Get The App

આ બાર લક્ષ્મીઓ બારે મહિના મળે તો નવું વર્ષ ફળે!

Updated: Oct 21st, 2025

GS TEAM

Google News
Google News
આ બાર લક્ષ્મીઓ બારે મહિના મળે તો નવું વર્ષ ફળે! 1 - image


- અનાવૃત-જય વસાવડા

- પરાક્રમ એટલે અન્યાય અને અસત્ય સામે ઢીલા પડયા વિના, જરૂર પડે અર્જુન-કૃષ્ણની માફક સ્વજનોનો પણ સામનો કરી જીતવાનું પોલાદી મનોબળ

સેન્ડ કરું છું લાગણી, 

ટાઈપ કરું છું વ્હાલ,

મોબાઈલના ગાલ પર 

ટશરો ફુટશે લાલ!

યુ ગ એવો ડિજીટલ છે કે નવું વર્ષ રિયલમાં ત્યારે ફિલ થાય જયારે રીલમાં ચમકે ! અત્યારે બધાને બે જ બાબત જોઇએ છે. હાથમાં ઐશ્વર્ય (સુખસગવડ) અને હૃદયમાં ઐશ્વર્યા (રૂપસૌંદર્ય)!

બીજલક્ષ્મી યાને શાસ્ત્રોક્ત રીતે મહાલક્ષ્મીના મૂળ શુભ સુખાકારી સ્વરૂપ 'શ્રી'ના પ્રાચીન સ્તુતિગાનનું ગ્વેદના પાંચમા મંડળમાં આવતું 'હિરણ્યવર્ણા હરિણી' સુવર્ણરજત સ્ત્રજામ.... વાળું ૨૬ મંત્રોનું 'શ્રી સૂકતમ્' બેસ્ટ હેપિનેસ વિશિઝની શુભધવલ પ્રાર્થના છે. રૂમઝુમ લક્ષ્મીદેવીને એના હોટ ગોલ્ડ (તપ્ત સુવર્ણ) જેવી કાંતિ ધરાવતાં, છતાં ચંદ્રના કિરણો જેવી શીતળતા ધરાવતા વર્ણવાયા છે. સોનારૂપાના આભુષણોથી સજજ, તેજોમયી, કમળ જેવી જ કોમળ કાયા અને કમળનું આસન, યશોમતી એવા લક્ષ્મીને રિઝવવાની પ્રાર્થના કરતું શ્રી સૂકતમ્ વૈશ્વિક મંદી બારણે ટકોરા દે છે, એ માહોલમાં યાદ ન આવે, તો જ નવાઇ! 

લક્ષ (ધ્યાન) ઉપરથી (જયાં સમગ્ર સૃષ્ટિનું 'લક્ષ્ય' કેન્દ્રિત છે એવી) 'લક્ષ્મી' શબ્દ આવ્યો છે. હિન્દુ વારસાની 'હોલી ટ્રિનિટી' (પવિત્ર ત્રિમૂર્તિ)માં બ્રહ્મા (સર્જક), શિવ (સંહારક) અને વિષ્ણુ (પાલક-પોષક) છે. વિષ્ણુ મેઇનટેનન્સ મેનેજમેન્ટ કરે છે અને શકિતના સંરક્ષક ગણાય છે. પાવર હોલ્ડર! અને વિષ્ણુનો (યાને સૃષ્ટિના સંચાલનનો) પાવર કે શકિત શું છે? વિષ્ણુપ્રિયા એવી સાગરપુત્રી (ભૃગુ અને ખ્યાતિનું સંતાન) ચંદ્રની બહેન,  કામદેવની જનની,રીતિ અને પ્રીતિની નણંદ એવી બ્યુટી ગોડેસ, ઇન્ડિયન વીનસ લક્ષ્મી! ડોટર ઓફ ધ સી વેવ! હાથીઓ જેને વધાવે એવી ગજગામિની! કાયાના સહસ્ત્રદલ કમલને ખીલવે તેવી મોહિની! લક્ષ્મીના વિચારબીજ વિના જગતની કોઇ સંસ્કૃતિને ચાલ્યું નથી. લક્ષ્મી એટલે અન્ન, યૌવન, પ્રજનન, કંચન, ધનનું કામિની સ્વરૂપ. જેના કુમકુમ પગલાંના આગમન સાથે જ તનમનને સુખ સમૃદ્ધિની સુવાસિત લહેરખીઓ વીંટળાઇ વળે એ અલૌકિક લોટસ પિન્ક દેવી એ જ લક્ષ્મી. 

