Get The App

ચલો ઉન કે લિયે કુછ લેતે ચલે, ઔર ઉન કો દુઆયેં દેતે ચલે...: દિવાળી ગિફટસના ઈમોશન્સ અને ઇકોનોમિકસ!

Updated: Oct 14th, 2025

GS TEAM

Google News
Google News
ચલો ઉન કે લિયે કુછ લેતે ચલે, ઔર ઉન કો દુઆયેં દેતે ચલે...: દિવાળી ગિફટસના ઈમોશન્સ અને ઇકોનોમિકસ! 1 - image


- અનાવૃત-જય વસાવડા

- ગિફ્ટ મૂળ તો ભાવ સાથે એક ભરોસો છે. વ્યક્ત શબ્દોમાં ના થાય એવો કે તમે અમારા મનમાં કેટલી હદે જગ્યા રોકો છો !

તો હફે કી કીમત નહીં, તોહફા દેનેવાલે કી નીયત દેખી જાતી હૈ! કાદર ખાને જે દિમાગની આરપાર નીકળીને દિલમાં સેવ થઇ જાય એવા જે ડાયલોગ્સ લખ્યા છે, એમાંનો આ એક પર્સનલ ફેવરિટ સંવાદ છે શરાબીનો. દિવાળી આવે એટલે કોર્પોરેટ ગિફ્ટસ હવે ટ્રેન્ડિંગ છે. પહેલા જેમ કાર્ડ્સ આવતા એમ ડ્રાયફ્રુટ્સ ને ચોકલેટ્સ આવે છે. હવે નવા મિક્સ પેક શરુ થયા છે, એક પેકેટ વેફરનું હોય ને એક ચવાણાનું હોય ને એવું બધું. દીવડાં, કોડિયાં, તોરણ, સુગંધી કેન્ડલ્સ, અગરબત્તી વગેરે એવરગ્રીન છે. ખાસ ગિફ્ટ માટેની દેખાવડી પણ સસ્તી જ્વેલરી હોય છે. ડાયરીઓ ડિસેમ્બરમાં આવે હવે. પણ કેટલાક બૂકેને બદલે બૂકસ આપતા થયા છે. 

મોરારિબાપુ કહે છે કે નીતિશાસ્ત્રો મુજબ કોઈને રિક્તપાણિ મળવા ના જવું. મતલબ કોઈના ઘેર જતા હો કે પહેલી વાર મળતા હો કે કોઈ માટે સન્માન હોય ને મુલાકાત હોય તો ભલે નિમિત્તમાત્ર કશુંક પણ રિક્ત એટલે ખાલી અને પાણિ એટલે હાથે જવું નહિ ! નાના બાળકોના હાથમાં કશું ના હોય તો વડીલો કૈંક શુકનના રૂપિયા મુકે એવી રસમ હજુ ચાલે છે. મહેમાન તરીકે ક્યાંક રોકાવ ને તમારી પાછળ કોઈ ખર્ચ કરે તો એમને રોકડ હિસાબ આપવો અપમાનજનક લાગે. પણ કોઈ ગિફટ આપીને કે મોકલીને કદર કરી શકાય. ઉત્સવ ઉજવવા માટે આમ પણ ભેટો આપવાનું દરેક સંસ્કૃતિમાં છે. ક્રિસ્મસ ટ્રી પર લટકેલા ગિફ્ટ બોક્સ હોય કે ઈદી ! 

