ક્રાઈમ અગેઈન્સ્ટ વુમન્સ સેલના તત્કાલીન જોઈન્ટ પોલિસ કમિશ્નર વિમલા મહેરાએ કહેલું કે ૧૯૫૦થી ૧૯૯૦ સુધીના દેશભરની હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટમાં ચાલેલા બળાત્કારના કેસનો અભ્યાસ કરો તો લગભગ તમામ બળાત્કાર ટ્રેડીશનલ ડ્રેસ પહેરેલી સ્ત્રીઓ પર થયા છે ! ઈન્ડિયા ટુડેએ એક સર્વેક્ષણમાં એમ જણાવેલું કે ૮૫ ટકા બળાત્કાર નજીકના મિત્ર ની વ્યાખ્યામાં આવતા પરણિત પુરૂષોએ કર્યા છે ! કોલકાટ્ટાની સામાજીક સંસ્થા 'સ્વયમ્'ના અભ્યાસનું તારણ એવુ નીકળ્યું કે ઈવ ટિઝિંગના ૭૭% કિસ્સાઓમાં સ્ત્રીના કપડા મોડર્ન નહિ. પણ પરંપરાગત ભારતીય હતા ! મોડર્ન માનુનીથી તો ઉલટાના છેલબટાઉ છોરાં ડરે છે!
શરમ ફુલફટાક ફરતી સ્ત્રીઓને નહિ, પણ એને પરેશાન કરતા પુરૂષને થવી જોઈએ!'
બિલકુલ. પોતાની જ દીકરી ડેનિમ પહેરી ફરતી હોવાના ફોટા બહાર પાડયા છે ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રીએ એમના રીપ્ડ જીન્સની કોમેન્ટનો નેશનલ ફજેતો થયા પછી માફી માંગવી પડી. ઘૂરીઘુરીને તમે કોઈક સ્ત્રીની ફેશન જોયા કરો અને પછી તમારા રેડિકલ ઇસ્લામ ને મધ્યયુગના ચર્ચ જેવી ફાલતુ માનસિકતાની ઉલટી કરો. આ છે આપણી પર રાજ કરનારા આપણા જડબુદ્ધિ જનપ્રતિનિધિઓ ! હમણાં પુરુષોએ પણ ચડ્ડી પહેરીને બહાર ન જવું એવું યુપીના બલિયાના વિધાયક સુરેન્દ્ર સિંહે ભારતીય સંસ્કૃતિના નામે ચેંચેપેપે કર્યું જે ખુદ અગાઉ એક ખૂનીનો બચાવ કરી ચુક્યો છે. ને મા-બાપ છોકરીઓને સંસ્કાર નથી આપતા એટલે રેપ વધે છે એવો લવારો કરી ચુક્યો છે ! હે હળંગડાહ્યા, સંસ્કાર છોકરાઓને આપો કન્ટ્રોલ કરવાના જાતને. રેપ પુરુષ કરે છે કે સ્ત્રી? ઘણા ભારતીય સંસ્કૃતિનો ઠેકો લઇ બેઠેલા ભમરાળા નેતાઓ આવી શૌચાલયમાં ફ્લશ કરવા જેવી સોચ ઉઘાડી બતાવે છે, એ સાચી અશ્લીલતા છે. આવો બોગસ બકવાસ એક વાર પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ.પ્રણવ મુખરજીના દીકરા અભિજીતે ય કરેલો જેને એની બહેન શમાએ જ ઝાટકી નાખેલો. વચ્ચે મુંબઈ સેન્ટ ઝેવિયર્સમાં ડ્રેસ કોડ દાખલ કરવામાં આવેલો. ત્યાં મધ્યપ્રદેશના મંત્રી કમલ પટેલે ચાલુ ગાડીમાં ચડીને ભારતીય સંસ્કૃતિ મર્યાદાના વસ્ત્રોની વાત કરી.