ઇજીપ્તમાં આ માટેની પ્રમુખ દેવી હતી આઇસીસ. આઇસીસ માટે મનાતું કે એ ધરતીની અંદરના બીજને સૂર્યની દિવ્યશકિતથી પોષીને મનુષ્યને ભોજન આપે છે. રોમન કલ્ચરમાં સિબિલ નામની દેવી આવી જ પોષક માનવામાં આવતી હતી. સુમેરની સંસ્કૃતિમાં સૌંદર્યદેવી એસ્થરને લક્ષ્મીસ્વરૂપ માનવામાં આવતી. આપણી લક્ષ્મીની માફક જ દરિયામાંથી શ્વેત મોજાંઓ અને રૂપાળી છીપોની વચ્ચેથી પ્રગટ થયેલી દેવી એફ્રોડાઇટ ગ્રીક કલ્ચરમાં વિખ્યાત છે, જે ગોડેસ ઓફ લવ એન્ડ બ્યુટી એવી વીનસનું જ બીજું નામ છે! ચળકતી મલપતી જળપરી જેવી સ્માઇલિંગ એફ્રોડાઇટ જયાં જતી ત્યાં ફુલો ખીલી જતાં, પક્ષીઓ એની આસપાસ ટહુકવા લાગતા, ખુશીનું સામ્રાજય છવાઇ જતું! નોર્વે જેવા સુદૂરના નોર્ડિક દેશોની સંસ્કૃતિમાં આવી જ ચંચલ શોખ હસીના જેવી દેવી હતી ફ્રિયા!

ઇન શોર્ટ, લક્ષ્મી હસે, તેનું ઘર વસે એવું પૃથ્વી પરનો દરેક માનવી આદિકાળથી માનતો આવ્યો છે! એમાં ય માણસ જયારે ડિપ્રેશનમાં હોય, ત્યારે તો એના આંસુ લુછવા માટે રૂમાલની નહિં, સુવર્ણની જરૂર વધારે રહે છે! સમૃદ્ધિ આજકાલ જગતને છોડીને 'મૈં ચલી મૈં ચલી...'ના કૂદકા લગાવતી તોફાને ચડી છે, ત્યારે ૨૧મી સદીની આધુનિક સંસ્કૃતિ મુજબ લક્ષ્મીના નવા પૂજનીય નહિં, તો પ્રિય સ્વરૂપો કયા હોઇ શકે? નવી પેઢી સાઉથ ઇન્ડિયન કાંજીવરમની સાડી પહેરેલી, કેલેન્ડરમાં ચીતરાયેલી લક્ષ્મીથી આગળ નજર દોડાવે તો બાર મહિનામાં કેવા શમણાંની રંગોળી રચે?

લેટસ ક્રિએટ ધ મેજીક ફેન્ટેસી ઓફ મોડર્ન વાયબ્રન્ટ લક્ષ્મીઝ !

૧. જ્ઞાાનલક્ષ્મી : 'નોલેજ ઇઝ પાવર'નું સૂત્ર તો જૂનું થયું. નાઉ, નોલેજ ઇઝ મની, હની! બુદ્ધિ વિના બેન્ક બેલેન્સ નહિં મેળવાય, નહિં જળવાય! મેટા, એમેઝોન, માઇક્રોસોફટ, એપલ કે ગૂગલ જેવા કોર્પોરેશન્સ કે સ્પીલબર્ગ, રોલિંગ, મસ્ક, બફેટ જેવા ધનકુબેરોએ એ સિદ્ધ કરી દીધું છે કે આજે 'વિદ્યાવાન ગુણી અતિ ચાતુર'નો જમાનો છે. હવે સરસ્વતી અને લક્ષ્મીનો સમન્વય થવાનો છે. ઉછીની દોલત અને ઉધાર વિચારો લાંબો સમય ટકતા નથી. પ્રોડકિટવિટી તો ટેકનોલોજીને લીધે બધા પાસે હશે, પણ ચેમ્પીયન એ છે જેની પાસે ક્રિએટિવિટી હોય! માટે પહેલાં જોઇશે અભ્યાસ, તર્ક, વિચાર, જ્ઞાાન. ટુ ફાઇન્ડ 'આઇ' ફોર આઇડેન્ટીટી, યુ નીડ 'આઇ' ઓફ ઇન્ટેલીજન્સ, માટે આ રૂપેરી વર્ષે, હેપ્પી ગોલ્ડન જ્ઞાાનલક્ષ્મી !