ગિફ્ટ સ્પેશ્યલ એની પ્રાઈસ ટેગથી નહિ પણ એના માટે લગાવેલા એફર્ટસથી બને છે. હાથેથી ચીતરેલું કશુંક તૈયાર પ્રિન્ટિંગ કરતા વધુ ખાસ લાગવું જોઈએ. એમાં અપાયેલો સમય પણ ગિફ્ટ છે, જાતે બનાવો નહીં તો મેળવવા માટે ખાસ પ્રયાસ કરો કે કસ્ટમાઈઝ્ડ તૈયાર કરાવો. પ્રવાસમાં ટિપિકલ સુવેનિઅર શોપ્સ કે એજમાં આખી દુનિયામાં ચીનની જ વસ્તુઓ મોટે ભાગે મળે છે કે એરપોર્ટ પરની દુકાનોમાંથી લઇ લેવું એ સબૂત છે કે માત્ર વહેવાર નિભાવવા આ દેવાયું છે. આ લખવૈયાએ એવા મિત્રો જોયા છે કે જે ગિફ્ટ આઈડિયાઝમાં અવ્વલ હોય. એમને આવડે કોઈ ટોટલી અન્કન્વેન્શનલ ભેટો વિચારવી ને દેવી ! માટલાંથી પાંદડા સુધીની ભેટો આપી શકાય છે. એક ઉત્સાહ હોય છે ઘણાને ગિફટસ દેવાનો. વારંવાર આપે. જમાડે ને પછી પણ ઘેર લઇ જવા કૈંક આપે! બેગમાં સમાય નહિ એટલા હેમ્પર્સ ઠલવી દે. કેશ નહિ તો ડાયમંડ કે ગોલ્ડ આપે. જાપાનમાં હમણાં જ ભેટ તરીકે શો રૂમના ખરીદીના વાઉચર્સની જેમ બૂક વાઉચર્સ જોયેલા. ઓનલાઈન તો ઈ કોમર્સ સાઈટ્સ આપે જ છે.  ખરેખર તો પીઆર લોકોએ પત્રકારોને આ જ આપવા જોઈએ. પણ તો તો બહિષ્કાર થવા લાગે પ્રેસ મીટ પ્રમોશનનો ! હવે ફૂડ કૂપન્સ તો ઘણા આપી દે છે. પોતાની રીતે ફેમિલી ફ્રેન્ડસ સાથે ખાઈ આવો. 

'ઢગલે ધીંગાણા' નહિ કરવાના. કોઈને આપવું તો દિલ ખોલીને આપવું. નહિ તો ક્યાં ફરજીયાત છે ? ઘણા માત્ર પોતાનો પ્રચાર થાય એ જ વસ્તુઓ આપે. કોઈ વાર ઠીક છે. બાકી લેખક હો તો પોતાના જ નહિ, બીજાના પુસ્તકો પણ આપી શકાય ! કેટલાક કાયમ માટે એકનું એક જ પુનરાવર્તન કર્યા કરે. અમેરિકાના જોએલ વાલ્ડફોગેલ નામના પ્રોફેસરે તો 'સ્ક્જોનોમિક્સ' (ચાર્લ્સ ડિકન્સની ક્રિસ્મસ કેરોલનું કંજૂસ શેઠનું પાત્ર જેના પરથી ડિઝનીએ એવા લોભિયા અંકલ સ્ક્જ મેકડક બનાવેલા!) નામનું પુસ્તક લખી એવું સાબિત કર્યું છે કે હોલિડે યાને તહેવારોમાં આડેધડ ગિફ્ટસના માર્કેટના ઉછાળને લીધે કરોડોનો ડેડવેઇટ લોસ ઉભો થાય છે!

બોલો, દિવાળી જેવા ફેસ્ટિવલમાં તો ગિફ્ટસની બજાર ઉઘડે. એમાં કમાણી ને ખર્ચનું ચક્કર ફરે. એટલે તો મોદીસાહેબે ખાસ જીએસટી ઘટાડવા ને ભારતીયોને ફાયદો થાય એમ ખરીદી કરવા ઘોષણા કરી. એમાં નુકસાન કેવી રીતે જાય અર્થતંત્રને ? પણ સ્કૂજોનોમિક્સની વાતમાં ય દમ છે. મોટે ભાગે લોકો પોતાના પર્સેપ્શન મુજબ કશુંક ખરીદે છે. સર્વે કહે છે કે ૨૦% લોકો ભેટમાં મળેલી વસ્તુ ના ગમતા ફેંકી દે છે. પહેલેથી જ કરકસર ને રિયુઝમાં માનતા ભારતીય સમાજમાં લોકો બીજાને આપી દે છે. અમુક વસ્તુઓ તો લગ્નથી લગ્ન સુધી ભર્તુહરિના અમરફળ જેવી યાત્રા કરીને ફરી પેક થઈને કર્યા  કરે છે પછી ઘડિયાળ હોય કે ગણેશની મૂર્તિ હોય કે ડિનર સેટ હોય!