તંત્રવિદ્યા કે કામસૂત્રની વાત જ જવા દો. એ સિવાય ધર્મના ઉપદેશ બાદ કરતા આ કોઈએ સરખું સંસ્કૃત વાંચ્યું પણ છે? એમની સંસ્કૃતિની વ્યાખ્યા પર્દા ને બુરખાના મુલ્લાશાહી નિયમોની વાનરનકલ છે. બાકી દુશાસનોના વસ્ત્રાહરણ પછી ય ખુલ્લે માથે ફરતી દ્રૌપદીનો આ દેશ છે. ઈરાનની જેમ માથું ઢાંકીને ફરવાના ફતવા અહીં શા માટે ? મક્કામદીનામાં વિધર્મીઓને પ્રવેશ નહિ એવા પાટિયાં જોઈ એની પરબારી કોપી આપણે ત્યાં થવા લાગી. જે ઇસ્લામની રૂઢિચુસ્ત પરંપરાઓની ટીકા થવી જોઈએ એને બદલે એનાથી ઓબ્સેસ થઇ આપણે એની મર્યાદાને આપણી સંસ્કૃતિ માની બેઠાં છે. પછી પ્રાચીન મંદિરોમાં બહાર મર્યાદાવાન ડ્રેસ કોડના પાટિયા હોય, ને દીવાલો પર શૃંગારપ્રચૂર શિલ્પો હોય ! વિધિની વક્રતા !
બીકણફોશીઓ રેતીમાં માથું ખોસી દેતા શાહમૃગની જેમ ફલાણું પ્રતીક ને ઢીકણું અર્થઘટન એવી એક્સરસાઈઝ કરી શિવલિંગપૂજા કે કૃષ્ણરાસલીલાને કોઈ પાપ માની, શરમથી કોકડું વળીને એનો દ્રાવિડી પ્રાણાયામ જેવો મૂળ ગ્રંથમાં હોય જ નહિ એવો લૂલો બચાવ કિસમ કિસમના સિમ્બોલના તર્ક લડાવી કરતા ફરે છે. પણ વટભેર ગૌરવ નથી અનુભવતા કે દુનિયા અંધકારયુગમાં હતી ત્યારે આકર્ષણ, પ્રેમ, સેકસના મુદ્દે ભારતીય સંસ્કૃતિ અલ્ટ્રામોડર્ન ને એડવાન્સ્ડ હતી. જેમાં દેહ, શણગાર, જાતીય સુખભોગ અને સૌંદર્યનો લેશમાત્ર તિરસ્કાર નહોતો. હજાર વરસની ગુલામીએ મગજ સેન્સરકેન્સરિયું કરીને ગમતું હોવા છતાં બધું ઢાંકવાને જ ગુણ માની લીધો.
અને ખબર નહિ, હિંદુ મુસ્લિમ દરેક ધર્મના બની બેઠેલા સાંસ્કૃતિક પગીપસાયતાઓના જીન્સમાં એવી ગરબડ હોય છે કે જીન્સ જોઇને એમના હોર્મોન્સ ચકળવકળ થઇ જાય છે ! ફ્રાન્સના નિમ્સ ગામનું હોઈ ફેબ્રિક દે નિમ્સ ( નિમ ગામનું કપડું ) ડેનિમ તરીકે જગવિખ્યાત થઇ ગયું. ને પછી કેનવાસમાં વપરાતા એ બ્લ્યુ કાપડને અમેરિકામાં લિવાઈસે ખાણીયા મજૂરો માટે ઉપયોગમાં લીધું ત્યારથી એવું ફેશન સ્ટેટમેન્ટ બન્યું કે ગાંધીજીને જે સમાનતા ખાદીથી લઇ આવવી હતી,એ ડેનિમથી આવી ! કોલેજીયન કન્યાથી કોંર્પોરેટ સીઈઓ સુધી. ને ગુજરાત તો એનું મસમોટું નફો કમાતું એક્સપોર્ટર છે. રિવેટકે ફેડેડની જેમ જ છેક ૧૯૭૦થી થોડા કપાયેલાફાટેલા હોય ને ઘૂંટણ કે જાંઘ કે પિંડીની ત્વચા બતાવે એવા રિપ્ડ જિન્સ કે શોર્ટ્સની ફેશન જગતમાં ધમધમાટ ચાલે છે. ફૂલ લૂક લાગે, સેક્સી ય લાગે એવું ફિગર ને ઉંમર હોય તો ને મૂળ તો એમાં ફ્રીડમનો રેબેલ એટીટયુડ છે.