૨. આરોગ્યલક્ષ્મી : પેલા રાકેશ ઝૂનઝુનવાલા વિદાય લઈને શું શીખવાડી ગયા ? જૂની અને જાણીતી ધનલક્ષ્મીની કૃપા ભોગવવા માટે પણ ફિટ એન્ડ ફાઇન તો રહેવું પડશેને? ઘેર બુંદી બનાવડાવો પણ પેટ પચાવી ન શકે તો? વિદેશ પ્રવાસે ફરવામાં હાંફ ચડે તો? નમણાશ, ત્વચાનો વાન અને વાળ તો ખેર, મા-બાપના જીન્સ અને ભગવાનની ભલામણ ચિઠ્ઠીથી મળે છે પણ ચુસ્ત તંદુરસ્ત ગુલબદન રહેવું તો આપણાં હાથની વાત છે! જરાક આયના સામે ઉભા રહો. તમે તમારી જાતને નીરખી નીરખીને જોઇ શકો છો? જો શરમ આવતી હોય તો જરા કસરત કરવાનું, ચાલવા- દોડવા- તરવાનું કરમ કરો. ચેક યોર ફૂડ હેબિટસ. ટાઈગર શ્રોફ કે નોરા ફતેહીનું મુખારવિંદ ચંબુ જેવું છે પણ એ હોટ એન્ડ સેકસી લાગે છે, એની પરફેકટલી શેપ્ડ કાતિલ કાયાથી! ફાઇટ ફોર ફિટનેસ, બી હેલ્ધી, સ્ટે વેલ. માત્ર હાર્ટ જ નહિ ચેસ્ટ પણ ગુડ રાખો. રોગ ભગાવો, ભોગ જમાવો, શ્રમ કરવો પણ થાકવું નહિં. આપનું યૌવન ચિરંજીવ રહો! હેવ હેપી એકસલન્ટ આરોગ્યલક્ષ્મી !

૩. પરાક્રમલક્ષ્મી : સંવત વીર વિક્રમના નામના ઉજવવા અને બહાદૂરીની કસોટીમાં ચક્રમ બની જવાનું? બી બ્રેવ, ઓર સ્લીપ ઇન ગ્રેવ! ચોકમાં મૂકાયેલા રાણા પ્રતાપ કે ઝાંસીની લક્ષ્મીબાઇની માફક બખ્તર ચડાવી, તલવાર ઝૂલાવતા ઘોડે ચડીને પડકારા કરવાની વીરતાની વાત નથી. વાત છે કઠિન સંજોગોનો નીડર મુકાબલો કરવાની. આંતરિક 'અભય' કેળવવાની. ઇતિહાસ વિજેતાઓ લખે છે, અને વિજેતાઓ પલાયનવાદી, ભાગેડુ, લલ્લુ, નરમઘેંસ, પોચટ, બીક્કણબિલાડી, કુટિલ કાયરો થઇ શકતાં નથી. વીરતા બોલ બોલ કરવાનો નહિં, બોલતી બંધ કરવાનો વિષય છે. પરાક્રમ એટલે ભાંગફોડ અને ગંદી ગાળાગાળી નહિં. પરાક્રમ એટલે અન્યાય અને અસત્ય સામે ઢીલા પડયા વિના, જરૂર પડે અર્જુન-કૃષ્ણની માફક સ્વજનોનો પણ સામનો કરી જીતવાનું પોલાદી મનોબળ. પડકારો સામે ઝુક્યા વિના, તૂટયા વિના અડીખમ રહેવાનો અભય. વિશ યુ હેપી પરફેકટ પરાક્રમલક્ષ્મી!