હવે બધાને ગિફ્ટ ઇવન મોંઘી હોય તો પણ ગમતી નથી હોતી. (ઘણાને આપનાર નથી ગમતા હોતા એ અલગ પ્રોબ્લેમ થયો!) તો હવે એ ગિફ્ટ બનાવવામાં કે મોકલવામાં કે પેકિંગમાં જે રિસોર્સ વપરાયા એ નકામા ગયા. ખાસ કરીને પર્સનલાઈઝ્ડ ગિફ્ટ હોય પોટ્રેટ કે મેમેન્ટો ટાઈપ તો એમાં વપરાયેલી ચીજો નાહક વેડફાઈ. એ રીતે એ સંસાધનોનો બગાડ આર્થિક રીતે ડેડવેઇટ લોસ ઉભો કરે છે. કપડાં આપો પણ ફિટિંગ ખ્યાલ ના હોય, તો થાય નહિ. મીઠાઈ આપો પણ તબિયતને લીધે કોઈ ખાય નહિ, પુસ્તકો તો હોંશે હોંશે લખીને આપો મેસેજ તો વાંચે નહિ ને પાછા પસ્તી કે ગુજરીમાં જોવા મળે નામ સાથે ! તદ્દન નકામા અને ભંગારમાં ય ન વેંચાય એવા શિલ્ડ- મોમેન્ટોની ઘરના શોકેસ તો શું, મેડામાં ય જગ્યા ન બચી હોય! જરૂર બસભાડાની હોય, અને ભેટમાં મળે દેનારા સિવાય બાકીના તમામ માટે તમામ રીતે નકામું કોઇ લાકડા- પ્લાસ્ટિકનું બટકું! પેન તો બારોબાર જ બીજાને ગિફટમાં અપાતી હોય. શાલની તો એવી થપ્પી હોય કે એ સન્માનને બદલે અપમાન જેવી લાગે! પ્રમાણપત્રો તો વળી સાચવવાનો ખર્ચ ભેટથી વધી જાય!

જોએલભાઈએ સર્વેક્ષણ માટે રજાઓ પત્યા બાદ બે સવાલો પૂછવાના રાખ્યા. એક, તમને મળેલ ભેટ માટે એ આપનારે શું ખર્ચ્યું હશે તેનું અનુમાન આપો. બે, ભેટના સંવેદનાત્મક મૂલ્યને બાજુએ રાખો તો તેમાં મળેલી ચીજ ખરેખર ગાંઠના પૈસા ખર્ચીને લેવાની થાય તો ખરીદો?

તારણો ખાસ્સા હતાશાજનક આવ્યા. બહુમતી ઉત્તરદાતાઓએ જેમાં આપનારે ખરેખર જે રકમ ભેટ માટે ખર્ચી હોય, તેના કરતા ઘણી ઓછી રકમ ધારી હતી! મતલબ, ગિફટ 'અન્ડરવેલ્યૂ' થઈ હતી! દાખલા તરીકે આપનારે ૧૦૦ રૂપિયાની ચીજ આપી હોય, પણ મેળવનારને એની કિંમત ૮૦ રૂપિયા જ લાગી હોય! હવે આ તફાવતના ૨૦ રૂપિયા ઈકોનોમિક્સની ભાષામાં 'ડેડવેઈટ લોસ' થયો. રિસોર્સ યાને નાણાનો એવો વેડફાટ કે જેની કોઈ ઉપયોગિતા નથી! જો ગિફટ આપનારે કેશમાં રૂપિયા આપ્યા હોત, તો એ રકમના એક-એક રૂપિયાનું પૂરેપુરું મૂલ્ય અને વટાવીને મેળવનાર વસૂલ કરી શક્યો હોત. 