હવે બધી વાતોમાં આમ પણ મર્મ ને અર્થ જ શોધ્યા કરે એ ઘરડા હોય. ગમે એ પહેરવાનું, એમાં ય શું ખુલાસા કરવાના. સમય બદલાય એમ પોશાક પણ બદલાય. સતત સંસ્કૃતિના નામે ભૂતકાળમાં જ જીવવું હોય એમણે વિમાનના બદલે ગાડામાં ફરવું જોઇને ને મોબાઈલને બદલે કબૂતર પાળવા જોઈએ મેસેજ એક્સચેન્જ માટે. પણ આપણને નવું ગમાડવા છતાં ધરાર જુનું છૂટતું નથી. હમણાં ધારાસભામાં ટી શર્ટ પહેરવું એ ડેકોરમ ન ગણાય એ ચર્ચા ચાલી હતી. ધારાસભ્યો કે સાંસદો પક્ષ કૂદાવી દે આખા ત્યાં ગરિમા ન લજવાય ને ટીશર્ટ કે જીન્સ પહેરે એમાં ડિગ્નીટીનો કડૂસલો થઇ જાય !
હજુ શિક્ષિકાઓ ય સાડી જ પહેરે એવા દુરાગ્રહો રખાય છે. ભલે ને અપડાઉનમાં એ નડે ! ને તો પછી શિક્ષકોએ ધોતિયું જ પહેરવું જોઈએ ને ! એમ તો આજે ય ટ્રેડીશનલી ઘણી જગ્યાએ ગ્રામ્ય વિસ્તારોમાં ય બેકલેસ ચોળી પહેરાય છે. તો સંસ્કૃતિના પુનરુત્થાનના નામે એ પહેરવાનું? આમાં શું નવી પેઢીનું નવું ભારત બને જ્યાં ટીશર્ટ કે જીન્સથી બુરખાપ્રેમી જેહાદીઓની માફક વડેરા આગેવાનો ભડકી જતા હોય ! આમ પાછું કહ્યા કરવાનું કે વસ્ત્રોનું નહિ, માણસનું મૂલ્ય છે. ને આમ શું ખાવું, જોવું, પહેરવું, સૂવું બધામાં સરકાર માઈ-બાપના રિમોટ કંટ્રોલની સોડયમાં જઈ લપાવું છે.
કુદરતે તો કેવળ ત્વચા પહેરાવી મોકલ્યા છે. માણસે વળી ઢાંકવાઉઘડવાનો ખેલ કર્યો. ભૂખડ નજર ને ગંદા ચેનચાળા વધુ અશ્લીલ છે. રિવેલિંગ આઉટફિટસ નહી. ઢોર જેવા ઢાંઢાઓ ફૂલ જેવી માસૂમ બાળકીને બળાત્કારમાં ચૂંથી નાખે ત્યારે એ ગુડિયાઓએ ક્યાં ઉત્તેજક પોશાકો પહેર્યા હોય છે. સુધરવાની જરૂર કોઈ દહાડે જોયું ન હોય એમ નારીને જોઈ લાળ ટપકાવતા પુરુષોને છે. સુંદરતાને મસ્તી અને કાવ્યાત્મકતાથી એપ્રિશિએટ કરતા શીખે એનું નામ સંસ્કૃતિ. બાકી વિડીયોથી વેક્સીન સુધીના પાશ્ચાત્ય આવિષ્કારો અપનાવીને પશ્ચિમી સંસ્કૃતિને વખોડયા કરવી એ દંભીસ્તાનની સ્વીકૃતિ.આપણે ભારતીયોને છાને ખૂણે બધું જોવું ને જીવવું છે. પણ કોઈક જોઈ ન જાય એના ગિલ્ટમાં મર્યાદાના ઓઠાં નીચે બધું છુપાવી દેવાનો ઢોંગ કરવો છે !
ઝિંગ થિંગ
It’s adress, not yes !