૪. યંત્રલક્ષ્મી : વિજ્ઞાાનલક્ષ્મી કહો કે ઊર્જાલક્ષ્મી, હવે તો દીપાવલીનું ચોપડા પૂજન પણ ડિજીટલ કોમ્પ્યુટરમાં થાય છે, અને સંસ્કૃતના શ્લોકો મોબાઈલમાંથી મેસેજ થાય છે! હવે માથામાં વાળને ડાઈ કરી કે ટીશર્ટ-જીન્સ પહેરી યુવાન દેખાવાનો યુગ અસ્ત થઈ ગયો. યુવા બનવું હોય તો હાઈટેક બનવું પડે. ગેજેટસ એન્ડ ગિઝમોઝની લેટેસ્ટ ટેકનોલોજીને આંગળીને ટેરવે નચાવતા શીખવું પડે. ટેબ હોય કે ફાયર સ્ટિક ટીવી, નેટ ચેટ હોય કે ફાઈવ સ્ટ્રોક બાઈક, માઈક્રોવેવ ઓવન હોય કે ડિજીટલ વોશિંગ મશીન... એઆઇ અને ફાઈવજીના આ યુગમાં જેટલી સ્વાભાવિકતાથી બ્રશ કરીએ, એટલી જ સરળતાથી આ બધી બાબતો પર પક્કડ રાખવાની છે અને આ સઘળું મળતું રહેવું જોઈએ. જીવનની સુખાનુભૂતિ માટે એરોપ્લેનથી એરકન્ડીશનર બધું જ જોઈએ! સાયન્સ આજે વૃધ્ધ થવા દેતું નથી, અને બાળક રહેવા દેતું નથી! એચિવ હેપી યૂથફૂલ યંત્રલક્ષ્મી.

૫. રાજલક્ષ્મી : સત્તાનો એક કેફ હોય છે. જમીનથી થોડા ઉંચે ચાલવા જેટલા એ હળવા બનાવે છે, અને ઉંચે ઉડનારાને ધરતી પર પટકવા જેટલા ભારે ! પણ સત્તાનું એક સુરક્ષા કવચેય હોય છે. અંગત આત્મીયતા સિવાય વર્કપ્લેસ કે સોસાયટીમાં પ્રેક્ટિકલ બનીને પાવરફુલ થતા જવાનું છે. ટેઈક ચાર્જ ઓફ યોર લાઈફ. જ્યાં પાવરનો પ્રભાવ છે, ત્યાં જ પ્રેસ્ટિજનો ભાવ છે. પ્રભાવી બનો, માનવંતા રહો. દુનિયા ઝૂકી ઝૂકીને સલામ કરે... આદરથી હૃદયથી લાલ જાજમ બિછાવે. હેવ ઓનર ઈન લાઈફ. વાણીવર્તનથી જ લોકો માન આપે એ ઉત્તમ. માન મેળવવા માટે નેતૃત્વ જ જોઈએ એવું નથી. રાજ એટલે માસ્ટરી. જે ક્ષેત્ર પસંદ કરીએ, એમાં આપણા વ્યક્તિત્વની અસરકારક આણ વર્તાવી જોઈએ. ક્યાં સુધી બીજાઓની કઠપૂતળી બનીને નાચવું? રમકડું નહિ, રિમોટ કંટ્રોલ બનીએ. બી એન એક્સપર્ટ. લવ પોપ્યુલારિટી. ગ્રેબ હેપી રોયલ રાજલક્ષ્મી!

૬. કુટુંબલક્ષ્મી : ફ્રેશ વિક્રમ સંવંતમાં સૌથી વધુ અછત પેટ્રોલની નહીં,ફેમિલીની હશે! ટીનએજમાં જેમને ફેન્ટાસ્ટિક એન્ડ ફની ફેમિલી હૂંફ મળી નથી, એવા યંગથીગ્સ પછીથી કોલ્ડ સ્ટોરેજમાં રાખેલા ફ્રોઝન ફૂડ જેવા થઈ જાય છે. મોટે ભાગે પરિવાર સાથે હળેમળે, તો આનંદ કરતાં અકળામણ વધુ થાય છે. ડાઈનિંગ ટેબલ પર ફ્લાવરવાઝ જેટલી આસાનીથી ગોઠવાઈ શકે છે, એટલી ઝડપથી ફેમિલી ગોઠવી શકાતું નથી. ક્યારેક કુટુંબના નામે બેંતાળીસ વ્યક્તિનું ઘોંઘાટિયું, ચોવટિયું ટોળું હોય છે, તો ક્યારેક માત્ર બે જ વ્યક્તિ વાતોના વૃક્ષોનું હરિયાળું ભર્યુંભાદર્યું ઉદ્યાન રચી શકે છે. નજીક રહેવું અને સાથે રહેવું, બંનેમાં ફેર છે. સેલિબ્રેશનના સમયે કુટુંબથી દૂર ભાગવું પડે, એ અમાવસ્યા પર દિલનો દીવો ઝગમગે ત્યાં ઉત્સવ પ્રગટે છે. વિશ યુ હેપી ક્રિસ્ટલ કુટુંબલક્ષ્મી.