તહેવારો જ નહિ, બર્થ ડે- લગ્ન જેવા વ્યક્તિગત પ્રસંગો જુઓ. મોટે ભાગે તો એમાં મળેલી ગિફ્ટસ સીધી ફ્રોમનું નામ બદલાવી બીજાને 'ફોરવર્ડ' થાય છે! તો 'બિનઉત્પાદક' (નોન પ્રોડક્ટિવ) પ્રક્રિયા (જેમ કે, ગિફ્ટનું પેકિંગ કે કુરિયર) તથા સ્થિર થઈ ગયેલા પેલા 'ડેડવેઈટ લોસ'ના નાણા ગણો તો કરોડો રૂપિયાનો પરોક્ષ 'બગાડ' થયો. કારણ કે, આધુનિક અર્થશાસ્ત્ર મુજબ ઈચ્છાપૂર્તિમાં નાણુ વપરાય (રિસોર્સ ટુ ફૂલફિલ નીડ એન્ડ વોન્ટસ) તો જ એનું ચક્ર યોગ્ય સંતુલનમાં ચાલ્યું કહેવાય! સાદી વાત એટલી કે કોઇપણ ભેટ આપનારા, મેળવનાર વ્યકિતને 'કશુંક' ગમશે એવી અપેક્ષાથી ભેટ ખરીદે અને પહોંચાડે છે. સામી વ્યકિતની પસંદગીનું અનુમાન પુરી ખાતરીથી થતું નથી.

જોએલના રિસર્ચમાં દેખીતી રીતે જ એ તથ્ય બહાર આવ્યું કે એકદમ નિકટ મિત્રવર્તુળ કે સ્નેહી સંબંધીની ભેટમાં 'ડેડવેઈટ લોસ' ઓછો રહે છે. કારણ કે, અહીં એકબીજાની ઈચ્છા તથા જરૂરિયાતની પાક્કી માહિતી ગિફટની લેવડદેવડ વખતે રહે છે. ટેસ્ટ, રસરુચિ ખબર હોય છે. પણ દૂરની વ્યક્તિ રોકડ નાણા સિવાય જો વસ્તુ કે સેવાઓ ભેટમાં આપે તો મોટે ભાગે થાપ ખાતી હોય છે. વળી, જેમ ગિફટ દેનાર અને મેળવનાર વચ્ચે ઉંમરનો તફાવત વધુ, એમ ગિફ્ટ ન ગમવાની શક્યતા પણ વધુ! વડીલશ્રી ઉપદેશાત્મક પુસ્તક આપે કે બચ્ચાલોગ કંઈક નવી પ્રેરણા-આવડત મેળવશે, જ્યારે ટીનેજરનો જીવ નવા મોબાઈલમાં હોય! સારાંશ એટલો જ કે જો સામી વ્યક્તિની રસરૂચિ અને જરૂરિયાતથી અજાણ હો, તો એને ટોટલી ફ્લેક્સીબલ ગિફટ દેવી- યાને હાર્ડ કેશ, રોકડા! બાકી તો અર્થશાસ્ત્રીય દ્રષ્ટિકોણથી- ગિફટ આપવાનું (લેવાનું નહિ!) જ ટાળવું!