૭. મુક્તિલક્ષ્મી : સંબંધમાં બંધન હોય તે ગમે, પણ એ 'સમ+બંધ' હોય ત્યારે મજા આવે. જેમાં સતત ખુલાસાઓ કરવા પડે, ડરવું, ફફડવું પડે, ઠપકાઓની ઠોકમઠોક થાય, મૂંઝવણના મચ્છરો ચટકાં ભરે, ગમે તે ખરીદી શકાય, પણ 'ગમે તે રીતે' જીવી ન શકાય... એવું ઘર સોનાનું પિંજર લાગે! ભારતીય સમાજ આમ ભાવભીનો છે, પણ હજુ કળાને, ઉમળકાને, યૌવનને આર્થિક સ્વાતંત્ર્યથી આગળનું માનસિક સ્વાતંત્ર્ય આપી શકતો નથી. જેટલી ઝડપથી આકાશમાં મેગ્નેશિયમ, પોટેશ્યમ, ગંધક, સૂરોખારની આતશબાજીના ફુવારા ધુમાડા થઈ જાય, એટલી ઝડપથી આ પ્રતિબંધપ્રેમી પરંપરાપૂજક સમાજની લાગણીઓ દુભાઈ જાય છે. અહીં નૂતન વર્ષનું કેલેન્ડર આવે છે, પણ નૂતન આચારવિચારની આધુનિકતા આવતી નથી. વસ્ત્રો કે વાનગીઓ, પ્રેમ કે પ્રવાસ. મરજી મુજબની થોડી નહિ, ઘણી મજા હોવી જોઈએ. લિવ ફ્રી,સેટ યોર રૂલ્સ. બ્રેક ફ્રી, બી ફ્રેશ, એન્જોય હેપી મેગ્નિફિસિયન્ટ મુક્તિલક્ષ્મી.

૮. સ્નેહલક્ષ્મી : 'કબીરા, ત્યહીં જવું નહિ, જ્યાં કપટીનું વ્હાલ/ જેવી દાડમની કળી, મન કાળું- તન લાલ/ પળમાં વધે પળમાં ઘટે, એ નહીં પ્રેમ કહેવાય/ સતત નિરંતર વહ્યા કરે, સાચો પ્રેમ સમજાય!' ગળપણને શબ્દોમાં વર્ણવી શકાય? ચાંદનીનું લેબોરેટરી એનાલિસિસ કરી શકાય? સખ્ય અને પ્રેમનો સ્નેહ પણ આવો, અનુભૂતિનો વિષય છે. અભિવ્યક્તિ ત્યાં પાછી પડે છે. મનનું ગુંજન, તનનું નર્તન આ બધા માટે જોઈએ મિજાજ પ્રસન્ન! વ્હાલ વિના વિકાસ કેવો? મહાલક્ષ્મીનો ભંડાર મળી ગયા પછી પણ એની ઉજાણી કરવા માટે દિલોજાન યારોદોસ્તો અને દિલમાં પલાંઠી મારી બેઠેલા વહાલા ને વહાલીઓ જ જોઈશે ને! જેની છાતીમાં, ખોળામાં, ખભા પર માથું ઢાળીને રડી શકાય એવો મિત્ર એટલે પરમેશ્વરે દોરેલું પ્રેમનું ચિત્ર! અને 'ઢાઈ અક્ષર પ્રેમ કા' પઢવાનું ભૂલાઈ જાય, તો જીવ્યું એ બંધ ભોંયરામાં પોઢયા બરાબર છે! ગૃહલક્ષ્મીઓ અને ગૃહલક્ષ્મીપતિઓ, હીરાનો હાર જશે તો મળશે, પણ પ્યારનો તાર તૂટશે તો આંસુના મોતી વીણવા પડશે. લવ એન્ડ હેવ હેપી સેન્સિબલ સ્નેહલક્ષ્મી !

૯. સંસ્કારલક્ષ્મી : હોલ્ડ ઈટ, હોલ્ડ ઈટ. માથે ઘરચોળું ઓઢીને ગાલે શરમના શેરડા પહેરી, પગના અંગૂઠેથી જમીન ખોતરીને મુસ્કુરાતી ફિલ્મી સંસ્કારલક્ષ્મી નહિ! પેશન અને એડિકશનનો, શ્રેય અને પ્રેયનો, રાઈટ અને રોંગનો, ગુડ એન્ડ ઈવિલનો ડિફરન્સ 'તોરા મન દર્પણ કહેલાયે' સંભળાવ્યા વિના સમજાવે, એવી વેલ્યુ સીસ્ટમ! હમ કો મન કી શક્તિ દેના, મન વિજય કરે... દૂસરો કી જય સે પહેલે ખુદ કો જય કરે! સંવેદના, ઉદારતા, કરૂણા, પ્રામાણિકતા, પારદર્શકતા જેવા સદ્ગુણો તો ખરા જ. પણ સારાસારનો વિવેક અને વાતચીતનો વિનય... અઘરા પણ સાચા રસ્તાની પસંદગી કરી ચાલવાની હિંમત અને સૌજન્ય સાચવી સાચું સાહસ કરવાની લિજ્જત આજના સમયમાં અણમોલ છે. આપણી સિવાય પણ જગત છે, એનું કલ્યાણ કરવામાં કશુંક યોગદાન કરવું એનું નામ સંસ્કાર. બ્લેસ યોરસેલ્ફ વિથ હેપી સ્ટ્રોંગ સંસ્કારલક્ષ્મી.

૧૦. શૃંગારલક્ષ્મી : બધી પાંદડીઓનો ઢગલો કરવાથી ગુલાબ નથી બની જતું. બ્યુટી ઈઝ સબ્જેક્ટ ઓફ ટોટાલિટી. નાઉ એ ડેઝ બ્યુટી અન્ડરગાર્મેન્ટના દરેક શેઈપ એન્ડ સાઈઝમાં મળે છે! જસ્ટ કિડિંગ. ફેશન શોમાં વિરોધ કરવો હોય તો શો બિઝનેસનો કરી શકાય, પણ ફેશનનો નહિ! બી પ્રેઝન્ટેબલ. પૃથ્વીલોક પર દેવી-દેવતાઓના શણગારનું પણ સૌથી માદક અને કાવ્યાત્મક વર્ણન હોય, તો એ ભારતભૂમિના પ્રાચીન સાહિત્ય અને સ્થાપત્યમાં છે. શૃંગાર વિના તો અહીં ઈશ્વરીય યુગલો પણ પ્રગટ અને પ્રસન્ન થતા નથી! મેઘધનુષની મસ્તી, મોરપીંછનું માધુર્ય એટલે વિંગ્સ ઓફ બટરફ્લાય. સીતાને ય સુવર્ણમૃગની ચાહત થાય અને કાનકુંવર પણ ગોપીઓ માટે ઘેલા થાય તો ઈના, મીના, ટીના, રીના, કેટરીના, કરીનાનો કંઈ વાંક ખરો? શુદ્ધ સૌંદર્યની પવિત્ર સુગંધ હોય છે, અને પરફ્યુમની ખુશ્બૂ તો એની માત્ર વાહક છે! ફેશનનો તિરસ્કાર નહિ, સ્વીકાર કરો. સુંદર દેખાશો તો બીજાને પ્રસન્ન કરશો. શૃંગાર હશે ત્યાં નફરત અને હિંસા નહિ હોય. મસ્તી ને મહોબ્બત હિલોળા લેશે. બી સ્માર્ટ, સુપરકૂલ, હિપહોપ ઈન ડ્રેસિંગ એન્ડ લૂક્સ. સજીધજીને, બનીઠનીને બસ કરો એક નજર, મદહોશ કરશે એ ખંજર! મે ગોડ ગિવ હેપી શાઈનિંગ શૃંગારલક્ષ્મી.