પણ આમાં ઇકોનોમિકસ હશે, ઈમોશન નથી. યાદ તો કોઈ ભેટ રહી જાય છે. મજા તો એમાં છે. સામાજિક રીતે પણ કૈંક આપો વસ્તુ પેક થાય એવી એની સાયકોલોજીકલ વેલ્યુ છે, વળી ગિફ્ટ રેપ ને ફ્લાવર્સ ને ચોકલેટ્સ ને એવી ઘણી ઇન્ડસ્ટ્રી છે નભી જતી ગિફ્ટસ પર. ગિફટ ઈકોનોમી હોય એમ ગિફટ સાયકોલોજી પણ હોય છે. ઘણી વાર બંધ પેકેટમાં શું વસ્તુ હશે એનો આહલાદક રોમાંચ જ 'પૈસા વસૂલ' હોય છે. ક્યારેક તમે કદી વિચારી ન હોય એવી સરપ્રાઈઝ આઈટમ કિંમતમાં મામુલી હોય તોય આપણને 'મહામૂલી' લાગે છે. કોઈ વાર ગિફટ દેનાર પાસે તેના વ્યવસાય કે પ્રવાસને લીધે કોઈ એવી વસ્તુ હોય, જે મેળવનાર પૈસા ખર્ચીને પણ ન મેળવી શકે! જેમ કે, લાકડાની કળાત્મક એન્ટિક પીસ કે ઈરાકનો નરમ ખજૂર! ક્યારેક તો કોઈ ગિફટ એવી હોય કે મેળવનારે તેના વિશે સાંભળ્યું જ ન હોય કે પ્રવાસના અભાવે જોઈ પણ ના હોય! પછી તેનામાં એ મેળવવાની અપેક્ષા ક્યાંથી જાગે? પણ મળ્યા પછી એ ખૂબ ગમી જાય! તો વળી કોઈવાર, ગિફટમાં એવું કંઈ મળે જે સામાન્ય રીતે કદી ખરીદવામાં ન આવે, પણ કોઈ આપે તો ગમે! દાખલા તરીકે, થાબડીનું બોક્સ! એ ખારી શિંગના પેકેટની જેમ કોઈ ખરીદીને ન ખાય, પણ આવે તો ખાવું ભાવે! એવું જ (આપણે ત્યાં રિવાજ ન હોવા છતાં) સિનેમાની ટિકિટમાં થઈ શકે!

એથી ય વધુ, જે ઈકોનોમિક્સ કે સાયન્સ ચૂકી જાય એવી વાત છે, એ છે ગિફ્ટની સેન્ટીમેન્ટલ વેલ્યૂ! યાને સંવેદનોનું મૂલ્ય! જે વાસ્તવમાં અમૂલ્ય હોઈ શકે! ટાઈ એક ફાલતુ ગિફ્ટ હોય, પણ જો જીવન ઘડતર કરનાર કોઈ શિક્ષકે અંતરના વાત્સલ્ય સાથે આપી હોય તો પહેરવા કરતા જાળવવી ગમે! માએ જન્મદિને ભરત ભરેલી ટોપી આપી હોય તો એનો બજારભાવ માંડી શકાય ખરો? લગ્નની વીંટી વેચનાર ઝવેરી કરતા પહેરનાર-પહેરાવનાર માટે વધુ કિંમતની જ રહેવાની! આખરે એમાં સ્નેહના સ્મરણો ઉમેરાયા છે!

જ્યાં ગિફટ આપ્યા પછી વળતી ગિફ્ટ પામવાની તડપ હોય ત્યાં ભેટ, ભેટ નથી રહેતી. વેપાર બની જાય છે. દિવસે દિવસે નાના કુટુંબ અને મોટી ટેકનોલોજીમાં વિકસતા સમાજને રિલેશનના- મશીનમાં ઓઈલિંગ માટે નાની-મોટી ગિફ્ટસની આવશ્યકતા વધશે! સમય ન અપાયાનો અપરાધભાવ દૂર કરવાય ગિફ્ટ આપવી પડશે! નવી નવી સોશ્યલ ઈવેન્ટસ, તો નવી નવી ગિફ્ટ હેબિટસ! એબાઉ ઓલ, ગિફ્ટ ખરા પ્રેમથી આપનારને કશુંક સરસ હરખભેર આપ્યાનો જે સંતોષ મળે છે, એનું શું? એ ક્યા ચલણમાં માપીશું?