૧૧. આનંદલક્ષ્મી : જોય, ઓહ બોય! તૈતરિય સંહિતા કહે છે 'કો હેવાન્માક પ્રાણયાત, યદેષ આકાશે આનંદો ન સ્યાત્!' આ સૃષ્ટિમાં આનંદનું તત્વ ન હોત તો શ્વાસ પણ કોણ લેત? સાધુથી સંસારી સુધીના બધા જ પોતપોતાના આનંદલોકની તૃપ્તિ ભોગવવા દોડતા રહે છે. જ્યાં સ્મિત છે, ત્યાં બધું જ સુંદર લાગે છે. ટેરર હોય કે સ્ટોક શેર... હેવ ફન. આનંદી કાગડાની માફક ઉકળતા તેલમાં પણ પહેલા જાત ઉપર જ હસી કાઢો... રડો તો ય દુ:ખ આવવાનું છે, પણ હસો તો એની પીડા થોડી હળવી થશે. આ સ્માઈલી મોમેન્ટસ જ છે, જેને લીધે લાઈફ છે! લિપસ્ટિક લગાડવામાં જેટલી તસ્દી લઈએ છીએ, એટલી પણ ખુલીને ખિલખિલ હસવામાં લઈએ તો વગર મોસમે ખોબો ભરીને પારિજાતના ફૂલ ઝર્યા કરે! ધરતી પર સ્વર્ગ એટલે જલસાઘર. ફોરએવર પાર્ટી! આ બધા દુ:ખના દહાડા સહન કરીએ, આનંદના થોડા કલાકો માટે. વિશ યુ હેપી એવરગ્રીન આનંદલક્ષ્મી.

૧૨. શાંતિલક્ષ્મી : સહજ યાને નેચરલ અને સરળ યાને સિમ્પલ રહીને ઈગો વિના જીવવાનો સાક્ષીભાવ હશે, તો જ આ શ્રીદેવીઓની રંગબેરંગી રમઝટને મોજથી માણી શકશો. વારંવાર સ્વીટસ કે ચટપટું ફરસાણ ખાઈ શકાય એ માટે ક્યાં અટકવું એનો સંયમ પણ જોઈએ. ઉતાવળ નહિ, ટેન્શન નહિ. પ્રોબ્લેમ હોય તો ધીરજ રાખો. જે મળ્યું એનો મહોત્સવ કરવાનો સંતોષ રાખો અને બસ આરામ અને ફુરસદનો ખાલી સમય ને ક્યારેક અનાયાસ મમ્મીના ગર્ભ જેવી હિમાલયન શાંતિનું ધ્યાન તમને મળે! માણસ લગ્નજીવનમાં પણ બ્યુટીથી ધરાઈ જાય ત્યારે શાંતિ ઝંખે છે. મે ધ ફોર્સ ઓફર યુ હેપી શેલ્ટર ઓફ શાંતિલક્ષ્મી!

પીસ. જેમ કે આ લેખનો અંત! બધી લક્ષ્મી મળે એ માટે નેચરલી સૌથી અગત્યની ધનલક્ષ્મીની શુભેચ્છા! દિપાવલી પર્વ એટલે રજત રાતોમાં આ લક્ષ્મીઓના સ્વર્ણિમ પ્રકાશનો માંગલ્યોત્સવ ! નૂતન વર્ષાભિનંદન.

ઝિંગ થિંગ

સંસ્કૃતિના નામે અહંકાર રાખનારા પણ અભ્યાસ ના કરનારા પ્રાચીન ગડબેશો બેકવર્ડ માઈન્ડથી મેસેજ ફોરવર્ડ કરે છે કે 'સાલ મુબારક' ઇસ્લામિક ગુલામીનું પ્રતીક હોઈ સ્વદેશી દિવાળીએ ના બોલવું. એમ તો અડધોઅડધ મીઠાઈ દિવાળી પર ના ખાઈ શકો જે મુઘલ શાસનમાં આવી. ના ચીનના શોધેલા ફટાકડાથી ફાનસ, કાગળથી રેશમ વાપરી શકો. પણ ક્યારેય નાનું મગજ હોય તો વિચાર્યું કે સાલ મુબારક કેમ માત્ર ગુજરાતમાં જ બોલાય છે ? કારણ કે એ પારસીઓની દેન છે. પર્શિયા યાને ઈરાનની ફારસી ભાષા ઇસ્લામ પહેલાની પારસીઓની ય ખરી. અને ગુજરાતમાં એ દૂધમાં સાકરની જેમ ભળ્યા એમાંથી સાલ મુબારક આવ્યું. તો સાલ મુબારક, 

હેપી ન્યુ ઈયર.

Tags :