અને દિવાળી પર તો એક સપ્તાહ ગુલાબી માહોલ હોય છે બજારનો. કારણ કે લોકોને જ આપવાનો હરખ ને ઉમળકો હોય છે. લોકો ખર્ચ ના કરે તો અર્થતંત્ર ચાલી જ ના શકે! ગિફટમાં કંઇકેટલુંય ઓપ્શન્સ તરીકે મોજૂદ રહે છે! શેમ્પેઇનની બોટલથી શાલ... હેર ડ્રાયરથી ટેરેટ કાર્ડસ.... બંગડીઓથી ડાયરી... અન્ડર ગાર્મેન્ટસથી બેગ્સ.... પેનથી સ્કાર્ફ... હોલિડે ટૂરથી મેગેઝીન સબ્સ્ક્રીપ્શન! ઇનફેકટ, શું નથી દેવાતું તેની યાદી કરવી સહેલી પડે! 'કોસ્મોપોલિટન' મેગેઝીને તો એકવાર ઇનોવેટિવ ગિફટ આઇડિયા તરીકે 'એકસકલુઝિવલી ફોર કપલ્સ' પોતાની જાતને જ ગણાવી હતી! 'સેલ્ફ ગિફટ' આપવા માટે પાર્ટનરને ખાસ રૂમ બૂક કરાવી, સ્પેશ્યલ બૂકે- ચોકલેટસના સ્વાગતથી ખાસ શણગારેલ કારમાં ત્યાં લઇ જવાના... રોમેન્ટિક હનીમૂન સ્ટાઇલ સ્પેશ્યલ ડિનર અને પછી ખાસ ડ્રેસમાં જાતે જ ગિફટ રેપરમાં સજીધજીને 'અનપેક' થવા માટે વિથ મ્યુઝિક એન્ડ ડાન્સ પેશ થવાનું!

ખબર છે? વિવેક ઓબેરોયે સલમાનને જલાવવા એક સમયે ઐશ્વર્યાને કેવી અભૂતપૂર્વ બર્થ ડે ગિફટ આપેલી? ૩૦ વર્ષની સુંદરી માટે ૩૦ પેકેટ. દરેક વર્ષનું એક. પહેલા વર્ષના પેકેટમાં એ સમયના પ્રતીકરૂપે બાળોતિયું નીકળે, તો દસમા વર્ષના પેકેટમાં જે-તે સમયનો સ્કૂલ ડ્રેેસ! ગિફટ કંઇ પેકેટમાં જ અપાય તેવું નથી. રૂમને પેઇન્ટ કરીને કે અણધાર્યો ફોટોગ્રાફ લઇને પણ ગિફટ આપી શકાય. ગિફટમાં ગલૂડિયાં આપવા-લેવા પણ આજકાલ ફેશનમાં છે! અવનવા પત્રો પણ આપી શકાય! ને પરફ્યુમ્સ કે પર્સ કે શૂઝ પણ. હગ્સ એન્ડ કિસ કેન બી ધ ગિફ્ટ સમટાઈમ્સ ઇન લવ! અરે, પ્રવાસો પણ ભેટમાં આપી શકાય. 

યાદ એટલું રાખવાનું કે ગિફટ કોઈ સોદો નથી. કોઈ હજારની ગિફ્ટ આપે એટલે સામી એટલી જ આપવી જરૂરી નથી. પણ ખબર હોવી જોઈએ કે કોઈ કેટલું કરે છે આપણા માટે અને એની કદર હોવી જોઈએ. ગિફટ સરપ્રાઈઝ હોય તો એની બેસ્ટ ઈમ્પેક્ટ આવે. આમ પણ ચેલૈયા કે અબ્રાહમના પુત્ર આઈઝેક કે કર્ણ જેવી કથાઓમાં પોતાને સૌથી વહાલું હોય એનું ઈશ્વર ખાતર કે દાન ખાતર બલિદાન આપવાની વાત છે. આવી રીતે અપાતી ગિફ્ટ મૂળ તો ભાવ સાથે એક ભરોસો છે. વ્યક્ત શબ્દોમાં ના થાય એવો કે તમે અમારા મનમાં કેટલી હદે જગ્યા રોકો છો ! અમે તમારે ખાતર શું કરી શકીએ છીએ!

દિવાળી સિવાય પણ જે બંદા જેવી 'ગિવર' સાયકોલોજી રાખે છે એ આપવાનો આનંદ અનુભવી ગમતાઓને ગિફ્ટસ આપતા રહે છે. ફેસ્ટીવલ આવી મધુરતા હોય ત્યાં વગર તિથિ જોયે ઉજવાતા રહે છે.

ઝિંગ થિંગ

'ભગવાને આપણને જીવનની ભેટ આપી છે, આપણે એમને વળતી ભેટ (રિટર્ન ગિફ્ટ) તરીકે સરસ રીતે જીવી શકીએ!' (વોલ્તેર)

Tags :